ગગનયાન મિશન : H1 મિશન

ગગનયાન મિશન : H1 મિશન

 • તાજેતરમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી, અણુ ઊર્જા અને અવકાશના રાજ્ય મંત્રીશ્રી જિતેન્દ્ર સિંહ દ્વારા લોકસભામાં જણાવ્યું કે ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન- H1 મિશન’ને વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં લૉન્ચ કરાશે.
 • ગગનયાન મિશનમાં ક્રૂ(Crwed)ની સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાયું છે, જે હેતુથી ‘માનવરહિત G1 મિશન’ હેઠળ વિવિધ ઉડાન પરિસ્થિતિઓમાં Crewed Escape System અને પેરાશૂટ-આધારિત અટકાવ સિસ્ટમના પ્રદર્શનની ચકાસણી કરવામાં આવશે.
 • ફાઈનલ H1 મિશન પહેલા Crewed Escape System અને પેરાશૂટ-આધારિત અટકાવ સિસ્ટમની ચકાસણી માટે ‘G1 મિશન’ને 2023ના છેલ્લા ક્વાર્ટરમાં લોન્‍ચ કરાશે, જ્યારે ‘G2 મિશન’ને 2024ના દ્વિતીય ક્વાર્ટરમાં લોન્‍ચ કરાશે.
 • ‘G1 મિશન’નો હેતુ માનવ રેટેડ લોન્ચ વ્હીકલ, ઓર્બિટલ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમ, મિશન વ્યવસ્થાપન, સંચાર સુવિધા અને પુનઃપ્રાપ્તિ કામગીરીના પ્રદર્શનને ટેકો આપવાનો છે. ઉપરાંત, મિશનના પેલોડ તરીકે ‘હ્યુમનૉઇડ‘ને વહન કરશે.

ગગનયાન મિશન વિશે

 • ગગનયાન મિશન એ ભારતનું અતિ-મહત્ત્વાકાંક્ષી મિશન છે. ગગનયાન મિશન હેઠળ ત્રણ સભ્યોના ક્રૂને પાંચ થી સાત દિવસ માટે અવકાશમાં મોકલાશે.
 • ગગનયાન મિશનની જાહેરાત વર્ષ 2018માં વડાપ્રધાનશ્રી દ્વારા કરાઈ હતી. ગગનયાન ભારતનું પ્રથમ અને વિશ્વનું ચોથું સમાનવ મિશન બનશે.

ઉદ્દેશ :

 1. ત્રણ સભ્યોના ક્રૂને 300-400 કિ.મી ઉપર પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (Lower Earth Orbit – LEO)માં પાંચથી સાત દિવસ માટે મોકલવામાં આવશે. તેમજ, તમામ ક્રૂને પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત લાવવા સમગ્ર મિશનનો વિકાસ સ્વદેશી ક્ષમતાઓ સાથે કરાશે.
 2. ગગનયાન મિશનને પહેલા 2022ના અંતમાં લોન્‍ચ કરવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે આ લક્ષ્યમાં બદલાવ થયો છે અને હવે આ મિશનને 2024ના અંતમાં લોન્‍ચ કરવામાં આવશે.

વિશેષતાઓ

 1. ગગનયાન મિશનને જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ GSLV Mk III અથવા LVM-3 દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે.
 2. ઓર્બિટલ મોડ્યુલ તરીકે ઓળખાતા ગગનયાન સિસ્ટમ મોડ્યુલમાં એક મહિલા સહિત ત્રણ ભારતીય અવકાશયાત્રીઓ હશે.
 3. ગગનયાન મિશનના ઓર્બિટલ મોડ્યુલમાં બે પે-લોડનો સમાવેશ થાય છે;
 • ક્રૂ મોડ્યુલ : જે અવકાશયાત્રીને વહન કરનારું યાન છે.
 • સર્વિસ મોડ્યુલ : બે લિક્વિડ-પ્રોપેલન્ટ એન્જિન દ્વારા સંચાલિત.
  • આ મિશન અંતર્ગત ત્રણ ફલાઇટને ભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરાશે, જેમાં બે માનવરહિત ઉડાન ‘G1 મિશન’ અને એક સમાનવ અવકાશ ઉડાન ‘H1 મિશન’નો સમાવેશ થાય છે.
  • એજન્‍સી સહકાર : ઈસરો સિવાય ગગનયાન મિશનમાં ભારતીય સશસ્ત્ર દળો, સંરક્ષણ સંશોધન વિકાસ સંસ્થા, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી, ભારતીય હવામાન વિભાગ, CSIR લેબ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ ભાગીદારો, ભારતીય દરિયાઈ સંસ્થાઓનો સહયોગ રહેશે.
  • ઇસરો એ મિશન માટે પસંદ કરાયેલા ભારતીય અવકાશયાત્રીઓને તૈયાર કરવા માટે ROSCOSMOS (રશિયન સ્પેસ એજન્સી)ની પેટાકંપની Gavkosmos સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ગગનયાન મિશનના ફાયદાઓ

 • સૌરમંડળ અને ડીપ સ્પેસનું અન્વેષણ કરવા માટે સસ્તા અને આધુનિક રોબોટિક અને સમાનવ પ્રોગ્રામ તરફ પ્રગતિ.
 • સમાનવ મિશનો, નમૂના પરત મિશનો અને વૈજ્ઞાનિક સંશોધન માટે અદ્યતન તકનીકી ક્ષમતાનો વિકાસ.
 • આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના વિકાસમાં સક્રિયપણે સહયોગ વધારવો અને વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવા માટે ભવિષ્યની ક્ષમતાનો વિકાસ કરવો.
 • શૈક્ષણિક-ઉદ્યોગ ભાગીદારી માટે એક વ્યાપક માળખું તૈયાર કરવું.
 • અદ્યતન વિજ્ઞાન અને સંશોધન પ્રવૃત્તિઓમાં રોજગાર સર્જન અને માનવ સંસાધન વિકાસ માટે વિપુલ અવકાશ પેદા કરશે.
 • ભારતીય યુવાનોને અવકાશ મિશનોમાં રૂચિ વધારવા માટે મદદરૂપ થશે.

વ્યોમમિત્ર

 • વ્યોમમિત્ર એ ગગનયાન મિશનનો જ એક ભાગ છે. વ્યોમિત્ર એ સ્ત્રી જેવો દેખાતો સ્પેસફેરિંગ હ્યુમનૉઇડ રોબોટ છે. જેને ISRO દ્વારા તૈયાર કરાયું છે. તેને ગગનયાન મિશનના માનવરહિત અને સમાનવ એમ બંન્ને મિશન માટે તૈયાર કરવામાં આવ્યું છે.
 • વ્યોમમિત્રનું સૌપ્રથમ અનાવરણ 22 જાન્યુઆરી 2020ના રોજ બેંગલોરમાં હ્યુમન સ્પેસફ્લાઇટ એન્ડ એક્સપ્લોરેશન સિમ્પોઝિયમમાં કરવામાં આવ્યું હતું. તે ગગનયાન મિશનમાં ભારતીય અવકાશયાત્રીઓની સાથે રહેશે, જે ગગનયાન મિશનના માનવરહિત અને સમાનવ બંન્ને મિશનો ભાગ ભજવશે.

Leave a Comment

Share this post