75 વર્ષમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની પ્રગતિ

પ્રસ્તાવના

 • ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ શુભ પ્રસંગની ઉજવણી માટે ભારતે આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ કર્યો છે. જેમાં ભારતની આઝાદીના 75 વર્ષની સફરમાં મેળવેલી સિદ્ધિઓનું સ્મરણ કરવામાં આવે છે. સિદ્ધિઓના સ્મરણમાં, રાજકીય, આર્થિક, ઐતિહાસિક, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં ભારતની પ્રગતિનો સમાવેશ થાય છે.
 • વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) દ્વારા ‘આઝાદીના 75 વર્ષ – વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભારતની સિદ્ધિઓ’ રાષ્ટ્રવ્યાપી સ્મારક પ્રદર્શનનું આયોજન કરાયું હતું.
 • ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથેનો ઇતિહાસ લાંબો અને ભવ્ય છે. જે બલૂચિસ્તાનના મહેરગઢ સંસ્કૃતિ (7000 BCE) સાથે શરૂ થયો. મહેરગઢ, સિંધુ-સરસ્વતી સંસ્કૃતિનાં ખોદકામ કરાયેલા સ્થળો, વૈદિક-અનુવૈદિક સાહિત્ય અને કલાકૃતિ વગેરે પૂરતા પુરાવા આપે છે કે ભારતીય ભૂમિ પર ખૂબ સમૃદ્ધ વિજ્ઞાન અને પ્રદ્યોગિકી સંસ્કૃતિનો વિકાસ થયેલો હતો.
 • ભારતીય વિજ્ઞાન અને ટેક્નોલોજી ચિકિત્સા, પ્લાસ્ટિક સર્જરી, ધાતુશાસ્ત્ર, કૃષિ-બાગાયત, ગણિત-રસાયણ શાસ્ત્ર, શિપબિલ્ડિંગ અને નેવિગેશન, ધ્વનિશાસ્ત્ર, વજન અને તોલ વગેરે શાખાઓમાં મજબૂત રીતે વિકસ્યું હતું.
 • ભારત વર્ષ 1947માં આઝાદ થયું ત્યારે નબળી અર્થવ્યવસ્થા, દેશનું વિભાજન, રાજકીય વિક્ષેપ, ગરીબી, અલ્પશિક્ષણ વગેરેના કારણે આર્થિક વિકાસ સંપૂર્ણપણે અટકી ગયો હતો. દેશના પુન:નિર્માણમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. છેલ્લા 75 વર્ષમાં ભારતે કૃષિ, ભારે ઉદ્યોગ, સિંચાઇ, ઊર્જા ઉત્પાદન, પરમાણુ ઊર્જા ક્ષમતા, અવકાશ ટેક્નોલોજી, રક્ષા ટેક્નોલોજી, સંચાર ટેક્નોલોજી, બાયો ટેક્નોલોજી, સમુદ્રવિજ્ઞાન, વિજ્ઞાન સંશોધન અને શિક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.
 • ભારતની વિજ્ઞાન ક્રાંતિમાં વિક્રમ સારાભાઈ, હોમી જહાંગીર ભાભા, સી.વી રમન, જગદીશ ચંદ્ર બોઝ, મેઘનાદ સહા, સત્યેન્દ્રનાથ બોઝ, હરગોવિંદ ખુરાના વગેરે જેવા પ્રખ્યાત વૈજ્ઞાનિકોનો અમોઘ ફાળો રહ્યો છે.
 • સમયાંતરે ભારતે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. વિજ્ઞાન ટેક્નોલોજી અને નવીનતા નીતિ–2020 ના માધ્યમથી વિકેન્દ્રિત, બોટમ-અપ, પુરાવાથી માહિતગાર, નિષ્ણાતો દ્વારા સંચાલિત અને સર્વ સમાવેશની વિભાવનાને સીમાચિહ્ન કરે છે. ‘આત્મનિર્ભર ભારત’ના સિદ્ધાંત હેઠળ ભારત વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રમાં સ્વદેશી વિકાસ અને આત્મનિર્ભરતા તરફની કૂચ પર વિશેષ ભાર મૂકે છે.

અવકાશ અને સંરક્ષણ

 

ISRO  (ભારતીય અવકાશ અનુસંધાન સંસ્થા – Indian Space Research Organisation)

 • ભારતીય અવકાશ સંશોધનો માટેની સંભાવનાઓ તૈયાર કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતાં સંશોધનોનો અભ્યાસ અને ખ્યાલ મેળવવા વર્ષ 1962માં ડૉ. વિક્રમ સારાભાઈના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)ની સ્થાપના કરવામાં આવી હતી. તેના જ ભાગરૂપે વર્ષ 1963માં કેરળના તિરુવંનતપુરમ નજીક થુમ્બા ખાતે થુમ્બા ઈક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી. આગળ જતાં વર્ષ 1969માં INCOSPAR સંસ્થાનું ‘ભારતીય અવકાશ અનુસંધાન સંસ્થા (ISRO)’ નામે નામકરણ કરાયું. વર્ષ 1972માં અવકાશ વિભાગની રચના થતા ISRO તેનું ભાગ બન્યું.

ISRO સાથે સંલગ્ન અવકાશ ક્ષેત્રની અન્ય પેટા સંસ્થાઓ

 1. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) : તિરુવનંતપુરમ
 2. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) : તિરુવનંતપુરમ
 3. સતીશ ધવન સ્પેસ સેન્ટર : શ્રી હરિકોટા
 4. સ્પેસ એપ્લિકેશન સેન્ટર : અમદાવાદ
 5. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર – હૈદરાબાદ

ભારતની અવકાશ ક્ષેત્રે પ્રગતિ

 • ભારતે અત્યાર સુધીમાં પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) પ્રક્ષેપણ યાનની મદદથી 34 દેશોના થઇને અંદાજે 342 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે (ઑગસ્ટ 2022 ની સ્થિતિએ). સેટેલાઈટ ઈન્ડસ્ટ્રી એસોસિએશનના અહેવાલ 2020 મુજબ, વર્ષ 2019માં વૈશ્વિક અવકાશ ક્ષેત્રના અર્થતંત્રનું મૂલ્ય 366 બિલિયન ડોલર હતું. જેમાં ભારતનો હિસ્સો 2% એટલે કે અંદાજે 7 બિલિયન ડોલર જેટલો રહ્યો હતો. જેમાં આવનાર ભવિષ્યમાં વધારો થવાની વિશાળ સંભાવનાઓ રહેલી છે.
 • ભારતમાં અવકાશ અને સેટેલાઈટ પ્રોજેક્ટસ પર 40 થી પણ વધુ સ્ટાર્ટ-અપ્સ કાર્યરત છે, જે ભારતને નજીકના ભવિષ્યમાં અવકાશ ક્ષેત્રે મજબૂત સ્થાન અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
 • ભારતે સ્પેસ પ્રોગ્રામ પર 2019-20 માં કુલ 1.8 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. ISRO દ્વારા વર્ષમાં સરેરાશ 5-7 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવે છે. જ્યારે અમેરિકા અને ચીન દ્વારા વર્ષમાં સરેરાશ અનુક્રમે 19 અને 34 જેટલા ઉપગ્રહો લોન્ચ કરાય છે.

અવકાશ ક્ષેત્રના વિકાસ માટે લેવાયેલ મહત્ત્વપૂર્ણ પગલાંઓ

 1. ડ્રાફ્ટ સ્પેસ એક્ટિવિટીઝ બિલ – 2017 : આ બિલનો ઉદ્દેશ્ય ભારતની અવકાશ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત અને નિયમિત કરવાનો છે. તે અવકાશ વિભાગ દ્વારા સરકારના માર્ગદર્શન અને અધિકૃતતા હેઠળ ખાનગી ક્ષેત્રની એજન્સીઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
 2. એંટ્રીક્સ (ANTRIX) કોર્પોરેશન લિમિટેડ : એંટ્રીક્સ એ ઇસરો દ્વારા વિકસાવવામાં આવેલ સ્પેસ પ્રોડક્ટ્સ, ટેકનિકલ કન્સલ્ટન્સી સેવાઓ અને ટેક્નોલોજીના ટ્રાન્સફરના પ્રમોશન અને વાણિજ્યિક પ્રવૃતિના વિસ્તાર માટે ISROની માર્કેટિંગ શાખા છે.
 3. ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) : તે 2019માં સ્થપાયેલ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળનું કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ છે.
 4. IN – SPACE (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) : તેની સ્થાપના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને અવકાશ ક્ષેત્રમાં ખાનગી રોકાણ આકર્ષવા માટે કરવામાં આવી છે.
 5. પ્રોજેક્ટ નેત્ર : પ્રોજેક્ટ નેત્ર એ ભારતીય ઉપગ્રહો માટે અવકાશમાં કાટમાળ અને અન્ય જોખમો શોધવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી (Early Warning System) છે. જે એકવાર કાર્યરત થયા પછી ભારતને અન્ય અવકાશ ક્ષેત્રની મજબૂત શક્તિઓની જેમ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસમાં ક્ષમતા વધારવા ઉપયોગી થશે.

અવકાશ ક્ષેત્રે ભારતની નોંધપાત્ર ઉપલબ્ધિઓ

 1. માર્સ ઓર્બિટર મિશન (MOM) : આ ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન હતું. પ્રથમ પ્રયાસમાં જ મંગળની ભ્રમણકક્ષા સુધી પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ હતો. જેના થકી રશિયા, અમેરિકા, યુરોપિયન સ્પેસ એજન્સી પછી મંગળની ભ્રમણકક્ષામાં પહોંચનાર ઇસરો વિશ્વની ચોથી અવકાશ એજન્સી બની હતી.
 2. ચંદ્રાયન-1 : ભારતનું પ્રથમ ચંદ્ર મિશન વર્ષ 2008માં ISRO દ્વારા PSLV- C11 ની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જે ચંદ્ર પર પાણીના પુરાવા શોધવામાં સફળ રહ્યું હતું અને આ અવકાશયાને ચંદ્રની આસપાસ 3400 થી વધુ પરિક્રમાઓ કરી વિવિધ પ્રકારના સંશોધનો કર્યાં હતાં.
 3. મિશન શક્તિ : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા વર્ષ 2019માં એન્ટિ-સેટેલાઈટ મિસાઇલ વડે અવકાશમાં ઉપગ્રહને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવાનું મિશન પાર પાડવામાં આવ્યું અને આવી ક્ષમતા ધરાવતા જૂજ દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું, જે ભારતની અવકાશીય ક્ષમતા અને અવકાશીય સંપત્તિના રક્ષણ માટેની ભારતની શક્તિનું પ્રદર્શન હતું.
 4. Astro SAT : એસ્ટ્રોસેટ એ ભારતનું પ્રથમ સમર્પિત મલ્ટિ-વેવલેન્થ સ્પેસ ટેલિસ્કોપ છે, જે એક્સ-રે, ઓપ્ટિકલ અને UV સ્પેક્ટ્રલ બેન્ડમાં એકસાથે અવકાશીય સ્રોતોનો અભ્યાસ કરે છે.
 5. PSLV-C37 : વિશ્વમાં એકસાથે 104 ઉપગ્રહો એક જ પ્રક્ષેપણમાં સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકનાર ISRO પ્રથમ સંસ્થા હતી. વર્તમાનમાં સૌથી વધુ સેટેલાઈટ્‍સ એક જ લોન્ચમાં મોકલવાનો રેકોર્ડ સ્પેસ એક્સ પાસે છે, તેના દ્વારા 143 સેટેલાઈટસને અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.
 6. NAVIC : Navigation in Indian Constellation (ભારતીય નક્ષત્રમાં નેવિગેશન) એ ભારતની પ્રાદેશિક નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS) છે, જેને ISRO દ્વારા વિકસાવવામાં આવી છે. IRNSSમાં કુલ આઠ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. જેમાંના ત્રણ ઉપગ્રહો જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષામાં અને પાંચ જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ ભારત અને તેના પડોશી રાષ્ટ્રોને વિશ્વસનીય અને સ્થિર નેવિગેશન સેવા પ્રદાન કરવાનો છે.
 7. ક્રાયોજેનિક એન્જિન : ISROએ તેના હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ GSLV mk-III ના ઉપલા તબક્કાના ઉપયોગ માટે સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન વિકસાવ્યું છે. આવી ટેક્નોલૉજી ધરાવતા જૂજ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.
 8. INSAT : આ એક સેટેલાઇટ્સ નેટવર્કનો સમૂહ છે, જે દેશમાં સંચાર અને પ્રસારણની સુવિધાઓ આપે છે. જે સમગ્ર દક્ષિણ એશિયાને આવી સુવિધાઓ પ્રદાન કરવા સક્ષમ છે. INSATના કારણે ભારતમાં ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ, દૂર સંચાર અને હવામાનશાસ્ત્ર ક્ષેત્રે સુધારાની નવી ક્રાંતિ આવી છે.
 9. ગગનયાન : ISRO નજીકના ભવિષ્યમાં ભારતનું સ્વદેશી રીતે વિકસિત પ્રથમ સમાનવ મિશન એટલે કે ‘ગગનયાન’ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેના અંતર્ગત ભારત દ્વારા 3 અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની યોજના છે. જેઓ 300-400 કિ.મી.ની ઊંચાઈ પર 7 દિવસનો સમય પસાર કરશે.
 10. ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના : વર્ષ 2030 સુધીમાં ભારતે તેનું પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી છે. તેના માટે ISRO દ્વારા સ્પેસ ડોકિંગ અને સ્પેસ સ્ટેશન માટે જરૂરી ટેક્નોલૉજી વિકસાવવા પ્રયોગો ચાલી રહ્યા છે. આ સ્પેસ સ્ટેશન પર શરૂઆતમાં અવકાશયાત્રીઓ 20 દિવસ જેટલો સમય વિતાવી શકે તેવી રીતે તેનું નિર્માણ કરવામાં આવશે.

ISROનાં વિવિધ લોન્ચર્સ

1. SLV: Satellite Launch Vehicle

        રોહિણી ઉપગ્રહને 18 જુલાઇ, 1980ના રોજ SLV-3ની મદદથી સફળતાપૂર્વક લોન્ચ કરીને ભારત અવકાશ ક્ષેત્રે લોન્ચિંગ ક્ષમતા ધરાવતું વૈશ્વિક સ્તરે છઠ્ઠું રાષ્ટ્ર બન્યું હતું. આ પહેલાં SLV-3ની પ્રથમ પ્રાદ્યોગિક ઉડાન ઓગસ્ટ 1979માં આંશિક રીતે સફળ રહી હતી.

2.ASLV : Augmented Satellite Launch Vehicle

        ASLV પ્રોગ્રામ મુખ્યત્વે લો અર્થ ઓર્બિટ (LEO)માં 150 કિ.ગ્રા. સુધીનો પે-લોડ લઈ જવાની ક્ષમતા વિકસિત કરવા ડિઝાઇન કરાયું હતું. તેના દ્વારા SROSS-C અને SROSS-C2 સેટેલાઈટ્‍સને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા.

3.PSLV : Polar Satellite Launch Vehicle

        PSLVની પ્રથમ ફ્લાઇટ 20 સપ્ટેમ્બર, 1993ના રોજ યોજાઇ હતી. PSLV એ ભારતનું ત્રીજી પેઢીનું લોન્ચ વ્હીકલ છે. તે લિક્વિડ સ્ટેજથી સજ્જ પ્રથમ ભારતીય લોન્ચ વ્હીકલ છે. જેનાં મુખ્ય ત્રણ વેરિઅન્ટ્‍સ છે : (1) PSLV-G (2) PSLV-CA (3) PSLV-XL. 1994 થી 2017ના સમયગાળા દરમિયાન PSLV દ્વારા 48 જેટલા ભારતીય ઉપગ્રહો અને 209 જેટલા વિદેશી દેશના ઉપગ્રહોને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, PSLV-C37 દ્વારા 104 સેટેલાઈટ્‍સ લોન્ચ કરવાનો વિક્રમ રચવામાં આવ્યો હતો અને PSLV-C11 દ્વારા ચંદ્રયાન અને PSLV-C25 દ્વારા પ્રથમ પ્રયાસે મંગળયાન મોકલવામાં આવ્યું છે.

 • PSLVની વિશેષતાઓ
 • Sun-Synchronous Polar Orbit (600 કિ.મી. સુધી) 1750 કિ.મી. પેલોડ.
 • ઈંધણનાં ચાર સ્ટેજ :
 • પ્રથમ સ્ટેજ – Solid, બીજું સ્ટેજ – liquid
 • ત્રીજું સ્ટેજ – Solid, ચોજું સ્ટેજ – liquid
 • પ્રથમ તથા ત્રીજા ચરણમાં ઘન ઈંધણ તરીકે હાઇડ્રોક્સિ ટર્મિનેટેડ પોલિબ્યુટાડીન (HTPB) અને બીજા તથા ચોથા ચરણમાં પ્રવાહી ઈંધણ તરીકે અનસિમેટ્રિકલ ડાઇ મિથાઇલ હાઇડ્રેજિન (UDMH) સાથે નાઇટ્રોજન ટ્રેટાઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે.

4.GSLV – Geosynchronous Satellite Launch Vehicle

        આ ભારત દ્વારા નિર્મિત સૌથી શક્તિશાળી પ્રક્ષેપણ યાન છે. તેની શરૂઆત 18 એપ્રિલ, 2001ની પ્રથમ ફ્લાઇટથી થઈ હતી. આ ચોથી પેઢીના પ્રક્ષેપણયાનમાં કુલ ત્રણ સ્ટેજ છે. GSLVમાં ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થાય છે.

 • GSLVની વિશેષતાઓ
 • Geosynchronous Transfer Orbit (GTO)માં 2500 કિ.ગ્રા. અને નીચલી ભ્રમણકક્ષા (LEO)માં 5000 કિ.ગ્રા. સુધીના પેલોડ લઈ જવા સક્ષમ.
 • ત્રણ તબક્કા :  1) પ્રથમ – ઘન ઈંધણ  2) બીજો – પ્રવાહી ઇંધણ  3) ત્રીજો – ક્રાયોજેનિક તબક્કો
 • ક્રાયોજેનિક તબક્કો : આ તબક્કામાં ઇંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજન તથા પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાયુઓને પ્રવાહી સ્વરૂપમાં લઇ જવા માટે તાપમાન ખૂબ નીચું લઇ જવામાં આવે છે. -1500C (અથવા -2380F) તાપમાનને ક્રાયોજેનિક તાપમાન કહે છે.
 • GSLV-III
 • GTOમાં 4000 કિ.ગ્રા. અને LEO માં 8000 કિ.ગ્રા. સુધીનું પેલોડ લઈ જવા સક્ષમ છે.
 • ત્રણ તબક્કા
  1. પ્રથમ : liquid ઈંધણવાળા બે વિકાસ એન્જિન
  2. બીજો – solid રોકેટ બૂસ્ટર
  3. ક્રાયોજેનિક એન્જિન

5.RLVTD : Reusable Launch Vehicle Technology Demonstrator

        RLV-TD એ અવકાશમાં ઓછા ખર્ચે પ્રવેશને સક્ષમ કરવા માટે સંપૂર્ણપણે પુનઃ ઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ યાન માટે આવશ્યક ટેક્નોલોજીઓ વિકસાવવા તરફ ISROનું સૌથી તકનીકી પડકારરૂપ પ્રયાસો પૈકીનું એક છે.

6.SSLVSmall Satellite Launch Vehicle

        SSLVને ‘લોન્ચ ઓન ડિમાન્ડ’ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખર્ચને અસરકારક રીતે ઘટાડવા ડિઝાઇન કરાયું છે. તે 3 સ્ટેજનું ઘન ઈંધણ ધરાવે છે અને પાસે 110 ટન વજન ધરાવતું ઇસરોનું સૌથી નાનું વાહન છે. તે 500 કિ.ગ્રા. સુધીના વજનના ઉપગ્રહોને પૃથ્વીની LEOમાં લઈ જઈ શકે છે.

સંરક્ષણ

DRDO (રક્ષા અનુસંધાન અને વિકાસ સંસ્થા)

DRDOની રચના વર્ષ 1958માં તત્કાલીન ભારતીય સેના માટે કાર્યરત ટેક્નિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TDES) અને ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઈઝેશન (DSO) સાથે ડિરેક્ટોરેટ ઓફ ટેક્નિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન (DTDP)ના એકીકરણથી કરવામાં આવી હતી. DRDO દ્વારા 1980ના દાયકામાં શરૂ કરવામાં આવેલ ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ વિવિધ મિસાઈલો વિકસાવવામાં આવી છે.

IGMDP હેઠળ વિકસિત મિસાઈલો

 1. પૃથ્વી : ટૂંકા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ.
 2. અગ્નિ : મધ્યવર્તી રેન્જની સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ છે.
 3. ત્રિશૂલ : ટૂંકા અંતરની નિમ્ન સ્તરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે.
 4. આકાશ : મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ.
 5. નાગ : ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક મિસાઈલ છે.

DRDO દ્વારા વિકસિત એન્ટી-ટેન્ક મિસાઈલો

 • હેલીના : સાત કિ.મી.ની મહત્તમ રેન્જ ધરાવે છે અને તેને એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરના વેપનાઈઝ્ડ વર્ઝન પર ગોઠવી શકાય તેવી રીતે ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે.
 • નાગ : ત્રીજી પેઢીની ફાયર-એન્ડ-ફોર્ગેટ મિસાઈલ છે, જે ભારે કિલ્લેબંધી ધરાવતા દુશ્મન ટેન્કોને ધ્વસ્ત કરવા સક્ષમ છે.
 • MPATGM : મેન-પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઈડેડ મિસાઇલ માટે વપરાય છે, જે 2.5 કિ.મી.ની રેન્જ ધરાવે છે. તેમાં પાયદળના ઉપયોગ માટે ફાયર-એન્ડ-ફોર્ગેટ અને ટોપ એટેક ક્ષમતાઓ છે.
 • સેન્ટ (SANT) : તે એક સ્માર્ટ સ્ટેન્ડ-ઓફ, એન્ટી-ટેન્ક મિસાઈલ છે, જેને એરફોર્સની ટેન્ક વિરોધી કામગીરી માટે MI-35 હેલિકોપ્ટરથી લોન્ચ કરવા માટે વિકસાવવામાં આવી છે.
 • DRDOનાં વિવિધ કાર્યક્ષેત્રો
 • DRDO એ 50 થી વધુ પ્રયોગશાળાઓનું નેટવર્ક ધરાવે છે, જે વિવિધ વિદ્યાશાખાઓને આવરી લેતી સંરક્ષણ તકનીકો વિકસાવવામાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. જેમ કે, એરોનોટિક્સ, શસ્ત્રો, ઈલેક્ટ્રોનિક્સ, યુદ્ધ વાહનો, એન્જિનિયરિંગ સિસ્ટમ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, મિસાઈલ, એડવાન્સ કોમ્પ્યૂટિંગ અને સિમ્યુલેશન, ખાસ મટીરિયલ્સ, નૌકા પ્રણાલી, માહિતી પ્રણાલી, કૃષિ વિજ્ઞાન, મિસાઈલ, હળવા લડાયક વિમાન, રડાર ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી, જીવન વિજ્ઞાન વગેરેના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટો હાથ ધરી કાર્ય કરે છે.

ભારતીય મિસાઈલ સિસ્ટમ્સ

 1. બ્રહ્મોસ મિસાઈલ : ભારતના DRDO અને રશિયન NPO (રશિયા) વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે શરૂ કરાયેલ બ્રહ્મોસ પ્રોગ્રામ એ યાખોટ (Yakhont) મિસાઈલ સિસ્ટમ પર આધારિત છે. બ્રહ્મોસ મિસાઈલ એ 300 કિ.ગ્રા.ના વોરહેડ્સ સાથે 290 કિ.મી. સુધીની રેન્જ ધરાવે છે. તેની ઝડપ 2.8 મેક જેટલી છે. બ્રહ્મોસની અદ્યતન શ્રેણી 5-7 મેકની ઝડપે પ્રહાર કરી શકે. તે રીતે તેને હાયપર સોનિક મિસાઈલ બનાવવા પ્રયોગો વર્તમાનમાં ચાલુ છે.
 2. નિર્ભય મિસાઈલ : નિર્ભય એ લાંબા અંતરની, તમામ પ્રકારના હવામાનમાં કાર્ય કરવા સક્ષમ, ઘન રોકેટ બૂસ્ટર અને ટર્બોજેટ એન્જિન દ્વારા સંચાલિત સબસોનિક ક્રુઝ મિસાઈલ છે. તે બહુવિધ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. તે પરંપરાગત અને પરમાણુ હથિયાર વહન કરવા પણ સક્ષમ છે. તેની રેન્જ લગભગ 1000 કિ.મી. જેટલી છે.
 3. શૌર્ય મિસાઈલ : કમ્પોઝિટ કેનિસ્ટરમાં સંગ્રહ અનેતેમાંથી લોન્ચ થઈ શકે તેવી હાયપરસોનિક મિસાઈલ છે. શૌર્ય મિસાઈલને સ્ટોરેજ-કમ-લોન્ચ કેનિસ્ટરમાં સંગ્રહિત કરવામાં આવતી હોવાથી તે દુશ્મન સર્વેલન્સ અથવા ઉપગ્રહોથી ભૂગર્ભ સિલોમાં છૂપાયેલી રહે છે. આ મિસાઈલ હજુ નિર્માણ આધિન છે.
 4. પ્રહાર મિસાઈલ : પ્રહાર એ ઘન–ઈંધણવાળી સપાટી થી સપાટી અને ગાઈડેડ શોર્ટ–રેન્જ વ્યૂહાત્મક બેલેસ્ટિક મિસાઈલ છે. તે ઓમ્નિ-ડાયરેક્શનલ (એકસાથે વિવિધ લક્ષ્યોને ટાર્ગેટ કરવા) વોરહેડ્સથી સજ્જ હશે. તેની રેન્જ લગભગ 150 કિ.મી. જેટલી છે.
 5. પ્રલય મિસાઈલ : આ મિસાઈલ હજુ વિકાસ હેઠળ છે. જે પ્રદ્યુમ્ન બેલિસ્ટિક મિસાઈલ ઈન્ટરસેપ્ટરની ટેક્નોલોજી પર આધારિત ઘન ઈંધણ ધરાવતી ટૂંકી રેન્જની વ્યૂહાત્મક મિસાઈલ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તે જૂની પેઢીના પ્રવાહી ઈંધણવાળી પૃથ્વી મિસાઈલનું સ્થાન લેશે.
 6. પ્રણાશ (Pranash) મિસાઈલ : DRDO દ્વારા 200 કિ.મી. રેન્જની સિંગલ સ્ટેજ સોલિડ ફ્યુઅલ મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે, જે યુદ્ધ મેદાનમાં પરંપરાગત વોરહેડ્સ વહન કરી શકશે.
 7. અસ્ત્ર મિસાઈલ : અસ્ત્ર મિસાઈલ એ 110 કિ.મી.ની રેન્જ ધરાવતી સક્રિય રડાર હોમિંગ એર-ટુ-એર મિસાઈલ છે, જેનો સમાવેશ દૃશ્ય–રેન્જની બહારની (Beyond-visual-Range) શ્રેણીમાં સમાવેશ થાય છે.
 8. બરાક મિસાઈલ : તે ભારત અને ઈઝરાયેલના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થયેલ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ છે.
 9. VLSRSAM : વર્ટિકલ લોન્ચ-શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (VL-SRSAM) એ DRDO દ્વારા નૌકા સેવા માટે અને બરાક-1 મિસાઈલને બદલવા માટે વિકસાવવામાં આવી રહેલી ઝડપી પ્રતિક પ્રતિક્રિયા આપતી ટૂંકી રેન્જની મિસાઈલ છે. આ મિસાઈલ અસ્ત્ર મિસાઈલનું નેવલ વેરિઅન્ટ છે, જેની રેન્જ 45 કિ.મી. સુધીની છે.
 10. સાગરિકા અથવા K-15 : સાગરિકા એ પરમાણુ-સક્ષમ સબમરિન લોન્ચ બેલેસ્ટિક મિસાઈલ છે. તે 750 કિ.મી.ની રેન્જ સાથે મેક 7.5ની હાપરસોનિક ઝડપે મુસાફરી કરે તે રીતે વિકાસ કરાઇ રહી છે. તે 500 કિ.ગ્રા. સુધીનું વોરહેડ લઈ જવા સક્ષમ છે.
 11. K-4 મિસાઈલ : K-4 એ ભારતીય નૌકાદળની અરિહંત વર્ગની સબમરિન અને ભવિષ્યમાં આવનાર S5-ક્લાસ સબમરિન માટે વિકસિત મધ્યવર્તી રેન્જની સબમરિન લોન્ચ મિસાઈલ છે. તેની રેન્જ 3500 કિ.મી. છે અને K-4 મિસાઈલ ત્રિ-પરિમાણીય દાવપેચ કરી શકે છે અને ઉચ્ચ ચોકસાઈ ધરાવે છે.
 12. K-5 મિસાઈલ : K-5 એ ઘન ઈંધણ આધારિત ઈન્ટરકોન્ટિનેન્ટ (આંતરખંડીય) રેન્જની સબમરિન મિસાઈલ છે. તેની રેન્જ 5000 કિ.મી. હશે અને તે 2 ટનના વોરહેડનું વહન કરવા સક્ષમ હશે.

ભારતીય સંરક્ષણ ક્ષેત્રે અન્ય મહત્ત્વની પ્રગતિઓ

A) એરોનોટિક્સ ક્ષેત્ર

 • ઘાતક (Ghatak) : ઘાતક અથવા સ્વિફટ એ એક સ્વાયત્ત સ્ટીલ્થ માનવરહિત કોમ્બેટ એર વ્હીકલ છે. અગાઉ તેને ઓટોનોમસ અનમેન્ડ રિસર્ચ એરક્રાફ્ટ (AURA) તરીકે ઓળખવામાં આવતું હતું. ઘાતકને ઓનબોર્ડ કોમ્પ્યૂટર્સ, સિક્યોર્ડ ડેટા લિંક્સ અને ફાયર કંટ્રોલ સિસ્ટમ્સ સાથે સંકલિત કરવામાં આવશે, જે 30000 ફૂટ સુધીની ઊંચાઈએ ઉડવા સક્ષમ હશે.
 • D-4 સિસ્ટમ : ઈલેક્ટ્રોનિક્સ અને રડાર ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટે એન્ટિ-ડ્રોન યુદ્ધના ભાગરૂપે D-4 વિકસાવ્યું છે. ટે ડ્રોનની શોધ માટે બહુવિધ સેન્સર્સમાંથી આવતા ડેટા ફ્યુઝનનો ઉપયોગ કરે છે અને ડ્યુઅલ કાઉન્ટરમેઝર તકનીકોથી સજ્જ છે.
 • માનવ સહિત હવાઈ વાહનો
  1. તપસ (Tapas) : એરિયલ સર્વેલન્સ-બિયોન્ડ હોરાઈઝન માટે વ્યૂહાત્મક એરબોર્ન પ્લેટફોર્મ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વિકસાવવામાં આવી રહાયું છે.
  2. રુસ્તમ (Rustom) : DRDO દ્વારા વિકસિત મધ્યમ ઊંચાઈના માનવ રહિત હવાઈ વિમાનને ભારતીય સેનાની ત્રણે પાંખો માટે વિકસાવવામાં આવ્યું છે.
 • HAL–તેજસ : તેજસ એ ભારતીય, સિંગલ એન્જિન, ડેલ્ટા વિંગ, લાઈટ મલ્ટિરોલ ફાઈટર છે, જે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
 • HAL–લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર : આ એક મલ્ટિરોલ એટેક હેલિકોપ્ટર છે, જે ભારતીય સેના અને વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઈન અને ઉત્પાદિત કરવામાં આવે છે. આ ઉપરાંત HAL-ધ્રુવ અને HAL-રુદ્ર જેવાં હેલિકોપ્ટરો પણ વિકસાવામાં આવ્યાં છે.

B) રડાર

 • Indra રડાર : લો ફ્લાઈંગ ડિટેકશન રડાર જેને ઈન્ડિયન ડોપ્લર રડાર (Indra) 2D શ્રેણી તરીકે પણ ઓળખાય છે. ટે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ રડાર ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને DRDO દ્વારા આર્મી અને એરફાર્સ માટે વિકાવવામાં આવ્યું હતું.
 • રાજેન્દ્ર રડાર : DRDO દ્વારા વિકસિત એક નિષ્ક્રિય ઈલેક્ટ્રોનિકલી સ્કેન એરે રડાર છે. તે એક મલ્ટિફંક્શન રડાર છે, જે નિમ્ન રડાર ક્રોસ સેક્શનનાં લક્ષ્યોને સર્વેલન્સ, ટ્રેકિંગ વગેરે માટે સક્ષમ છે.
 • ઉત્તમ રડાર : સોલિડ-સ્ટેટ ગેલિયમ આર્સેનાઈડ આધારિત સક્રિય ઈલેક્ટ્રોનિકલી સ્કેન એરે રડાર છે. ટે ઇલેક્ટ્રોનિક્સ અને રડાર ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે.

C) દરિયાઈ સંરક્ષણ ક્ષેત્ર

 • ફ્રિગેટ્સ (Friegates) : આધુનિક ફ્રિગેટની ભૂમિકા કાફલાના અન્ય જહાજો, વેપારી દરિયાઈ જહાજો, વિવિધ સંરક્ષણ અભ્યાસો અને સેવાકીય અભિયાનો વગેરે માટે દરિયાઈ સુરક્ષા અને સેવા આપવામાં મહત્ત્વની છે. આ ઉપરાંત સમુદ્રમાંથી આવતાં ખાસ કરીને સબમરિનથી આવતાં જોખમોથી સુરક્ષિત રાખવામાં મહત્ત્વની ભૂમિકા છે. આ પ્રકારનાં જહાજો વિવિધ સેન્સર, હથિયારો અને ટેક્નોલૉજીથી સુસજ્જ હોય છે. ફ્રિગેટ્‍સનાં કેટલાક ઉદાહરણ : INS શિવાલિક, INS સતપુરા, INS તલવાર વગેરે.
 • સબમરિન : ભારતીય નૌકાદળની 30 વર્ષની સબમરિન  નિર્માણ યોજનાને સુરક્ષા પરની કેબિનેટ સમિતિ દ્વારા જૂન 1999માં મંજૂર કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2030 સુધીમાં સ્વદેશી રીતે 24 (6 પરમાણુ સંચાલિત) સબમરિનનું નિર્માણ સામેલ હતું.
 • પ્રોજેક્ટ 75 : P-75 કલવરી-ક્લાસ ડીઝલ/ઈલેક્ટ્રિક, એર-ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP)  સ્કોર્પિન-ક્લાસ સબમરિન પર આધારિત છે. ટેના અંતર્ગત 6 સબમરિન નિર્માણ કરવામાં આવશે. તેના માટે ફ્રાન્સ સાથે કરાર કરવામાં આવેલ છે.
 • INS અરિહંત : અરિહંત વર્ગની સબમરિન ભારત દ્વારા સ્વદેશી રીતે વિકસિત પ્રથમ પરમાણુ સંચાલિત સબમરિન  છે. તે 83 મેગાવોટ પ્રેશરાઈઝ્ડ લાઈટ વોટર રિએક્ટર દ્વારા સંચાલિત છે.
 • INS – વિક્રમાદિત્ય : આ એક સંશોધિત કીવ-ક્લાસ (Kiev-class) એરક્રાફ્ટ કેરિયર છે. તે ભારતનાં બે વિમાન વાહક જહાજોમાંનું એક છે. તેને 2013ના વર્ષમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું હતું. મૂળ રીતે તે ‘બાકુ’ ખાતે બનાવવામાં આવ્યું હતું, જે 1987માં કાર્યરત થયું હતું. તેને 1996ના વર્ષમાં સોવિયેત સંઘ પાસેથી ભારત દ્વારા ખરીદવામાં આવ્યું હતું.
 • INS-વિક્રાંત : આ વિમાનવાહક જહાજ ભારતીય નૌકાદળ માટે કેરળ ખાતે કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. તે ભારતમાં બનેલ પ્રથમ વિમાનવાહક જહાજ છે.
 1. વરુણાસ્ત્ર : વરુણાસ્ત્રને નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજિકલ લેબોરેટરી દ્વારા અદ્યતન હેવીવેઈટ એન્ટી સબમરિન ટોર્પિડો તરીકે વિકસાવવામાં આવ્યું છે.
 2. SMART : સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ રીલીઝ ઓફ ટોર્પિડોએ 650 કિ.મી. રેન્જની હાઈબ્રિડ સિસ્ટમ છે. તેમાં સબમરિન વિરોધી યુદ્ધ માટે મિસાઈલ કેરિયર અને ટોર્પિડો પે-લોડનો સમાવેશ થાય છે.

 

ઇન્‍ફોર્મેશન એન્‍ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT)

 • ICT એ ઈન્‍ફોર્મેશન ટેક્નોલોજી માટેનું એક વિસ્તૃત સ્વરૂપ છે, જે એકીકૃત સંચારની ભૂમિકા અને ટેલિકોમ્યુનિકેશન્‍સ (ટેલિફોન લાઈન્‍સ અને વાયરલેસ સિગ્નલો), કમ્પ્યૂટર્સ તેમજ જરૂરી એન્‍ટરપ્રાઇઝ સોફ્ટવેર, મિડલવેર, સ્ટોરેજ, ઑડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ વગેરેના એકીકરણ પર ભાર મૂકે છે. તે વપરાશકર્તાઓને માહિતી એક્સેસ કરવા, સ્ટોર કરવા, ટ્રાન્‍સમિટ કરવા અને હેરફેર કરવા સક્ષમ બનાવે છે.
 • ભારતમાં ICTનું માર્કેંટ અંદાજે 180 બિલિયન ડોલર જેટલું છે અને 2025 સુધીમાં તે 350 બિલિયન ડોલરનું થવાનો અંદાજ છે. ICT સેક્ટરનો વાર્ષિક સરેરાશ વિકાસ દર 9% છે અને તે ભારતના GDPમાં લગભગ 9% જેટલો ફાળો આપે છે.

(1)  મોબાઈલ ટેક્નોલોજી અને નેટવર્ક

 • મોબાઈલ ટેક્નોલોજીનો વ્યાપ ખૂબ વધી ગયો છે અને તેનો વિકાસ હજુ પણ ચાલુ છે. વિશ્વમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 3 બિલિયનને પાર થઈ ગઈ છે અને વૈશ્વિક મોબાઈલ વર્કફોર્સ 2022 સુધીમાં 1.87 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતમાં હજુ સ્માર્ટફોન પ્રવેશ દર (Penetration) માત્ર 35% જ છે. માટે આ ક્ષેત્રે પ્રગતિની ખૂબ વિશાળ તકો રહેલી છે.
 • ટેક્નોલોજીનો વિકાસ થવાથી મોબાઈલ ફોનના ઉપયોગના કાર્યક્ષેત્રો ખૂબ વિસ્તૃત થયા છે. જેમ કે, GPS નેવિગેશન, એમ્બેડેડ વેબ બ્રાઉઝર, ઈન્સ્ટન્‍ટ મેસેજિંગ ક્લાયંટ અને હેન્‍ડહેલ્ડ ગેમિંગ કન્‍સોલ વગેરે.

(i) સેલ્યુલર નેટવર્ક્સ : વિતરિત સેલ ટાવરનો ઉપયોગ કરીને ઊભું કરેલું રેડિયો નેટવર્ક કે જે મોબાઈલ ઉપકરણોને ફ્રીકવન્‍સીઝને આપમેળે ઓપરેટ કરવા અને મોટા ભૌગોલિક વિસ્તારોમાં વિક્ષેપ વિના વાતચીત કરવા સક્ષમ બનાવે છે. સમાન મૂળભૂત સ્વિચિંગ ક્ષમતા સેલ્યુલર નેટવર્કસને મર્યાદિત સંખ્યામાં રેડિયો ફ્રીકવન્‍સીઝમાં ઘણા વપરાશકર્તાઓને સમાવવા માટે સક્ષમ કરે છે.

(ii) 4G નેટવર્કિંગ : મોટાભાગના વાયરલેસ સંચાર માટે વર્તમાન સેલ્યુલર સેવા માનક છે. તે પેકેટ સ્વિચિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે ડેટાને ટ્રાન્‍સમિશન માટે વિવિધ ભાગો અથવા પેકેટમાં ગોઠવે છે અને ગંતવ્ય સ્થાન પર માહિતીને ફરીથી એસેમ્બલ કરે છે.

(iii) 5G નેટવર્કિંગ : 5G સાથે વાયરલેસ બ્રોડબેન્‍ડ કનેક્શન્‍સ પર ટ્રાન્‍સમિટ થયેલો ડેટા મલ્ટિગીગાબીટની ઝડપે મુસાફરી કરી શકે છે. (અંદાજે 20 Gbps). આ ઉપરાંત 5 મિલિસેકન્‍ડથી પણ ઓછી લેટન્‍સી રેટ પ્રદાન કરે છે, જે રીઅલ-ટાઈમ ફીડબેકની જરૂરિયાતવાળી ટેક્નોલોજીને વધુ સરળ અને ઝડપી બનાવશે.

(iv) WiFi (Wireless Fidelity) : વાયરલેસ ફિડેલિટીમાં રેડિયો તરંગો હોટસ્પોટ તરીકે ઓળખાતા સ્થાનિક રાઉટર્સ દ્વારા ઉપકરણોને ઈન્‍ટરનેટ સાથે જોડે છે. WiFi નેટવર્ક્સ એ ઈન્‍ટરનેટ એક્સેસ માટે સેલ ટાવર જેવા છે. મોટાભાગનાં મોબાઇલ ઉપકરણો ઉપલબ્ધતા અને વપરાશકર્તાની પસંદગીના આધારે WiFi અને સેલ્યુલર નેટવર્ક્સ વચ્ચે સ્વચાલિત સ્વિચિંગની મંજૂરી આપે છે.

(v) બ્લૂટુથ (Bluetooth) : ટૂંકી-તરંગલંબાઈ વાળા રેડિયો તરંગોનો ઉપયોગ કરીને ટૂંકા અંતર પરના ઉપકરણોને કનેક્ટ કરવા માટેની ટેક્નોલોજી છે.

(vi) ક્લાઉડ કમ્પ્યૂટિંગ : આ ટેક્નોલોજી કોમ્પ્યૂટર સિસ્ટમ સંસાધનોની ઓન-ડિમાન્‍ડ ઉપલબ્ધતા માટે વિકસાવવામાં આવી છે, જેમાં વપરાશકર્તા દ્વારા સીધા સક્રિય સંચાલન વિના ડેટા સ્ટોરેજ, કમ્પ્યૂટિંગ પાવર અને વિવિધ સેવાઓનો કોઈપણ સ્થાનેથી ઓનલાઇન માધ્યમથી ઉપયોગ કરી શકાય છે. તેના માટે ક્લાઉડ કમ્પ્યૂટિંગ સેવા પૂરી પાડતી સંસ્થાઓ દ્વારા વિવિધ ડેટા સેન્‍ટરો બનાવવામાં આવેલ હોય છે.

(vii) Edge કમ્પ્યૂટિંગ : તે ક્લાઉડ કમ્પ્યૂટિંગનું વિસ્તૃત સ્વરૂપ છે. તે નાના-નાના યુનિટ સ્વરૂપે વપરાશકર્તાના વધુ નજીક રહી કાર્ય કરે છે, જેના કારણે પ્રોસેસિંગ અને ડેટા ટ્રાન્‍સમિશનના સમયમાં ઘટાડો થવાથી કમ્પ્યૂટિંગની સેવા ઝડપી બને છે.

ICTનો વિવિધ ક્ષેત્ર વાર વિકાસ અને ઉપયોગ

1) E-Learning માટે : ઈન્‍ટરનેટના માધ્યમથી કોઈપણ બાબતની જાણકારી માત્ર એક ક્લિકમાં આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. આ ઉપરાંત, ઇન્‍ટરનેટના ઉપયોગથી શિક્ષણ ક્ષેત્ર ખૂબ મોટી ક્રાંતિ આવી છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ સ્થળેથી કોઈપણ પ્રકારની રોકટોક વિના શિક્ષણ હાંસલ કરવા સક્ષમ બને છે. આ ઉપરાંત, સરકાર દ્વારા પણ સ્વયંપ્રભા, દિક્ષા, શાળા-સિદ્ધિ, ઈ-પાઠશાલા, શાળા દર્પણ વગેરે જેવા કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે.

2) e-Governance : ICTની મદદથી સરકારી વહીવટમાં પારદર્શિતા, જવાબદેહિતા, સુલભતા અને ઝડપ લાવી શકાય છે. ખાસ કરીને સરકારના પ્રયાસોનો લાભ દરેક સુધી પહોંચવાથી સર્વસમાવેશીકરણની વિભાવના સાર્થક થાય છે અને ભ્રષ્ટાચાર જેવાં દૂષણો વહીવટીતંત્રમાંથી દૂર થાય છે.

3) e-Commerce : ઈ-કોમર્સનો વિકાસ મુખ્યત્વે ICT ઈન્‍ફ્રાસ્ટ્રકચરમાં વૃદ્ધિ પર આધારિત છે. આમાં, સ્માર્ટફોન બજાર અને ઈન્‍ટરનેટ પ્રચાર એ ઈ-કોમર્સ ઉદ્યોગના વિકાસ માટે ઉત્પ્રેરક સાબિત થયાં છે.

4) Online Banking : ICTની મદદથી ઈન્‍ટરનેટ બેંકિંગ, વેબ બેંકિંગ, મોબાઈલ વગેરે ખૂબ સરળ અને ઝડપી બની ગયા છે. જેના લીધે નાણાકીય સમાવેશન લાવવામાં પણ ખૂબ મદદ મળી છે. આ ઉપરાંત દેશમાં UPI (Unified Payment Interface) અને ભારત QR કોડનો વિકાસ થવાથી નાણાની ઓનલાઈન લેવડ-દેવડ સરળ બની છે.

5) ઈન્‍ટરનેટનો વિકાસ : એક અભ્યાસ મુજબ વર્ષ 2019થી ગ્રામીણ ભારતમાં ‘સક્રિય ઈન્‍ટરનેટ વપરાશકર્તાઓ’માં 45% નો વધારો થયો છે. ભારત 2.0 ઈન્‍ટરનેટ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2019ના વર્ષ પશ્ચાત મહિલા એક્ટિવ ઈન્‍ટરનેટ યુઝર્સમાં 61%નો વધારો થયો છે.

6) ટેલિકોમ્યુનિકેશન : છેલ્લા થોડાં વર્ષોમાં ભારતીય ટેલિકોમ ટાવર ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. મોબાઇલ ટાવર્સની સંખ્યા કે જે વર્ષ 2014માં 4 લાખ હતી, તે 2021માં વધીને અંદાજે 6 લાખ 60 હજાર જેટલી થઈ છે. એ જ રીતે મોબાઈલ બેઝ ટ્રાન્‍સરીસીવર સ્ટેશનોની સંખ્યામાં 187% ઝડપથી વૃદ્ધિ થઈ છે. જેની સંખ્યા 2014માં 8 લાખ હતી તે 2021માં 2.3 મિલિયન થઈ ગઈ છે.

7) ઈન્‍ટરનેટ ઓફ થિંગ્સ (IOT) : IOT એ સેન્‍સર, પ્રોસેસિંગ ક્ષમતા, સોફ્ટવેર અને અન્ય ટેક્નોલોજીઓ સાથેની ભૌતિક વસ્તુઓ, ઉપકરણો, સિસ્ટમો વગેરેને ઈન્‍ટરનેટ અથવા અન્ય સંચાર નેટવર્ક્સ સાથે જોડાણ કરી તેનુ સંચાલન કરવા ઉપયોગકર્તાને સક્ષમ બનાવે છે.

8) રોબોટિક્સ : ઈન્‍ટરનેટશનલ ફેડરેશન ઓફ રોબોટિક્સ (IFR) દ્વારા 2019ના વર્ષમાં પ્રકાશિત અહેવાલ મુજબ વર્ષ 2017માં ભારતમાં 3,412 થી વધુ નવા ઔદ્યોગિક રોબોટ્‌સ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોબોટિક સર્જરી અને ઉત્પાદન ક્ષેત્રે વિકાસ અને નવીનીકરણની ખૂબ વિશાળ તકો રહેલી છે.

9) વેરેબલ ટેક્નોલોજી: આ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ઉપકરણો છે, જે વપરાશકર્તાના શરીર પર પહેરવા માટે બનાવવામાં આવ્યા છે. ઉ.દા. સ્માર્ટ જ્વેલરી, રિસ્ટબેન્‍ડ, ઘડિયાળો વગેરે. આ પ્રકારનાં ઉપકરણો માહિતી શોધી તેનું વિશ્લેષણ કરવું અને તેને ટ્રાન્‍સમિટ કરવી વગેરે જેવાં કાર્યો કરે છે.
10) નિઅર-ફીલ્ડ કોમ્યુનિકેશન
(NFC) : NFC એ 13.56 MHzની બેઝ ફ્રીક્વન્‍સીનો ઉપયોગ કરીને રેડિયો ફ્રીક્વન્‍સી ફીલ્ડ પર આધારિત એક ટૂંકી-શ્રેણીની કોન્‍ટેક્ટલેસ કોમ્યુનિકેશન ટેક્નોલોજી છે.

11) રેડિયો ફ્રીક્વન્‍સી આઈડેન્‍ટિફિકેશન (RFID) : RFID ટેક્નોલોજી એ ટેગ કરેલા ઑબ્જેક્ટને નિષ્ક્રિય રીતે ઓળખવા માટે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે. RFID ટેગમાં નાના રેડિયો ટ્રાન્‍સપોન્‍ડરનો સમાવેશ થાય છે, જે રેડિયો તરંગોના રીસીવર અને ટ્રાન્‍સમીટરના ઉપયોગને ટેકો આપે છે.

12) આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (AI) : AI એ માનવ બુદ્ધિમત્તાનો મશીનોના સિમ્યુલેશનનો સંદર્ભ આપે છે. તે મનુષ્યની જેમ વિચારવા અને તમની ક્રિયાઓની નકલ કરવા માટે પ્રોગ્રામ કરેલ હોય છે. AIની વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગિતા; ઔદ્યોગિક ઓટોમેશન, સ્પેસ સાયન્‍સ, સ્વ-સંચાલિત કાર, હેલ્થકેર સેક્ટર, હવામાનની આગાહી વગેરે.

13) Big Data & Data Mining : બિગ ડેટા એ સ્ટ્રક્‍ચર્ડ અથવા અનસ્ટ્રક્‍ચર્ડ ડેટાનો મોટો જથ્થાનો સંકેત આપે છે. આવા ડેટાને વિશ્લેષણ કરવા પરંપરાગત ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ અસક્ષમ છે. તેના વિશ્લેષણ માટે વિશેષ ક્ષમતા ધરાવતા કોમ્પ્યૂટર  પ્રોસેસિંગ સિસ્ટમની જરૂર પડે છે. ડેટા માઈનિંગ એ એક એવી પ્રક્રિયા છે, જેનો ઉપયોગ કોઈપણ કાચા પાયાના ડેટાના મોટા સમૂહમાંથી ઉપયોગી ડેટા તારવી કાઢવા માટે થાય છે.

14) ક્વોન્‍ટમ કમ્પ્યૂટિંગ  (Quantum Computing) : ક્વોન્‍ટમ કોમ્પ્યૂટર એવાં મશીનો છે, જે ડેટા સ્ટોર કરવા અને તેની ગણતરીઓ કરવા માટે ક્વોન્‍ટમ ફિઝિક્સના ગુણધર્મોનો ઉપયોગ કરે છે. પરંપરાગત (ક્લાસિકલ) કોમ્પ્યૂટર ક્લાસિકલ બિટ્‌સ એટલે કે 0 અથવા 1 નો ઉપયોગ કરે છે. જ્યારે ક્વોન્‍ટમ ‘કોમ્પ્યૂટર ક્વોન્‍ટમ’ બિટ્‌સ અથવા’ ક્યુબિટ્‌સ’નો ઉપયોગ કરે છે, જે એક જ સમયે 0 અને 1 બંને હોઈ શકે છે.

15) સુપર કોમ્પ્યૂટર  : આ મોટી કોમ્પ્યૂટર સિસ્ટમો છે, જે ખાસ કરીને જટીલ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પડકારોને ઉકેલવા માટે બનાવવામાં આવે છે. સુપર કોમ્પ્યૂટરનું પ્રદર્શન ફ્લોટિંગ પોઈન્‍ટ ઓપરેશન્‍સ પર સેકન્‍ડ (FLOPS)માં માપવામાં આવે છે. ભારતનું પરમ-સિદ્ધિ સુપર કોમ્પ્યૂટર  એ વિશ્વના 500 ટોપ સુપર કોમ્પ્યૂટરમાં 63માં ક્રમે આવે છે.

16) નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન (NSM): 2015માં લોન્‍ચ કરવામાં આવ્યું હતું. NSM સંયુક્ત રીતે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને ડિપાર્ટમેન્‍ટ ઓફ સાયન્‍સ ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે. તેને સેન્‍ટર ફોર ડેવલપમેન્‍ટ ઓફ એડવાન્‍સ કમ્પ્યૂટિંગ  (C-DAC- પૂણે) અને IISC- બેંગ્લુરુ દ્વારા ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યૂટિંગ સુવિધાઓના ગ્રીડ સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક અને R&D સંસ્થાઓને જોડવા બનાવાયું છે.

17) મેટાવર્સ : મેટાવર્સ એ એક સામુહિક એન્‍ડ વર્ચ્યુઅલ ઓપન સ્પેસ છે, જે વર્ચ્યુઅલ રીતે ઉત્પન્ન ડિજિટલાઈઝ, ભૌતિક અનુભવ અને વાસ્તવિકતાને એકીકૃત કરીને વિકસાવવામાં આવે છે. તે વપરાશકર્તાઓને ઈમર્સિવ (Three Dimensional Image) અનુભવો પ્રદાન કરાવે છે.

18) Virtual Reading Vs Augmented Reading : VR એ ઈમર્સિવ (3D Image) વર્ચ્યુઅલ વાતાવરણ ઊભું કરે છે, જ્યારે AR વાસ્તવિક વિશ્વમાં દૃશ્યના નવા આયામો ઉમેરે છે. VRમાં હેંડસેટ ઉપકરણોની મદદથી સંપૂર્ણ વર્ચ્યુઅલ વિશ્વનું નિર્માણ થાય છે, જ્યારે ARમાં કોઈ આવાં કોઈ ઉપકરણનો ઉપયોગ ન થતો હોવાથી વાંસ્તવિક વિશ્વમાં રહી વર્ચ્યુઅલી વસ્તુઓનો અનુભવ કરી શકાય છે. VRમાં વપરાશકર્તા સંપૂર્ણ કાલ્પનિક વિશ્વમાં જોડાય છે, જ્યારે AR એ વાસ્તવિક દુનિયા સાથે સંપર્કમાં રહીને કાર્ય કરવાની સુવિધા આપે છે. AR ને VR કરતા વધુ બેન્‍ડવિથની જરૂર પડે છે.

19) Semantic Web: સિમેન્‍ટીક વેબ એ બહુવિધ સિસ્ટમ્સ અને નેટવર્ક્સનું ઈન્‍ટરકનેક્શન છે, જેમાં નેટવર્ક્સ ડેટા એક્સચેન્‍જ માટે વિવિધ પ્રોટોકોલ્સને અનુસરે છે. વર્તમાનમાં ઈન્‍ટરનેટ પર બિનજરૂરી અને અસ્તવ્યસ્ત માહિતીનો ખૂબ મોટો જથ્થો છે. મોટાભાગના કિસ્સાઓમાં આ પ્રકારના ડેટાને એકત્ર કરવું કે વિશ્લેષણ કરવું મુશ્કેલ છે, કારણ કે વિવિધ સિસ્ટમોનું એકબીજા સાથે આપમેળે અને સુચારુ રીતે જોડાણ થઈ શકતું નથી. આ સમસ્યાના ઉકેલ માટે ચોક્કસ પ્રતીકો, ભાષાઓ, ભાષણો, ઔપચારિક રજુઆતો વગેરેના અર્થઘટનના પાસાઓ અને કોન્‍ટેન્‍ટ અને ડેટાના સંબંધનું વર્ણન કરતો મેટા ડેટા ઉમેરવો, જેથી મશીનો દ્વારા આપમેળે મૂલ્યાંકન કરવાનું શક્ય બને અને કોમ્પ્યૂટર સિસ્ટમ્સ વચ્ચે આંતરકાર્યક્ષમતા સુધરે, તેમજ માનવીય હસ્તક્ષેપને ઘટાડી શકાય.

20) Web-1 / Web-2 / Web-3 વચ્ચે તફાવત

 1. Web-1 : માત્ર વાંચન અને માહિતી પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે.
 • વિશેષતાઓ : હાયપરલિન્કસ, બુકમાર્ક, સ્ટેટિક વેબ પેજ, વન-વે પબ્લિશિંગ માધ્યમ
 1. Web-2 : આ એક સહભાગી અને સોશિયલ વેબ, જે વાંચન, લેખન અને કોન્‍ટેન્‍ટ તૈયાર કરવાની સુવિધા આપે છે. તે વપરાશકર્તાને સોશિયલ પ્લેટફોર્મ સાથે જોડાવામાં મદદ કરે છે.
 • વિશેષતાઓ : સોશિયલ મીડિયા, સોશિયલ નેટવર્ક, બ્લોગ્સ, પોડકાસ્ટ, ટેગિંગ વગેરે.
 • Web-3 : વાંચન, લેખન અને માલિકી ઉપલબ્ધ કરાવવાની સુવિધા, જેમ કે બિલ્ડરો કે સર્જકો NFTs, ટોકન્‍સ વગેરે દ્વારા તેમના પોતાના સમૂહના કોઈ ભાગની માલિકી મેળવી શકે છે.
 • વિશેષતાઓ : માહિતીની ગોપનીયતામાં વધારો, બ્લોકચેન ટેક્નોલોજી, 3D વિઝ્યુઅલ્સ અને ગ્રાફિક્સ, AI નો ઉપયોગ, Semantic વેબની સુવિધા, વપરાશકર્તાની ઓળખ અને માહિતીની ગોપનીયતા, વહેવારુ જાહેરાત (Behavioural advertising) વગેરે.

21) ફિનટેક અને ડિજિટલ ફાઈનાન્‍સ : ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતી નાણાકીય ટેક્નોલોજી બજારોમાંનું એક છે. ઈન્વેસ્ટ ઈન્‍ડિયા અનુસાર ભારતીય ફિનટેક (ફાઈનાન્‍સ ટેક્નોલોજી) માર્કેટ હાલમાં  31 બિલિયન ડોલરનું છે, જે વર્ષ 2025 સુધીમાં 150 બિલિયન થવાની સંભાવના છે. ફિનટેક વ્યવહારોમાં 2023 સુધીમાં 138 બિલિયન ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે.

સાયબર સુરક્ષા

 • 5/100ના સ્કોર સાથે, ઈન્‍ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઈન્‍ડેક્સ 2020માં ભારત વિશ્વના દસમાં શ્રેષ્ઠ દેશ તરીકે સ્થાન પામ્યું હતું. ભારતનો કુલ એન્‍ટરપ્રાઇઝ ઈન્‍ફોર્મેશન સિક્યોરિટી અને રિસ્ક મેનેજમેન્‍ટ ખર્ચ 2020માં 1.9 બિલિયન ડોલરથી 10% વધીને 2021માં 2.08 બિલિયન ડોલર થયો હતો. ભારતની ડેટા સુરક્ષા પરિષદ અનુસાર ભારતની સાયબર સુરક્ષા સેવાઓ અને ઉત્પાદન ઉદ્યોગમાં 2021ના વર્ષમાં વાર્ષિક આવક 40% વધીને 9.85 બિલિયન ડોલર થઈ હતી. ડેટા સિક્યોરિટી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાએ આગાહી કરી છે કે, વર્ષ 2023 સુધીમાં આ ક્ષેત્રની આવક 15.4 બિલિયન ડોલરની આસપાસ પહોંચશે. સાયબર સુરક્ષા વૃદ્ધિને આગળ ધપાવતા અગ્રણી ઉદ્યોગ ક્ષેત્રોમાં બેન્કિંગ, હેલ્થકેર, ઈન્‍સ્યોરન્‍સ, કેપિટલ માર્કેટ અને મહત્ત્વપૂર્ણ માહિતી, ઈન્‍ફ્રાસ્ટ્રકચર જેમ કે ઊર્જા, તેલ, ગેસ, સંરક્ષણ, પરિવહન અને દૂરસંચાર વગેરેનો સમાવેશ થાય છે.
 • 2012ના વર્ષમાં સાયબર ગુનાઓના 3377 કેસ નોંધાયા હતા. જે આંકડો વર્ષ 2020માં વધીને અંદાજે 50,000ની આસપાસ પહોંચ્યા હતા. 2020ના વર્ષમાં દરરોજના સરેરાશ 136 સાયબર ગુનાઓ નોંધાયા હતા. 1 લાખની વસતી દીઠ સાયબર ગુનાઓની સંખ્યામાં પણ ચાર વર્ષમાં 270% નો વધારો થયો હતો.
 • ભારતમાં વર્તમાનમાં 800 મિલિયનથી પણ વધુ ઈન્‍ટરનેટ વપરાશકારો છે, જેમાં આવનાર ચાર થી પાંચ વર્ષમાં વધારાના નવા 400 મિલિયન લોકો જોડાશે. 2019ના ડેટા અનુસાર છેલ્લા આઠ વર્ષમાં ઈન્‍ટરનેટ કનેક્શન્‍સમાં 231% નો વધારો થયો છે. ભારતની પ્રતિ GB ડેટાની કિંમતમાં લગભગ 96% ઘટાડો થયો છે. આમ, ભારતમાં ઈન્‍ટરનેટ વપરાશકર્તાની સંખ્યાને ધ્યાનમાં રાખીને સાયબર સુરક્ષાના મજબૂત માળખાની જરૂર છે.
 • રાષ્ટ્રીય સાયબર સુરક્ષા પોલિસી: વર્ષ 2020માં લેફ્ટનન્‍ટ જનરલ રાજેશ પંતની આગેવાની હેઠળની ડેટા સિક્યોરિટી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા (DSCI) દ્વારા રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના વિશે વિચારણા કરવામાં આવી હતી. રિપોર્ટમાં ભારત માટે સુરક્ષિત, વિશ્વસનીય, સ્થિતિસ્થાપક અને ગતિશીલ સાયબર સ્પેસ સુનિશ્ચિત કરવા માટે 21 જેટલાં વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્‍દ્રિત કરવા સૂચન કરવામાં આવ્યું છે.
 • સાયબર ક્રાઈમ રીપોર્ટિંગ પોર્ટલ : આ પોર્ટલ એ મહિલાઓની સુરક્ષા માટેના રાષ્ટ્રીય મિશનની એક પહેલ છે. તે ફરિયાદીઓને સાયબર ગુનાઓની ફરિયાદોની ઓનલાઈન જાણ કરવા માટેની સુવિધા આપે છે.
 • CERT-IN : કોમ્પ્યૂટર ઈમરજન્‍સી રિસ્પોન્‍સ ટીમ એ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્‍ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય હેકિંગ, ફિશિંગ અને સાયબર હુમલાનાં જોખમોને સમયસર રોકવા અથવા ટાળવા અને આવાં જોખમોનો સામનો કરવા નોડલ એજન્‍સીની ભૂમિકા ભજવવાનો છે. આમ, આ સંસ્થા ભારતીય ઇન્‍ટરનેટ ડોમેનની સુરક્ષા સંબંધિત સંરક્ષણને મજબૂત બનાવે છે.
 • સાયબર આશ્વસ્ત પોર્ટલ : સાયબર આશ્વસ્ત એ ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલ છે. તે એક વિશિષ્ટ ઓનલાઇન પોર્ટલ છે, જેમાં સાઈબર ક્રાઈમના પીડિતો માટે સમર્પિત સેવા હેલ્પલાઇન છે, જેની મદદથી સાયબર ક્રાઇમના ફરિયાદીને આવા ગુનાઓ સામે રક્ષણ આપવા તમામ મદદ અને સેવાઓ આપવામાં આવે છે.
 • ભારતીય સાયબર ક્રાઈમ કૉ-ઓર્ડિનેશન સેન્‍ટર : આ સેન્‍ટર ભારતમાં સાયબર ક્રાઇમ સાથે સંકલિત અને અસરકારક રીતે વ્યવહાર કરવા માટે એક સરકારી પહેલ છે. તે ભારતના ગૃહ મંત્રાલય સાથે જોડાઈને કાર્ય કરે છે. તેને વર્ષ 2018માં અંદાજે 415 કરોડની સૂચિત રકમ સાથે શરૂ કરવામાં આવ્યું હતું.
 • ઈન્‍ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ : આ એક્ટ વર્ષ 200 માં ભારતીય સંસદ દ્વારા ઘડવામાં આવ્યો હતો. તે સાયબર ક્રાઇમ અને ઈ-કોમર્સ સંબંધિત બાબતો માટે ભારતમાં પ્રાથમિક કાયદો છે. આ અધિનિયમ ઈલેક્ટ્રોનિક કોમર્સ અને ઈલેક્ટ્રોનિક વ્યવહારોને કાનૂની મંજૂરી આપવા, ઈ-ગવર્નન્‍સને સક્ષમ કરવા અને સાયબર ક્રાઇમને રોકવા માટે ઘડવામાં આવ્યો હતો.

 

 ઊર્જા ક્ષેત્ર

 • 1947 ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ભારતમાં 340 મિલિયનની વસતી અને 1362 મેગાવોટની કુલ સ્થાપિત વીજળી ઉત્પાદન ક્ષમતા હતી. વીજળીનો માથાદીઠ વપરાશ પણ માત્ર 16.3 KWh હતો. પરંતુ વર્તમાનમાં આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં 4,03,760 મેગાવોટની સ્થાપિત વીજ ક્ષમતા છે, જે આઝાદી બાદના 75 વર્ષમાં 300 ગણો વધારો દર્શાવે છે. તેની સામે દેશની વસતીમાં પણ ચાર ગણો વધારો થયો છે. હાલમાં વીજળીનો માથાદીઠ વપરાશ 1208 KWh જેટલો છે. ભારત વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી મોટો વીજ ઉત્પાદક અને વપરાશકર્તા રાષ્ટ્ર છે.
 • ભારતમાં લગભગ 41.5% ની કુલ બિન–અશ્મિભૂત ઈંધણ ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે, જે અંદાજે 1,67,694 મેગાવોટની સમકક્ષ છે. આજે પણ ભારતમાં અંદાજે 50.7% કુલ વીજ ઉત્પાદન કોલસા આધારિત પ્લાન્ટ્‍સમાંથી થાય છે. મે 2020 સુધીમાં કુલ સ્થાપિત ક્ષમતા 402.8 ગીગાવોટ હતી, જેમાંથી 39.7% રીન્યુએબલ સ્રોતોમાંથી જનરેટ કરવામાં આવી હતી.
 • ભારતની તેલની માંગ લગભગ 4 મિલિયન બેરલ પ્રતિ દિવસ અને 2024 સુધીમાં 6 મિલિયન બેરલ થશે. જો ઇલેક્ટ્રીલ વાહનોનો ઉપયોગ વધારવામાં નહીં આવે, તો તે વધીને 2040 સુધીમાં 8.7 મિલિયન બેરલ પ્રતિદિન થવાની સંભાવના છે. આ ઉપરાંત 2040 સુધીમાં ભારતમાં 25 મિલિયનથી પણ વધુ ટ્રકો દ્વારા માલનું પરિવહન થતું હોવાની સંભાવના છે અને તમામ પ્રકારના 300 મિલિયનથી પણ વધુ નવાં વાહનોનો ઉમેરો થવાની શક્યતા છે, ત્યારે આવનાર સમયમાં ભારતની ઊર્જા જરૂરિયાતોની માંગ પૂર્તિ કરવા મજબૂત પગલાં લેવાની જરૂર પડશે.

સૌર ઊર્જા

 • ભારત વિશાળ સૌર ઊર્જા ક્ષમતાથી સંપન્ન દેશ છે. લગભગ 5000 ટ્રિલિયન kwh પ્રતિ વર્ષ ઊર્જા ભારતના જમીન વિસ્તાર પર બની શકે તેમ છે, જેમાં દેશનો મોટા ભાગનો વિસ્તાર પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ 4–7 kwh ઊર્જા મેળવે છે.
 • વર્ષ 2021ના ડેટા અનુસાર સૌરઊર્જા ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે હતું. ભારતે ઓગસ્ટ 2022 સુધીમાં કુલ 59.3 ગીગાવૉટ સોલાર પાવર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરી છે.
 • ભારત દ્વારા સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા માટે માર્ચ 2023 સુધીમાં 100 ગીગાવોટનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે. જેમાં 40 ગીગાવોટ રુફટોપ સોલાર અને 60 ગીગાવોટ ગ્રાઉન્ડ – માઉન્ટેડ યુટિલિટી સ્કેલનો સમાવેશ થાય છે.

પવન ઊર્જા

 • તાજેતરના વર્ષોમાં ભારતમાં પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. જુલાઇ 2022 સુધીમાં કુલ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા 40.89 GW હતી. જે વિશ્વની ચોથી સૌથી મોટી સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા છે. પવનઊર્જા વિકાસની ક્ષમતા ભારતમાં મુખ્યત્વે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ફેલાયેલી છે. સરકારે 2022 સુધીમાં 5 ગીગાવોટ ઓફશોર ક્ષમતા અને 2030 સુધીમાં 30 ગીગાવોટ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારત પાસે 7600 કિ.મી. લાંબા દરિયા કિનારા સાથે 127 ગીગાવોટ ઓફશોર પવન ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેલી છે.

હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર

 • હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર એ ટર્બાઇન દ્વારા સંચાલિત જનરેટરમાંથી ઉત્પન્ન થતી વીજળી છે, જે ઊંચાઈ પરથી પડતા પાણીની સંભવિત ઊર્જાને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરે છે.
 • 2019ના વર્ષમાં ભારત, જાપાનને પાછળ છોડીને વિશ્વના પાંચમા સૌથી મોટા હાઈડ્રોપાવર ઉત્પાદક ક્ષમતા ધરાવતો દેશ બન્યો છે. પ્રથમ ચાર દેશ અનુક્રમે ચીન, બ્રાઝિલ, યુએસએ અને કેનેડા છે.
 • ભારતમાં સ્થાપિત હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર ક્ષમતા 50 ગીગાવૉટ જેટલી છે. ભારત તેની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા ભૂતાન પાસેથી વધારાની હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર આયાત કરે છે.
 • અરુણાચલ પ્રદેશ હાઈડ્રો–પાવર ઉત્પન્ન કરવાની સૌથી વધુ ક્ષમતા ધરાવે છે.

થર્મલ પાવર

 • મે 2022 સુધીમાં ભારતમાં કુલ 236.1 ગીગાવોટની થર્મલ પાવરની સ્થાપિત ક્ષમતા છે, જેમાંથી 58.6% થર્મલ પાવર કોલસામાંથી અને બાકીની લિગ્નાઈટ, ડીઝલ અને ગેસમાંથી મેળવવામાંથી આવે છે.
 • ભારતમાં પાવર ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્ર દેશની 49.4% થર્મલ પાવર જનરેટ કરે છે. જ્યારે રાજ્યો અને કેન્દ્ર અનુક્રમે 24.6% અને 26% થર્મલ પાવર જનરેટ કરે છે.

ભરતી ઊર્જા

 • ભરતી ઊર્જા હજુ પણ સંશોધન અને વિકાસ (R&D) ના તબક્કામાં છે અને ભારતમાં હજુ તેને વ્યાપારી ધોરણે લાગુ કરવામાં આવી નથી. ભરતી શક્તિનો ઉપયોગ કરવા માટેના અગાઉના પ્રયત્નો ખાસ કરીને ઊંચા મૂડી ખર્ચને કારણે સફળ થયા ન હતા. અંદાજે એક મેગાવોટ ભરતી ઊર્જા ઉત્પન્ન કરવા પાછળ અંદાજે 30 થી 60 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે.

ભૂ – ઉષ્મીય ઊર્જા

 • ભૂ–ઉષ્મીય ઊર્જા એ પૃથ્વીની ઉપ–સપાટીની અંદરથી મેળવેલી ગરમી છે. તે પાણી અથવા વરાળ સ્વરૂપે ભૂ–ઉષ્મીય ઊર્જાને પૃથ્વીની સપાટી પર લાવે છે. તેની લાક્ષણિકતાના આધારે ભૂ–ઉષ્મીય ઊર્જાનો ઉપયોગ ગરમી અને ઠંડકના હેતુઓ માટે કરી શકાય છે. આ ઉપરાંત, સ્વચ્છ વીજળી પેદા કરવા માટે પણ તે ઉપયોગી છે.
 • ગરમીના સીધા ઉપયોગ માટેના આશાસ્પદ જીઓથર્મલ સાઇટ્સ બિહારમાં રાજગીર, હિમાચલ પ્રદેશમાં મણિકરણ, ઝારખંડમાં સુરજકુંડ, ઉતરાખંડમાં તપોવન અને હરિયાણામાં સોહાના પ્રદેશ છે.
 • ભારતમાં સાત ભૂ–ઉષ્મીય પ્રાંતો અને સંખ્યાબંધ ભૂ–ઉષ્મીય ઝરણાં છે. નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં 10 ગીગાવોટ જીઓથર્મલ પાવર પેદા કરવાની ક્ષમતા રહેલી છે.

ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન

 • ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન એ સમુદ્રની સપાટીના પાણી અને ઊંડા સમુદ્રના પાણી વચ્ચેના તાપમાનના તફાવતો (થર્મલ ગ્રેડિએન્ટ્‍સ)નો ઉપયોગ કરીને ઊર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે.

બાયોફ્યુલ (જૈવ ઈંધણ)

 • અન્ય પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોથી વિપરીત, પરિવહન ઈંધણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બાયોમાસને સીધા જ પ્રવાહી ઈંધણમાં રૂપાંતરિત કરી શકાય છે, જેને બાયોફ્યુઅલ કહેવાય છે. વર્તમાનમાં ઉપયોગમાં લેવાતા બે સૌથી સામાન્ય પ્રકારના બાયોફ્યુઅલ ઇથેનોલ અને બાયોડીઝલ છે. બંને બાયોફ્યુઅલ ટેક્નોલોજીનાં પ્રથમ પેઢીના ઈંધણો છે.
 • ભારતની બાયોફ્યુઅલ નીતિ, 2018માં બનાવવામાં આવી હતી, જેનો હેતુ વર્ષ 2030 સુધીમાં 20% ઇથેનોલ અને 5% બાયોડીઝલનો દેશવ્યાપી સંમિશ્રણ દર રાખવાનો છે. આ હેતુના ઉપલક્ષ્યમાં તાજેતરમાં આ લક્ષ્યમાં ફેરફાર કરી 2025 સુધીમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ અને વર્ષ 2030 સુધીમાં 30 % ઇથેનોલ બ્લેન્ડિંગ હાંસલ કરવા સરકાર આગળ વધી રહી છે. 2019ના વર્ષમાં ભારતમાં બાયોફ્યુઅલ વપરાશ 44.55 હજાર બેરલ પ્રતિ દિવસ હતો, જ્યારે વર્ષ 2000માં બાયોફ્યુઅલનો વપરાશ 2.9 હજાર બેરલ પ્રતિ દિવસ હતો. ભારતમાં બાયોફ્યુઅલના વપરાશમાં સરેરાશ વાર્ષિક 24.37% દરે વૃદ્ધિ થઈ રહી છે.

  બાયોમાસ ઊર્જા

 • ભારત દર વર્ષે લગભગ 450–500 મિલિયન ટન બાયોમાસનું ઉત્પાદન કરે છે. હાલમાં દેશમાં તમામ પ્રાથમિક ઊર્જાનો 32% ઉપયોગ માટે બાયોમાસ વપરાય છે. ભારતે 2022 પહેલાં જ 10 ગીગાવૉટ બાયોમાસ એનર્જીનું લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે. વર્તમાનમાં ભારત 10.17 ગીગાવૉટથી પણ વધુ સ્થાપિત બાયોમાસ એનર્જી ક્ષમતા ધરાવે છે.
 • ભારતના ગ્રામીણ વિસ્તારોમાં તેની પ્રાથમિક ઊર્જાનો લગભગ 25% બાયોમાસ સંસાધનોમાંથી આવે છે અને લગભગ 70% ગ્રામીણ વસ્તી તેમની દૈનિક ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા બાયોમાસ પર આધાર રાખે છે.

પરમાણુ ઊર્જા

 • દેશમાં વર્તમાન સ્થાપિત પરમાણુ ઊર્જા ક્ષમતા 6780 મેગાવોટ છે. વર્ષ 2020–21માં દેશમાં કુલ વીજળી ઉત્પાદનમાં પરમાણુ ઊર્જાનો હિસ્સો લગભગ 1% છે. 6780 મેગાવોટની વર્તમાન પરમાણુ ઊર્જા ક્ષમતા 2031 સુધીમાં 22480 મેગાવોટની કરવાની સરકારની યોજના છે. વર્તમાનમાં ભારતમાં અંદાજે 22 જેટલા પરમાણુ રિએક્ટર્સ અને 7 પરમાણુ ઊર્જા પ્લાન્ટ્સ કાર્યરત છે.

પરમાણુને લગતા વિવિધ સમૂહો/સંમેલનો/પહેલો

 1. ન્યુક્લિઅર સપ્લાયર ગ્રુપ (NSG) : NSG એ પરમાણુ સપ્લાયર દેશો માટે કામ કરતું અને પરમાણુ શસ્ત્રો અને સામગ્રીની નિકાસને રોકવા માટેનું એક વૈશ્વિક સંગઠન છે.
 2. કોમ્પ્રીહેન્સિવ ન્યુક્લિઅર ટેસ્ટ બેન ટ્રીટી (CTBT) : CTBT એ વિશ્વમાં કોઈ પણ સ્થળે તમામ પરમાણુ પરીક્ષણ વિસ્ફોટો પર પ્રતિબંધ મૂકતી સંધિ છે.
 • પરમાણુ શસ્ત્રોનો અપ્રસાર સંધિ (NPT- Non Proliferation of Nuclear Weapons Treaty): NPT એ એક બહુપક્ષીય સંધિ છે, જેનો હેતુ મુખ્ય ત્રણ શરતોના આધારે પરમાણુ શસ્ત્રોના પ્રસારને મર્યાદિત કરવાનો છે : (1) બિન–પ્રસાર (2) નિ:શસ્ત્રીકરણ (3) પરમાણુ ઊર્જાનો શાંતિપૂર્વક ઉપયોગ.
 1. ફિસાઇલ (Fissile) મટીરિયલ કટ ઓફ સંધિ (FMCT) : FMCT એ પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય કરાર છે, જે પરમાણુ શસ્ત્રોના બે મુખ્ય ઘટકોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા કાર્ય કરે છે : (1) અત્યંત સમૃદ્ધ યુરેનિયમ (High Enriched Uranium) અને (2) પ્લુટોનિયમ.
 2. ન્યુક્લિઅર સિક્યોરિટી સમિટ (NSS) : NSSનો મુખ્ય હેતુ વિશ્વભરમાં પરમાણુ આંતકવાદને રોકવાનો છે.
 3. Conference on Disarmament (CD) : CD એ નિ:શસ્ત્રીકરણના હેતુથી વાટાઘાટો કરવા માટે બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય સમુદાયોને એક મંચ પ્રદાન કરે છે.

ઊર્જા ક્ષેત્ર માટેની વિવિધ પહેલો / કાયદાઓ

 • ઇલેક્ટ્રીસિટી એક્ટ, 2003 :  આ એક્ટના મુખ્ય હેતુઓ : વીજળી ઉત્પાદન પ્રોજેક્ટ માટે લાયસન્સ નાબૂદ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા સ્પર્ધામાં વધારો અને એક અલગ પ્રવૃત્તિ તરીકે ટ્રાન્સમિશનનું સીમાંકન કરવું.
 • નેશનલ ટેરિફ પોલિસી – 2006,  સુધારેલ ટેરિફ પોલિસી – 2016 : ગ્રાહકોને વાજબી અને સ્પર્ધાત્મક દરે વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, આ ક્ષેત્રની નાણાકીય સદ્ધરતા સુનિશ્ચિત કરવી તેમજ રોકાણકારોને આકર્ષિત કરવા. આ ઉપરાંત નિયમનકારી અભિગમોમાં પારદર્શિતા અને સુસંગતતા લાવવી વગેરે.
 • ઉજાલા યોજના : ઊર્જા મંત્રાલયે દેશમાં ઊર્જા–કાર્યક્ષમ EESL (Energy Efficiency Services Limited) 36.69 કરોડ LED બલ્બનું સમગ્ર દેશમાં વિતરણ કરેલ છે અને ઉજાલા યોજના હેઠળ 1.14 કરોડ LED સ્ટ્રીટલાઇટ પણ ઇન્સ્ટોલ કરેલ છે. જેના પરિણામે પ્રતિ વર્ષ અંદાજે 63.32 બિલિયન kwh જેટલી કુલ ઊર્જાની બચત થશે.
 • ઈંધણ પુરવઠાની ઉપલબ્ધતા માટે કરાર : કોલ ઈન્ડિયા લિમિટેડ સાથે ઈંધણ પુરવઠા કરાર દ્વારા લાંબા ગાળા સુધી પાવર કંપનીઓ માટે કોલસાની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાની યોજના બનાવવા માટે કરાર.
 • ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ (IPDS) : IPDS યોજનાઓ શહેરી વિસ્તારોમાં તમામ સ્તરે મીટરિંગ સહિત સબ–ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને મજબૂત બનાવવાની યોજના છે.
 • પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના : આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં તમામ ગરીબ પરિવારોને અને વીજળી વિનાના તમામ ઇચ્છુક ઘરોને વીજળી કનેક્શન આપીને સાર્વત્રિક ઘરગથ્થુ વિદ્યુતિકરણ હાંસલ કરવાનો છે.
 • ISA – International Solar alliance : ISAની શરૂઆત વર્ષ 2015ની પેરિસ ક્લાઇમેન્ટ ચેન્જ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઈસ ઓલાંદ દ્વારા કરવામાં આવી હતી. તેનું વડું મથક ભારતના ગુરુગ્રામ (હરિયાણા)માં આવેલ છે. તે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે આવેલા સૂર્યઊર્જા સમૃદ્ધ દેશોની સ્થિતિ સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે.
 • One Nation, One Grid : નેશનલ ગ્રીડ ઉત્ક્રાંતિ લાવવાના લક્ષ્ય સાથે સરકાર વન નેશન વન ગ્રીડના માધ્યમથી તમામ પ્રાદેશિક ગ્રીડને સુમેળપૂર્વક જોડવા યોજના ઘડેલ છે.
 • One Sun, One World, One Grid (OSOWOG) : OSOWOG એ ભારતની વૈશ્વિક ઇન્ટરકનેક્ટેડ સોલાર પાવર ગ્રીડનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક બનાવવા અંગેની પ્રસ્તાવિત યોજના છે.

બાયો ટેક્નોલોજી અને નેનો ટેક્નોલોજી

 • વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં બાયો ટેક્નોલોજી અને નેનો ટેક્નોલોજીનો બહોળો ફાળો છે. બાયો ટેક્નોલોજી અને નેનો ટેક્નોલોજીના માધ્યમથી ભારતે અણુ વિજ્ઞાન અને સૂક્ષ્મ વિજ્ઞાન ક્ષેત્રે સારી પ્રગતિ કરી છે. 21મી સદીના પ્રારંભથી જ ભારતે બાયો ટેક્નોલોજી અને નેનો ટેક્નોલોજીના વિકાસને પ્રાધાન્‍ય આપ્યું છે. જેમાં સરકાર, સંશોધન, ઉદ્યોગ, શૌક્ષણિક વગેરે સહભાગીદારોનો વિશેષ ફાળો છે.

બાયો ટેક્નોલોજી

 • પ્રાચીન સમયથી જ લોકો સૂક્ષ્મજીવોનો ઉપયોગ છોડની જાતને મજબૂત કરવા, ફર્મેન્‍ટેશનમાં વધારો કરવા વગેરે જેવા હેતુઓ માટે કરતા હતા. આગળ જતાં આ બ્રાન્‍ચ એ બાયો ટેક્નોલોજીમાં રૂપાંતર થઈ છે કે જેણે ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસમાં વિશેષ ફાળો આપ્યો છે. ભારતની વિશાળ વસ્તી, ઉભરતા બજાર, બદલાતી તકનીકોને કારણે વિશ્વભરમાં ભારત બાયો ટેક્નોલોજીનું લોકચાહક માર્કેટ બન્‍યું છે.
 • પાછલા ત્રણ દાયકામાં ભારતમાં બાયો ટેક્નોલોજીનો વિવિધ ક્ષેત્રોમાં બહોળો વિકાસ થયો છે. સરકાર અને ખાનગી ક્ષેત્રના ભરપૂર સહકારથી ભારતે સતત બાયો ટેક્નોલોજી ક્ષેત્રમાં પ્રગતિ સાધી રહ્યું છે.
 • ભારતે વર્ષ 1986માં બાયોસાયન્‍સ અને બાયો ટેક્નોલોજી ક્ષેત્રે ઉચ્ચ સ્તર હાંસલ કરવા ‘બાયો ટેક્નોલોજી વિભાગ’ના રૂપમાં ‘સ્વાયત્ત વિભાગ’ની રચના કરી. ભારતનો આ નિર્ણય તેને વિશ્વમાં આવી પહેલ કરનાર પ્રથમ દેશ બનાવે છે.
 • બાયો ટેક્નોલોજીના માધ્યમથી આરોગ્ય ક્ષેત્ર, કૃષિ, ઊર્જા, પશુપાલન, ખાદ્ય પ્રણાલી વગેરે ક્ષેત્રોનો વિકાસ કરવા ભારત સફળ રહ્યું છે.
 • ભારતનું બાયો ટેક્નોલોજી ક્ષેત્ર દર વર્ષ 20%ના ઝડપી દરે વધી રહ્યું છે.
 • વૈશ્વિક સ્તરે ભારત બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 12મો ક્રમ ધરાવે છે, જ્યારે ઈન્‍ડો-પેસિફિક વિસ્તારમાં ત્રીજો ક્રમ ધરાવે છે.
 • ભારત બાયો-ટેક ક્ષેત્રને બાયોફાર્માસ્યુટિકલ્સ, બાયોઈન્‍ડસ્ટ્રીયલ, બાયોએગ્રીકલ્ચર, બાયો-IT અને બાયો સર્વિસીસમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

 • બાયો ફાર્માસ્યુટિકલ્સ શાખામાં ભારત વૈશ્વિક સ્તરે એક અગ્રણી રસી ઉત્પાદક દેશ તરીકે વિકસ્યું છે. કોરોના મહામારી દરમિયાન વેક્સિન મૈત્રીના માધ્યમથી વિશ્વભરના દેશો કોરોનાની રસી ભારતે પહોંચાડી છે.
 • ભારતનો બાયો ટેક્નોલોજી ઉદ્યોગ 2020માં 70.2 બિલિયન ડોલર જેટલો હતો, જે વર્ષ 2025 સુધીમાં બાયો ટેક્નોલોજી ઉદ્યોગ 150 બિલિયન ડોલર પહોંચવાની સંભાવના છે.
 • બાયો ટેક્નોલોજી ક્ષેત્રે વિવિધ ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની પરવાનગી આપવામાં આવી છે.
 • ગ્રીનફિલ્ડ ફાર્માસ્યુટિકલ્સ પ્રોજેક્ટમાં : 100% FDI
 • બાઉનફિલ્ડ ફાર્માસ્યુટિકલ્સ પ્રોજેક્ટમાં : 74% FDI
 • મેડિકલ ડિવાઇસની બનાવટ માટે : 100% FDI
 • ભારત BT-કપાસના ઉત્પાદનમાં વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે.

બાયો ટેક્નોલોજી ક્ષેત્રની સિદ્ધિ

 • બાયો ટેક્નોલોજીનો બહોળો ઉપયોગ છે, જેમાં ખાસ કરીને કૃષિ, સ્વાસ્થ્ય, ઉદ્યોગ અને પર્યાવરણનો સમાવેશ થાય છે.
 • બાયો-મેડિકલ : બાયો-મેડિકલ શાખામાં બાયો ટેક્નોલોજી ક્ષેત્રનો બહોળો ઉપયોગ છે. રિકોમ્બિનન્‍ટ દવાઓ જેવી કે ઈન્‍સ્યુલેશન, ગ્રોથ હાર્મોન, ઈન્‍ટરફેરોન, રિકોમ્બિનન્‍ટ સારવાર માટેની કિટ (HIV-ગર્ભાવસ્થા), રસીની બનાવટમાં અને ગંભીર રોગોની અસરકારક દવાઓની બનાવટમાં બાયો ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.
 • બાયોકૃષિ : બાયો ટેક્નોલોજીના માધ્યમથી કૃષિમાં સતતા જાળવવા માટે ‘જેનેટિક્લી મોડિફાઈડ ક્રોપ (GMC)ની શોધ કરાઈ. વધતી ખાદ્ય જરૂરિયાતો અને કૃષિ એકરૂપતાને ધ્યાનમાં રાખીને GM પાક પર અનુસંશોધન કરવામાં આવ્યું. હાલમાં BT-કપાસ, BT-રીંગણ, BT-સોયાબિન વગેરે પાકની જાતોને વિકસાવવામાં આવી.
 • GM પાકએ વાયરસ, ગરમી, પુર વગેરે જેવી પરિસ્થિતિઓથી લડવા માટે કારગર છે.
 • In-Vitro Fertilization (IVF)ના માધ્યમથી પશુપાલનમાં ભેંસ, ગાયની વધારે દૂધ ઉત્પાદન અને રોગપ્રતિકારક જાતોને વિકસાવવી.
 • GM પાકોમાં દેશી પાકની સરળાખણીમાં વધારે પોષણ તત્વો હોય છે.
 • જેનિટિક ઓન્‍જિનિયરિંગ : કોઈ આનુવંશિય સંરચનામાં એક જનીનને હટાવી તેના બદલામાં અન્ય જનીનને દાખલ કરી ‘Recombinant DNA Technology’ તૈયાર કરવાની પદ્ધતિને ‘જેનિટિક એન્‍જિનિયરિંગ’ કહેવાય છે.
 • પર્યાવરણ-બાયો ટેક્નોલોજી : પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા માટે સૂક્ષ્મજીવાણુઓનો ઉપયોગ, દૂષિત પાણીને શુદ્ધ કરવા, વનીકરણમાં વૃદ્ધિ કરવા માટે બાયો-ટ્રીટમેન્‍ટ છોડનો ઉપયોગ, હવા પ્રદૂષણને નિયંત્રણ કરવા, મરીન-બાયો ટેક્નોલોજી, માછલીની ખેતી (Aquaculture)માં વૃદ્ધિ, દરિયાઈ નિંદણની ખેતીના માધ્યમથી ફોટો એસિડનું ઉત્પાદન કરવું, દરિયાઈ પ્રદૂષણને દૂર કરવા માટે ‘Thermophile bacteria’નો ઉપયોગ કરવો.
 • બાયોટેક- સ્ટાર્ટઅપ : બાયો ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસમાં વૃદ્ધિ કરવાના હેતુથી ભારત સરકારે જાહેર ક્ષેત્રની સાથે-સાથે ખાનગીક્ષેત્રને પણ પુરતો સહકાર આપ્યો છે. બાયોટેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની વિસ્તૃત ભૂમિકા રહેલી છે, જે સંશોધન, અમલીકરણ, નવી સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદરૂપ છે. ભારતમાં બાયો-ટેક ક્ષેત્રે વર્ષ 2015માં 732 જેટલા સ્ટાર્ટઅપ હતા. જ્યારે વર્ષ 2020માં સ્ટાર્ટઅપમાં વધારો થઈ 4237 સુધી પહોંચ્યો છે. ભારત અને ગુજરાતની અસરકારક નીતિઓને કારણે સ્ટાર્ટઅપનો બાયો-ટેક ક્ષેત્રે ઝડપી વધારો થઈ રહ્યો છે.

બાયો-ટેક્નોલોજી ક્ષેત્રે સરકારની પહેલો

 • અટલ જય અનુસંધાન બાયોટેક મિશન : બાયોટેક ક્ષેત્રે પ્રગતિના માર્ગને ખુલ્લો મુકવા માટે ભારત સરકારે અટલ જય અનુસંધાન બાયોટેક મિશનની શરૂઆત કરી. જેમાં પાંચ વિવિધ ઘટકોનો સમાવેશ થાય છે;
 • GARBH-IN માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું અને પ્રિ-ટર્મ બર્થ માટે અનુમાનિત સાધનો વિકસાવવા. નવજાત બાળકોના જન્‍મ સમયે માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યને જાળવવું.
 • IndCEPI- એન્‍ડેમિક (Endemic) રોગો માટે પોષાય તેવા દરે રસી વિકસાવવાનું મિશન, જે શૌક્ષણિક, ઉદ્યોગ અને અન્ય હિતધારકો સાથે મળીને દેશમાં રસી વિકાસ ક્ષમતાને મજબૂત કરવા પર ધ્યાન કેન્‍દ્રીત કરવું.
 • સ્વચ્છ ઊર્જા મિશન : સ્વચ્છ ભારત માટે નવીન તકનીકો પર ધ્યાન આપવું.
 • પોષણ અભિયાન : બાયોફોર્ટિફાઈડ ચોખા અને ઘઉંના માધ્યમથી પોષણ વૃદ્ધિમાં મદદ કરવી.
 • એન્‍ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટંસ (ARM) મિશન : એન્‍ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટંસની અટકાયત કરવા માટે પોસાય તેવી સારવાર પદ્ધતિ વિકસાવવી.
 • જીનોમ ઈન્‍ડિયા પોજેક્ટ : ભારતભરમાં ‘સંદર્ભ જીનોમ’ની માળખાગત ગ્રીડ બનાવવી, જેથી ભારતીય વસતીમાં સમાવિત રોગો અને લક્ષણોના પ્રકાર અને પ્રકૃતિને સંપૂર્ણ રીતે સમજવામાં મદદ મળે. આ મેગા પ્રોજેક્ટના માધ્યમથી ભારતભરમાં 10000 જીનોમ નમૂના એકત્રિત કરવામાં આવશે.
 • માનવ પહેલ : બાયો ટેક્નોલોજી વિભાગ અને પરસિસ્ટન્‍ટ સિસ્ટમ દ્વારા માનવ પહેલની શરૂઆત કરાઈ. જેનો ઉદ્દેશ્ય માનવ શરીરની તમામ પેશીઓના એકીકૃત ડેટાબેઝ બનાવવાનો છે, જેની મદદથી માનવ શરીરના કાર્યનું સર્વગ્રાહી ચિત્ર મેળવી શકાય.
 • નેશનલ બાયોફોર્મ મિશન
 • દેશમાં બાયોફાર્માસ્યુટિકલ વિકાસને વેગ આપવા માટે એક ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ મિશન છે.
 • 50% નાણાંકીય સહાય લોનના રૂપમાં વિશ્વ બેન્‍કના માધ્યમથી ફાળવવાની આવી છે.
 • મિશન હેઠળ ભારત સરકારે બાયોફાર્મા ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને સક્ષમ ઈકોસિસ્ટમનું નિર્માણ કરવા ઈનોવેટ ઈન ઈન્‍ડિયા (i3) પ્રોગ્રામ શરૂ કર્યો છે.
 • બાયોટેક કિશાન મિશન
 • દેશના 15 એગ્રો-ક્લાઇમેટીક ઝોન પદ્ધતિસર ખેડૂતોની સમસ્યાને હલ કરવા માટે બાયો-ટેક કિશાન શરૂ કરવામાં આવ્યું છે.
 • વંચિત અને છેવાડાના ખેડૂતો તેમજ નાના અને સિમાંત ખેડૂતોની સમસ્યાનો હલ કરવા બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવો.
 • BioNest યોજના
 • Bio-BEST યોજના BIRAC (Biotechnology Industry Research Assistance Council) હેઠળ બાયોટેક ક્ષેત્રમાં નવાચાર ઈકોસિસ્ટમના વિઝન સાથે શરૂ કરવામાં આવી છે.
 • Bio-BESTના માધ્યમથી ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ વૃદ્ધિ મેળવવામાં પ્રોત્સાહન પાશે.
 • બાયોટેકના ઉપયોગનું કાર્યક્ષમ સુશાસનનું મોડલ પૂરું પાડવામાં આવે છે.
 • Biotechnology Ignition Grant યોજના (BIG)
 • BIRAC જણાવ્યા અનુસાર ‘Bio-Innovation Capital’ બનવા માટે નવા વિચારોને વાણિજ્ય રીતે પ્રોત્સાહિત કરવા.
 • BIG યોજનાનો ઉદ્દેશ્ય
 • બાયો-ટેક ક્ષેત્રે વ્યાપારીકણની સંભાવના સાથે વિચારોને પ્રોત્સાહન આપવું.
 • સંશોધકોની સ્ટાર્ટઅપના માધ્યમથી નવી બાયો ટેક્નોલોજી માર્કેટ સુધી પ્રસરિત કરવા પ્રોત્સાહન આપવું.
 • ઉદ્યોગસાહસિકતાની ભાવનાને વધારવી.
 • INSACOG :INSACOG (The Indian SARS-Cov-2 Genomics Consortium) એ કોરોના વાયરસ અથવા SARS-Cov-2 વાયરસના જીનોમ ભિન્નતાઓ પર દેખરેખ રાખવા માટે ભારતભરમાં પ્રસરેલી એજન્‍સી છે. જેના માધ્યમથી વાયરસમાં નોંધાતા બદલાવોને જાણી શકાય છે અને ભવિષ્યમાં વાયરસને આક્રામક બનતા રોકી શકાય છે.

ગુજરાતમાં બાયો ટેક્નોલોજી

 • ભારતમાં બાયો ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસ સાથે ગુજરાતમાં પણ બાયો-ટેક્નોલોજી ક્ષેત્રનો વિકાસ ધીમે-ધીમે વધતો ગયો. ગુજરાતમાં બાયો ટેક્નોલોજીનો વિકાસ, શૈક્ષણિક, સ્ટાર્ટઅપ, અનુસંધાન વગેરે ક્ષેત્રોમાં વધાર્યો છે. જેના કારણે ગુજરાત દેશમાં બાયો ટેક્નોલોજી ક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું.
 • ગુજરાત સરકારે 2004માં રાજ્યમાં બાયો ટેક્નોલોજીના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સ્ટેટ બાયો ટેક્નોલોજી મિશન (GSBTM) નોડલ એજન્‍સીની સ્થાપના કરી. જેના માધ્યમથી રાજ્યમાં બાયોટેક R & D (રિસર્ચ અને ડેવલોપમેન્‍ટ) અને બાયોટેક ઉદ્યોગના વિકાસને ટેકો મળે છે. ગુજરાતમાં જીનોમિક પહેલ, બાયોડાયવર્સિટી જીન બેન્‍ક, બાયોઈન્‍ફોર્મેટિક્સ, સ્ટેમ સેલ સંશોધન અને તાલીમ, બાયો-બેન્‍કિંગ વગેરે જેવી પહેલો હાથ ધરાવામાં આવી છે.
 • ગુજરાત પાસે બાયો ટેક્નોલોજી ક્ષેત્રમાં 200થી વધારે બાયોટેક કંપનીઓ અને સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે. જેમાં અગ્રણી રિસર્ચ અને ડેવલોપમેન્‍ટ અને શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. ગુજરાતે 2019-20માં 3054 મિલિયન ડોલર અને 2020-21માં 2790 મિલિયન ડોલરના મૂલ્યની દવાઓની નિકાસ કરી છે.
 • ગુજરાતે બાયોટેક ક્ષેત્રમાં નિરંતર પ્રગતિ કરવા માટે વર્ષ 2022માં ‘ગુજરાત બાયો ટેક્નોલોજી પોલિસી-2022-27’ જાહેર કરી છે. જેનો ઉદ્દેશ્ય બાયો-ટેક ઈકોસિસ્ટમને મજબૂત કરવી, બાયોટેક ક્ષેત્રની વિવિધ શાખાઓને મજબૂત કરવી અને બાયો ટેક્નોલોજી ઉત્પાદન અને સેવા ક્ષેત્રને પ્રોત્સાહન આપવું. આમ ગુજરાત પણ ટેકનોલોજી પ્રાધાન્‍ય રાજ્યની દિશા તરફ આગળ વધી રહ્યું છે.

નેનો ટેકનોલોજી

 • 21 મી સદીની શરૂઆત સાથે ભારતમાં પણ નેનોટેકનોલોજીના વિકાસની વાતો શરૂ થઈ ગઈ હતી. 9મી પંચવર્ષીય યોજના (1998-2002)ના માધ્યમથી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ક્ષેત્રે નેનોટેકનોલોજી, રોબોટિક્સ વગેરેમાં પ્રગતિ કરવા માટે રાષ્ટ્રીય કોર ગ્રુપની રચના કરવામાં આવી હતી. આયોજન પંચ દ્ધારા નેનોટેકનોલોજીમાં પ્રગતિને આધાર આપવામાં આવ્યો છે. વર્ષ 2000માં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ નેનોટેકનોલોજી અને નેનોમેટીરીયલ્સમાં વિકાસ માટે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જેના બાદ નેનો ટેકનોલોજી ક્ષેત્રના વિકાસમાં નિરંતર ભારતે પ્રગતિ કરી છે.
 • જ્યારે પરમાણુ અને અણુની રચનામાં સંશોધન દ્ધારા રૂપાંતર કરવામાં આવે છે. ત્યારે કેટલાક અસામાન્ય અને ઉપયોગી ગુણધર્મો ઉત્પન્ન થાય છે. આ પરમાણુ અને અણુના પરિમાણો નેનોમીટરમાં હોવાથી આવી તકનીકને નેનો ટેકનોલોજી કહેવામાં આવે છે. નેનો ટેકનોલોજીના આધારે તૈયાર થતી સામ્રગીને ‘નેનોમટીરિયલ્સ’ કહેવામાં આવે છે. નેનોમટીરિયલ્સનો ઉપયોગ ખૂબ વિશાળ છે, તે પાણીના શુદ્ધિકરણ, કેન્સરની સારવાર, કરચલી મુકત કાપડ વગેરેમાં ફાળો આપે છે.
 • નેનોટેકનોલોજી એ 1 થી 100 નેનોમીટર સુધીના નવા ઉપકરણો અને ભૌતિક બંધારણો વિકસાવવાની તકનીક છે.

નેનોટેકનોલોજીનો ઉપયોગ

નેનોટેકનોલોજીનો ઉપયોગ તેના વિશિષ્ટ ગુણધર્મો અને બહેતર ફાયદાઓના કારણે મોટાભાગના ક્ષેત્રોમાં થાય છે.

 • આરોગ્ય ક્ષેત્ર : આરોગ્ય ક્ષેત્રે નેનોટેકનોલોજીનો બહોળો ઉપયોગ છે. નેનોટેકનોલોજી માનવ શરીરના અંદર અને બહાર બંને જગ્યાએ ઉપયોગી છે. નેનોટેકનોલોજીના માધ્યમથી બહેતર સારવાર અને દવાઓનો જથ્થો (ટાર્ગેટેડ ડિલિવરી) પૂરો પાડવામાં આવે છે. કેન્સર, હૃદયરોગ, લોહીની બિમારી વગેરે જેવી ગંભીર બિમારીમાં મદદરૂપ થાય છે.
 • ઈલેકટ્રોનિક ઉપકરણો: નેનોસ્કેલ પર કમ્પ્યુટર પહેલાથી જ કાર્યરત કરવામાં આવી રહ્યું છે. નેનોમટીરિયલ્સના માધ્યમથી ઈલેકટ્રોનિક ઉપકરણોની ક્ષમતા વૃદ્ધિ તેમજ ડિસ્પ્લે અને સ્કીનની ગુણવત્તા સુધારવામાં આવે છે. ઈલેકટ્રોનિક ઉપકરણોની ઊર્જા-વપરાશ ક્ષમતા ઘટાડવી, વજન અને મજબૂતાઈ વધારવામાં નેનોટેકનોલોજીના માધ્યમથી મદદ મળી શકે. ‘Morph’ – નેનોટેકનોલોજી આધારિત મોબાઈલ ફોન છે, જે અત્યંત આધુનિક વિશિષ્ટતાઓ ધરાવે છે. જે અગામી સમયમાં ઈ-વેસ્ટને અટકાવવામાં મદદરૂપ છે.
 • ટેકસટાઈલ્સ ઉદ્યોગ : ટેકસટાઈલ્સ ઉદ્યોગના વિકાસમાં નેનોટેકનોલોજીનો મોટો ફાળો છે. નેનોટેકનોલોજીના માધ્યમથી કરચલી વગરના કાપડને વિકાસવવામાં આવ્યા છે. ઉપરાંત, કાપડ ઉદ્યોગમાં હાલના ધોરણ કરતાં વધારે નવાચાર કરવામાં મદદ મળશે.
 • કૃષિ : કૃષિમાં ઉપયોગ થતા ઉપકરણો, દવાઓ, બિયારણ વગેરેમાં નેનોટેકનોલોજીના માધ્યમથી પરિસ્થિતિ અનુકૂળ બનાવી શકાય છે. નેનો ટેકનોલોજીના ઉપયોગથી ઝીરો–બજેટ નેચરલ ફાર્મિગને પ્રોત્સાહન આપી શકાય છે. નેનો સેન્સરની મદદથી જમીનના પોષણ તત્વો અને છોડના વાયરસો જાણી શકાય છે.
 • અવકાશ અને રક્ષા : રક્ષા ક્ષેત્રમાં મિસાઈલો, ટેન્ક, હથિયારો, કવચ વગેરેની બનાવટમાં નેનોટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. નેનોમટીરિયલ્સના કારણે રક્ષા સંબંધી અને અવકાશીય ઉપકરણોની બનાવટમાં આધુનિકતા અને આત્મનિર્ભરતા મેળવી શકાય છે. અવકાશ ક્ષેત્રમાં નેનોટેકનોલોજી સ્પેસ વાહનનું વજન ઘટાડી અવકાશ યાત્રાને વધારે કાર્યક્ષમ બનાવી શકે. નેનોસેન્સરની મદદથી અવકાશ જીવનની શોધ સંભાવનાઓ વધારી શકાય છે.
 • પર્યાવરણ : નેનોટેકનોલોજીએ પર્યાવરણ–મૈત્રી ઈકોમિસ્ટમને પ્રોત્સાહીત કરે છે. નેનોટેકનોલોજીના માધ્યમથી જળવાયુ પરિવર્તન, હીટવેવ, ગ્રીન હાઉસ ઈફેકટ વગેરે પર્યાવરણ સામેની સમસ્યાઓ હલ કરી શકાય. ઉદ્યોગમાંથી નીકળતા દૂષિત પાણીને સસ્તા દરે સ્વચ્છ કરી શકાય છે. નેનો સેન્સર અને નેનોમટીરિયલ્સના માધ્યમથી હવા અને જમીનમાં રહેલ હાનિકારક રાસાયણિક દ્રવ્યો શોધી, ઓળખી, દૂર કરવામાં આવી શકે છે.

નેનોટેકનોલોજીમાં સરકારની પહેલો

નેનો મિશન (Nano Mission) : ભારત સરકાર દ્ધારા વર્ષ 2007માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું. જેનો મુખ્ય ઉદેશ્ય નીચે મુજબ છે :

 • નેનો વિજ્ઞાન અને ટેકનોલોજી અનુસંધાનમાં આંતરમાળખાકીય વિકાસ
 • નેનો ટેકનોલોજી વિકાસ સેન્ટરો અને જાહેર-ખાનગી ભાગીદારી (PPP) વધારવા
 • આતંરરાષ્ટ્રીય સહકારમાં વૃદ્ધિ કરવી
 • નેનોટેકનોલોજી માટે માનવ સંશોધનોનો વિકાસ કરવો
 • શૈક્ષણિક-ઉદ્યોગમાં સહભાગીદારી વધારવી

નેનોટેકનોલોજી નિયમન બોર્ડ

        નેનો મિશન પરિષદ હેઠળ ઉદ્યોગમાં નેનો ટેકનોલોજીના માધ્યમથી જીવન જરૂરી ચીજવસ્તુઓના બનાવટની ચકાસણી કરવા નેનોટેકનોલોજી નિયમન બોર્ડની જરૂર છે. આ બોર્ડના માધ્યમથી નેનો ચીજ વસ્તુઓના વિનિમય અને હેન્ડલિંગને જાળવવામાં મદદ મળી શકે.

જાહેર-ખાનગી ભાગીદારી

ભારતમાં નેનોટેકનોલોજીના વિકાસ માટે જાહેર-ખાનગી ભાગીદારી (PPP)ને વધારવા પર ભાર આપવામાં આવ્યો છે. જેના કારણે નેનોસંશોધન, આંતરમાળખુ, કૈશલ્ય વગેરેમાં વૃદ્ધિ કરી શકાય છે.

નેનોટેકનોલોજી પ્રોત્સાહન કાર્યક્રમ

        નેનોટેકનોલોજી ક્ષેત્રમાં ક્ષમતા વૃદ્ધિ, માનવ સંશાધન વિકાસ, આંતરમાળખું, નેનો ઈલેકટ્રોનિક, નેનો મિટીયોરોલોજી, સંશોધન પર ભાર મૂકવાનો કાર્યક્રમ.   

બૌદ્ધિક સંપદા અધિકાર (Intellectual property Right)

 • બૌદ્ધિક સંપદા(IP) એ માનવ જ્ઞાન અને બુદ્ધિ દ્વારા રચિત સંપત્તિની શ્રેણી છે. જેમાં બુદ્ધિના માધ્યમથી શોધ, સાહિત્ય, કલાત્મક કાર્ય, ડિઝાઈન-પ્રતીકો, છબીઓ વગેરે સંપત્તિનો સમાવેશ થાય છે. બૌદ્ધિક સંપદા અધિકારમાં પેટન્ટ, કોપીરાઈટ, ટ્રેડમાર્ક, ભૌગોલિક સંકેતક, ઔદ્યોગિક ડિઝાઈન, લે આઉટ( Layout) વગેરેનો સમાવેશ થાય છે.
 • ભારતમાં આઝાદી પહેલા પણ અંગ્રેજો દ્વારા બૌદ્ધિક સંપદા અધિકારોની જાળવણી માટે નીતિઓ અને અધિનિયમ (જેમ કે, Indian Trade And Merchandise Mark Act 1884, Indian Copyright Act 1914) પસાર કરવામાં આવ્યા હતા. ભારત જ્યારે આઝાદ થયું ત્યારથી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના સ્વતંત્ર્ય અને ઝડપી વિકાસ માટે બૌદ્ધિક સંપદા અધિકારો પર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરાયું છે. પેટન્ટ ક્ષેત્રમાં મજબૂત કાયદા માટે ભારત સરકારે ‘જસ્ટિસ રાજગોપાલા અયંગર સમિતિ’ની રચના કરી હતી. આ સમિતિની ભલામણને આધારે ભારતે પેટન્ટ અધિનિયમ-1970 અપનાવ્યો હતો.
 • વિશ્વ વ્યાપાર સંગઠનની TRIPS (Trade-Related Aspects of Intellectual Property Rights) સંધિ બાદ ભારતમાં બૌદ્ધિક સંપદા અધિકારોના રક્ષણ અને જાગૃતિ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો. ભારતે બૌદ્ધિક સંપદાના આધારે ઔદ્યોગિક વિકાસના રસ્તા પર ધ્યાન આપ્યું. બૌદ્ધિક સંપદા અધિકાર એ નાગરિક હકનું રક્ષણ અને રાષ્ટ્રીય વિકાસમાં પોતાનો ફાળો આપે છે.

IPRમાં ભારતની પ્રગતિ

 • ભારત દર વર્ષે વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંકમાં આગળ વધી રહ્યું છે. વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક-2022માં ભારતનો ક્રમાંક 55 દેશોની યાદીમાં 43મો છે જ્યારે વર્ષ 2015-16માં આ ક્રમાંક 81મો હતો.
 • દર વર્ષે પેટન્ટ અને ટ્રેડમાર્કની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશ પેટન્ટ નોંધણીની સંખ્યા પાછલા સાત વર્ષમાં અંદાજે 50%નો વધારો થયો છે, દેશમાં વર્ષ 2014-15માં પેટન્ટ નોંધણીની સંખ્યા 42763 થી વધી 2021-22માં 66446 સુધી પહોંચી છે.
 • પેટન્ટની ચકાસણી માટે લાગતો સમયગાળો ઘણો ઘટ્યો છે. આ સમયગાળો 2016માં 72 મહિના જેટલો હતો જ્યારે હાલમાં 23 મહિના સુધી સિમિત થયો છે.
 • બૌદ્ધિક સંપદા અધિકારોના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સંસ્થાકીય માળખાને મજબૂત કર્યું છે.
 • IPR જાગૃતિ વૃદ્ધિ માટે શૈક્ષણિક સંસ્થાઓ, ડિજિટલ માધ્યમથી અને જાહેર સંસ્થાઓ દ્વારા IPR નું મહત્વ અને ખાસિયતો જણાવવામાં આવી છે.
 • ભારતને IPR ની મદદથી ‘ડિઝાઈન હબ ઓફ વર્લ્ડ’ બનાવી શકાશે.
 • ભારતમાં પાછલા 75 વર્ષમાં (1940-2015) માત્ર 11 લાખ ટ્રેડમાર્કનું રજીસ્ટ્રેશન થયું છે જ્યારે પાછલા 5 વર્ષમાં 14.2 લાખ ટ્રેડમાર્કનું રજીસ્ટ્રેશન થયું.
 • પેટન્ટ મંજૂરીમાં પાછલા સાત વર્ષમાં 572% વૃદ્ધિ થઈ છે.2013-14માં માત્ર 4227 પેટન્ટ મંજૂરી થી વર્તમાન 28,391 પેટન્ટ મંજૂરી મળી છે.

સરકારનું ધ્યેય મંત્ર, કારથી ક્મ્પ્યૂટર કે સિલાઈ મશીનથી એરોપ્લેન દરેકની બનાવટ માનવતાના કલ્યાણ માટેની ડિઝાઈન દ્વારા તૈયાર થાય, જેમાં IPRનો બહોળો ફાળો હોય.

IPR સાથે સંકળાયેલ કાયદાઓ

 1. પેટન્ટ અધિનિયમ – 1970

જસ્ટિસ રાજગોપાલા આયંગર સમિતિની ભલામણ હેઠળ ભારત સરકારે પેટન્ટ અધિનિયમ-1970ને મંજૂરી આપી. દેશમાં પેટન્ટ અંગેના નિયમો અને પ્રગતિને મજબૂત બનાવવા પેટન્ટ અધિનિયમ-1970 માટે પેટન્ટ, ડિઝાઈન અને ટ્રેડમાર્ક્સ(CGPDTM) કંટ્રોલર જનરલ ઓફિસ જવાબદાર છે. TRIPS સંધિના અનુરૂપ પેટન્ટ અધિનિયમમાં સમયાંતરે સંશોધન કરાય છે. વર્ષ 2005ના સંશોધન દ્વારા ખાદ્ય, દવાઓ, કેમિકલ અને સૂક્ષ્મોજીવો સંબંધિત વિષયોને પેટન્ટ હેઠળ વિકસાવવામાં આવ્યા છે.

 1. ટ્રેડ માર્ક અધિનિયમ – 1999

ટ્રેડ માર્ક અધિનિયમ એ વિવિધ ડિઝાઈન, ચિહ્ન, શબ્દ, વસ્તુને સુરક્ષા, રજીસ્ટ્રેશન અને ટ્રેડમાર્ક વિરુદ્ધના ગુનાઓ અને દંડની જોગવાઈ કરે છે.

 1. કોપીરાઈટ અધિનિયમ – 1957

આ અધિનિયમ ઓરિજિનલ સાહિત્ય, નાટક, સંગીત, કલાત્મક કાર્યો, સિનેમેટોગ્રાફ ફિલ્મો,સાઉન્ડ રેકોર્ડિંગ વગેરેના અનધિકૃત ઉપયોગથી સુરક્ષિત કરે છે. આ અધિનિયમ હેઠળ કોપીરાઈટ બોર્ડની રચના માટે જોગવાઈ પણ છે. આ અધિનિયમ હેઠળ ઓરિજિનલ કાર્યના માલિકને જીવનપર્યંત ઉપરાંત મૃત્યુ બાદ 60 વર્ષ સુધી કોપીરાઈટની સુવિધા મળે છે.

 1. ડિઝાઈન અધિનિયમ – 2000

આંતરરાષ્ટ્રીય કક્ષાના નિયમોમાં ડિઝાઈનો તૈયાર કરવા માટે ભારત સરકારે ડિઝાઈન અધિનિયમ-2000 રજૂ કરવામાં આવ્યો. આ પહેલા ડિઝાઈનોની રક્ષણ માટે ડિઝાઈન એક્સ 1911 હતો. ઓરિજિનલ ડિઝાઈનોને કોપી થતા અટકાવવા માટે ડિઝાઈન અધિનિયમ પસાર કર્યો. જેથી ઔદ્યોગિક, કલાકારો અને સર્જકોની રચનાઓને સુરક્ષા આપી શકાય.

 1. ભૌગોલિક સંકેતક વસ્તુ (નોંધણી અને સંરક્ષણ) અધિનિયમ, 1999

હસ્તકળા, કૃષિ પેદાશો, ઔદ્યોગિક પેદાશો, ખાદ્ય ચીજ વસ્તુઓ, સમૂદાયિક કળાઓને ભૌગોલિક વિસ્તારોની દૃષ્ટિએ સુરક્ષા અને આગવી ઓળખ પ્રદાન કરવા માટે આ અધિનિયમ અમલમાં લાવવામાં આવ્યો. જે વિશ્વ વ્યાપાર સંગઠન(WTO)ની જોગવાઈઓનું પાલન કરે છે. અધિનિયમના માધ્યમથી ભારતની ચીજવસ્તુઓને વિશ્વ વિખ્યાત કરી શકાય છે.

 1. સેમિકન્ડક્ટર ઈન્ટિગ્રેટેડ સર્કિટ્સ લે આઉટ ડિઝાઈન એક્ટ-2000

4 સપ્ટેમ્બર, 2000 ના રોજ આ અધિનિયમ અમલમાં આવ્યો હતો. સેમિકન્ડક્ટર ઈન્ટિગ્રેટેડ સર્કિટ્સ લે આઉટ ડિઝાઈનને અધિકૃતતા સામે રક્ષણ આપે છે. વ્યાપારિક ધોરણે ભારત કે અન્ય કોઈ ભાગમાં રજીસ્ટ્રર લે આઉટ ડિઝાઈનનું અયોગ્ય ઉપયોગ અધિનિયમ મુજબ દંડીનીય જોગવાઈ છે. લે-આઉટ ડિઝાઈન રજીસ્ટ્રી ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.

 1. છોડની પ્રજાતિ અને ખેડૂત અધિકાર સંરક્ષણ અધિનિયમ – 2001 (PPVFRA)

કૃષિ ક્ષેત્રે IPR નું  રક્ષણ કરવા હેતુ આ અધિનિયમ પસાર કરવામાં આવ્યો છે. WTO માં જોડાવ્યા બાદ કૃષિ ક્ષેત્રે IPRના રક્ષણ માટે PPVFRA પસાર કર્યો. જે TRIPS સંધિની જોગવાઈઓનું પાલન કરે છે. અધિનિયમ હેઠળ છોડની પ્રજાતિનું રજીસ્ટ્રેશન, રક્ષણ તેમજ દંડની જોગવાઈઓ છે. 2019ના Pepsico ઈન્ડિયા અને ગુજરાતના ખેડૂતને બટેટાની જાતિ બાબતે વિવાદ ઊભો થયો હતો.

IPRને પ્રોત્સાહન આપવા સરકારના પગલાં

 1. રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા અધિકાર (IPR) નીતિ – 2016
 • વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની આગેવાનીમાં ભારત સરકારે દેશમાં ઉદ્યોગો, નવાચાર, નાણાકીય સહાય વગેરેમાં પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા અધિકાર નીતિ-2016 તૈયાર કરી. આ નીતિ TRIPS સંધિની જોગવાઈઓનું પાલન કરે છે.
 • IPRના મુદ્દાઓ માટે નોડલ એજન્સી તરીકેનું કાર્ય ઔદ્યોગિક અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) કરે છે.
 • નીતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય
 1. IPR વિશે જાગૃતિ
  • સમાજમાં IPRના આર્થિક, સામાજિક અને સંસ્કૃતિક ફાયદાઓની જાહેર જાગૃતિ વધારવી.
 2. કાનૂની અને ધારાકીય માળખું
  • IPR સંબંધિત કાનૂન, નિયમોને મજબૂત અને માળખાગત કરવા, જેથી જાહેર હિત અને IPR માલિક વચ્ચે સંતુલન સાધી શકાય.
 • વહીવટી અને નિયમન
  • IPR વહીવટ સાથે સંકળાયેલ સેવાઓનું આધુનિકીકરણ અને માળખાગત સુધાર કરવો.
 1. IPRનું વાણિજ્યિકરણ
  • IPRના વ્યાપારીકરણથી તેના મૂલ્યમાં વૃદ્ધિ કરવી.
 2. માનવ સંશોધન વિકાસ
  • IPRને મજબૂત બનાવવા માટે તાલીમ, સંશોધન, કૌશલ્ય, અભ્યાસની ક્ષમતાઓ મજબૂત કરી માનવ સંશોધનનો વિકાસ કરવો.
 3. IPRને આગળ વધારવું
  • R&O સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, તકનીકી સંસ્થાઓ, MSME, સ્ટાર્ટઅપ, નવાચારના માધ્યમથી IPR વિકાસને પ્રોત્સાહિત કરવો.
 • અમલીકરણ અને નિર્ણય
  • IPRના ઉલ્લંઘનોને અટકાવવા માટે IPR કાયદાનું અમલીકરણ અને ન્યાયિક પદ્ધતિઓને મજબૂત કરવા.
 • નીતિનું સ્લોગન : રચનાત્મક ભારત, અભિનવ ભારત (Creative India, Innovative India)
 • IPR પ્રમોશન એન્ડ મેનેજમેન્ટ સેલ (CIPAM) :
  • રાષ્ટ્રીય IPR નીતિ-2016ના અમલીકરણને આગળ વધારવાના હેતુથી એક વ્યાવસાયિક સંસ્થા તરીકે CIPAMની રચના કરવામાં આવી છે.
  • CIPAMનો ઉદ્દેશ્ય IPR પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો, IPRની નોંધણીની સંખ્યા વધારવાનો, IP સંપદાનું વાણિજ્યિકરણ કરવા પ્રોત્સાહન આપવાનો, અન્ય સરકારી વિભાગો વચ્ચે IPR માટે સહયોગ વધારવો વગેરે છે.
 • IP Nani પહેલ
  • IP Nani પહેલને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ વર્ષ 2018માં શરૂ કરવામાં આવી.
  • તે તકનીકી આધારિત સિસ્ટમ છે, જે સરકાર અને IPR એજન્સીઓને IPR સામેના ગુનાઓ સામે લડવામાં મદદ કરશે.
  • IP Naniના માધ્યમથી લોકોમાં ખાસ કરીને બાળકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.

IPRના પ્રકારો

 1. પેટન્ટ
  • કોઈ નવી પ્રક્રિયા અથવા ઉત્પાદનમાં નવાચારની શોધ માટે આપવામાં આવતી મંજૂરી એટલે પેટન્ટ. પેટન્ટ ધારક પોતાની શોધ અન્ય વ્યક્તિ માટે ઉપયોગી થશે કે નહીં તેની મંજૂરી આપશે.
  • મંત્રાલય : DPIIT, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
  • સમયગાળો : 20 વર્ષ
 2. ટ્રેડમાર્ક
  • ટ્રેડમાર્ક એટલે નામ, શબ્દ, લોગો, ચિહ્ન, ડિઝાઇન, ચિત્ર અંગેનો સંરક્ષણ દરજ્જો.
  • મંત્રાલય : DPIIT (Department for Promotion of Industry and Internal Trade)
  • સમયગાળો : 10 વર્ષ
 3. કોપી રાઇટ
  • કોપી રાઇટ એટલે કાયદા હેઠળ સાહિત્ય, નાટક, સંગીત, કલા નમૂનો, સિનેમેટ્રિક નમૂનાના ઓરિઝનલ વર્ઝનને સુરક્ષા પૂરી પાડવી.
  • મંત્રાલય : કોપી રાઇટ ઓફિસ, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય
  • સમયગાળો : 60 વર્ષ
 4. ભૌગોલિક સાંકેત
  • કોઈ વિશિષ્ટ ભૌગોલિક ઉત્પાદકને તેની ખાસિયત અને ગુણધર્મોને આધારે આપવામાં આવતો દરજ્જો.
  • મંત્રાલય : DPIIT
  • સમયગાળો : 10 વર્ષ
 5. ડિઝાઇન્સ
  • ઔદ્યોગિક ડિઝાઇન્સમાં ત્રિપરિમાણિક કે દ્વિ-પરિમાણિક પેટર્ન, લાઇન, આકાર અથવા નમૂનો હોય છે.
  • મંત્રાલય : DPIIT
  • સમયગાળો : મુખ્યત્વે 10 વર્ષના સમયગાળા માટે હોય છે, જે રિન્યુએબલ સાથે 5 વર્ષ વધારવામાં આવે છે.
 6. છોડ વિવિધતાનું રક્ષણ
  • છોડની વિવિધતાના દરજ્જાને રક્ષણ આપે છે. ખેડૂતો, ઉદ્યોગો અને છોડ ઉત્પાદકોને નવી છોડની પ્રજાતિઓ ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપે છે.
  • મંત્રાલય : કૃષિ મંત્રાલય
  • સમયગાળો : છોડના સંરક્ષણ દરજ્જાને 15 વર્ષનો સમયગાળો હોય છે.
 1. સેમી કંડક્ટર અને ઇન્ટરનલ લેઆઉટ
 • કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ, વાયરો, ટ્રાન્ઝિસ્ટર વગેરેની બૌદ્ધિક સંપદાના રક્ષણને આ શ્રેણીમાં મૂકવામાં આવે છે.
 • મંત્રાલય : ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
 • સમયગાળો : 10 વર્ષ માટે રક્ષણ પ્રાપ્ત છે.

 

વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભારતની સિદ્ધિઓ

વિશ્વમાં ટેક્નોલોજી વ્યવહારો માટે સૌથી આકર્ષક રોકાણ સ્થળોમાં ભારત ત્રીજા ક્રમે છે. આધુનિક ભારતે વિજ્ઞાન ટેક્નોલોજી ક્ષેત્ર પર મજબૂતી સાથે ધ્યાન કેન્‍દ્રિત કર્યું છે. ભારત એ વૈજ્ઞાનિક સંશોધનના અવકાશ સંશોધન માટેના ક્ષેત્રમાં ટોચના પાંચ રાષ્ટ્રોમાંનું એક હોવાનું ગૌરવ ધરાવે છે.

1) કૃષિક્ષેત્રે

 • ભારતમાં હરિયાળી ક્રાંતિ એ એક ભવ્ય સિદ્ધિ હતી જેણે ભારતમાં ખાદ્યન્ન માટેની વિદેશી દેશો પરની નિર્ભરતાનો અંત લાવ્યો. જેનાથી ભારત ખાદ્યન્નના નેટ આયાતકારના સ્થાને નેટ નિકાસકાર રાષ્ટ્ર બન્યું. ખાદ્યન્નનું ઉત્‍પાદન 1950-51 માં 51 મિલિયન ટનથી વધીને 2021-22 માં  316 મિલિયન ટન થઈ ગયું છે. આ ઉપરાંત, ભારતમાં કૃષિક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ વધવાથી ખેતીમાં સરળતા અને ઉ‍ત્‍પાદનમાં વધારો આવ્યો છે. ઉ.દા. ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ, સેટેલાઈટના ડેટાનો ઉપયોગ, મિશ્ર ખેતી, સુધારેલા બિયારણ, વિકસિત સાધનો અને ટેકનિકો વગેરે.

2)  સંશોધન અને નવીનીકરણ (R & D Innovation)

 • વર્ષ 2022 સુધીમાં R & D પાછળ થનાર ખર્ચને દેશની GDPના લગભગ 2% સુધી પહોંચડવાનું લક્ષ્ય છે. ભારતમાં એન્‍જિનિયરિંગ R & D અને પ્રોડક્ટ ડેવલપમેન્‍ટ માર્કેટ એ 2025ના વર્ષ સુધીમાં 63 બિલિયન ડોલર સુધી પહોંચશે, જેની પહોંચ વર્ષ 2019માં 31 બિલિયન ડોલર હતી. નાણાકીય વર્ષ 2021માં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે 14.97 લાખ રોજગાર પેદા કર્યા હતા. જે ભારતના ટોચના રોજગાર પેદા કરતા ક્ષેત્રોમાંનું એક હતું. ભારતની રાષ્ટ્રીય કૃત્રિમ બુદ્ધિ (AI) અંગેની વ્યુહરચનાના અનુમાન મુજબ AI 2035 સુધીમાં ભારતના વાર્ષિક વિકાસ દરમાં 1.3%નો વધારો કરશે. ભારતે 2014 થી 2021 સુધીમાં પેટન્‍ટની મંજૂરીમાં 572% વૃદ્ધિ નોંધાવી છે.

3)  વૈશ્વિક IT ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન

 • ભારત વિશ્વની IT સેવાઓનો હબ માનવામાં આવે છે. ખાસ કરીને સોફ્ટવેર સેવાઓના નિકાસ ક્ષેત્રે ભારતે ખૂબ પ્રગતિ કરી છે. ભારત IT સેવાઓનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. Tata Consulting Services (TCS) વિશ્વની ટોચની 10 IT કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત Wipro, Infosys વગેરે કંપનીઓ પણ IT ક્ષેત્રે ભારતના યોગદાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
 • ભારતમાં IT ખર્ચ 2021માં 89 બિલિયન ડોલરથી વધીને 2022 101.8 બિલિયન ડોલર સુધી પહોંચશે.

4)  ભારત : વિશ્વની ફાર્મસી

 • ભારત આજે ‘વિશ્વની ફાર્મસી’ નું બિરુદ ધરાવે છે. જેનું કારણ સસ્તી અને અસરકારક દવાઓ અને રસીઓના વૈશ્વિક પુરવઠામાં ભારતનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. સરકારે 1954ના વર્ષમાં હિન્દુસ્તાન એન્‍ટિબાયોટિક્સ લિમિટેડની સ્થાપના કરી હતી. ત્યારબાદ શાંતિ સ્વરૂપ ભટનાગરના પ્રયાસો દ્વારા ઈન્‍ડિયન ડ્રગ્સ રિસર્ચ ઈન્‍સ્ટિટ્યુટ કાઉન્‍સિલનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં, ભારત વૈશ્વિક સ્તરે જેનેરિક દવાઓનો સૌથી મોટો પ્રદાતા છે. તે વિવિધ રસીઓ માટેની વૈશ્વિક માંગના 50%, USમાં 40% (જેનરિક દવાઓની માંગના સંદર્ભમાં) અને UKમાં તમામ દવાઓના 25% થી વધુ સપ્લાય કરે છે. ભારતીય ફાર્માસ્યુટિક્લ માર્કેટ અંદાજે 40 બિલિયન ડોલરનું છે.

5) શિક્ષણ ક્ષેત્રે બદલાવ

 • ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં આવેલા ટેક્નોલોજીકલ બદલાવના કારણે દેશમાં ડિઝિટલ શિક્ષણનો વ્યાપ ખુબ વધ્યો છે. જેના કારણે વૈવિધ્યસભર (એક થી વધુ વિષયોનું) શિક્ષણ મેળવવા માટેના માર્ગો સરળ અને સસ્તા બન્યા છે. આ ઉપરાંત ડિસ્ટન્‍સ લર્નીગ, સમાવિષ્ટ અને સસ્તું શિક્ષણ, ભાષાકીય અવરોધોની ગેરહાજરી, પ્રેક્ટિકલ અન્‍ડરસ્ટેડિંગ, શિક્ષણ માટેના નવા ક્ષેત્રો ઉપલબ્ધ થવા વગેરે ફાયદાઓ થયા છે. ભારતમાં એડટેક (Ed. Tec-Education Technoology) ઉદ્યોગનો વિકાસ. એડટેક ઉદ્યોગનું મૂલ્ય 2020માં 750 મિલિયન ડોલર હતું. જે 2025ના વર્ષ સુધીમાં તે 4 બિલિયન ડોલરના મૂલ્ય સુધી પહોંચવાની અપેક્ષા છે. આ ઉપરાંત, ICT ટેક્નોલોજી દ્વારા મલ્ટિમીડિયા સામગ્રીએ શીખવાના ઔપચારિક અને અનૌપચારિક અનુભવને વધુ અસરકારક, રસપ્રદ અને ઇન્‍ટરેક્ટિવ બનાવ્યો છે.

6)  ભારતની સામાજિક પ્રગતિ

 • આઝાદી બાદ ભારતે તેની ટેક્નોલોજી પ્રગતીની મદદથી વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસો કરેલા છે. જેમ કે, સલામત અને સ્વચ્છ પીવાનુ પાણી અને પૌષ્ટીક ખોરાક પુરો પાડવો (ઉ.દા ફોર્ટીફાઇડ રાઈસ), ગ્રીડ સ્કેલ ઊર્જા સંગ્રહ દ્વારા ઊર્જા જરૂરીયાત સંતોષવી, ઊર્જા-કાર્યક્ષમ ડિસેલિનેશન, મહાસાગરની સફાઈ માટે ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ દ્વારા જીવનધોરણમાં સુધાર, બિમારીઓ સામે રક્ષણ આપવા વિવિધ રસીઓનો વિકાસ અને ઉત્‍પાદન, કુદરતી આપત્તિઓની આગાહીની ટેક્નોલોજી વગેરે આયામોને આવરી લેતી ટેક્નોલોજીનો વિકાસ થવાથી ભારતમાં સામાજિક–આર્થિક પ્રગતિને ટેકો મળ્યો  છે.

7) આરોગ્ય ક્ષેત્ર

 • આઝાદી સમયે ભારતીય નાગરિકોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષ હતું, જે વર્તમાનમાં સરેરાશ 70.19 વર્ષ જેટલું થયું છે. શિશુ મૃત્યુદર જે વર્ષ 1951માં 146 હતો તે 2020માં ઘટીને 28 થઈ ગયો છે. આમ, ટેક્નોલોજીકલ પ્રગતિના કારણે આરોગ્ય ક્ષેત્રે ધરખમ સુધારા થયા છે. વર્તમાનમાં ટેલિમેડિશીન એન રોબોટિક સર્જરી તેમજ વિવિધ આધુનિક ઉપકરણોના ઉપયોગથી આરોગ્ય સેવાઓ એ બધા માટે સરળ, સસ્તી અને ઉપલબ્ધ બની છે.

8) ઔદ્યોગિક વિકાસ

 • ટેક્નોલોજીની મદદથી ઓટોમેશન, સમયની બચત, ગુણવત્તા અને ઉત્‍પાદકતામાં વધારો, જોખમી કાર્યો માટે માનવના સ્થાને રોબોટનો પ્રયોગ, માહિતીનું પૃથક્કરણ (બિગ ડેટા એનાલિસિસ) અને જાણવણી વગેરે સુધાર થવાથી ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસને વેગ મળ્યો છે. આ ઉપરાંત વર્ચુયલ રિયાલીટી, ઓગ્મેંટેડ રિયાલીટી અને 3D પ્રિન્‍ટીંગ વગેરે જેવી ટેક્નોલોજીએ વિકાસના નવા માર્ગો ખોલ્યા છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજીની મુખ્ય સંસ્થાઓ અને કાર્યાલયો

1) ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) : ભારતની અંતરિક્ષ ક્ષેત્રે પ્રગતિ અને ભાગીદારી વધારવા 15 ઑગસ્ટ, 1969ના રોજ ડૉ. વિક્રમ સારાભાઈના નેતૃત્ત્વ હેઠળ ISROની સ્થાપના કરવામાં આવી હતી.

 • મુખ્યાલય : બેંગ્લોર
 • વિભાગ : અંતરિક્ષ વિભાગ ( પ્રધાનમંત્રી કાર્યાલય)
 • ઉદ્દેશ્ય :
 • અંતરિક્ષ પ્રક્ષેપણ સિસ્ટમ અને સેટેલાઇટોની ડિઝાઇન, વિકાસ અને લોન્‍ચિંગ
 • અવકાશ સંપત્તિ અને જટિલ માળખાકીય સુવિધાઓનું સંચાલન
 • અંતરિક્ષ ક્ષેત્રે માનવ સંશાધનનો અને ક્ષમતા નિર્માણને પ્રોત્‍સાહન આપવું

2)  વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR):

        વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)ની સ્થાપના વર્ષ 1942માં એક સ્વાયત્ત સોસાયટી તરીકે કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ હોદ્દાની રૂએ પ્રધાનમંત્રી હોય છે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિક ક્ષેત્રમાં CSIR એ બહુ મોટો ફાળો આપ્યો છે, જેના કારણે ભારતે વિજ્ઞાન, નવાચાર એન તકનીકીમાં બહોળું યોગદાન આપ્યુ છે.

 • મુખ્યાલય : દિલ્હી
 • મહત્ત્વના ક્ષેત્રોમાં યોગદાન : બાયોલોજીકલ સાયન્‍સ, કેમિકલ સાયન્‍સ, એન્‍જિનિયરિંગ સાયન્‍સ, ઈન્‍ફોર્મેશન સાયન્‍સ, પર્યાવરણ સાયન્‍સ, પૃથ્વી વિજ્ઞાન
 • ઉપલબ્ધીઓ : ચૂંટણીમાં વપરાતી શાહી, બાળકો માટે દૂધની બનાવટ કૃષિમાં વપરાતી જંતુનાશક દવા, DNA સંબંધિત શોધો વગેરે.
 • મંત્રાલય : વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય

3) રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)

        DRDOની રચના વર્ષ 1958માં પહેલાંથી કાર્યરત ભારતીય સેનાના ટેકનિકલ ડેવલપમેન્‍ટ એસ્ટાબ્લિશમેન્‍ટ અને ડિફેન્‍સ સાયન્‍સ ઓર્ગેનાઈઝેશન (DSO) સાથે ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એન્‍ડ પ્રોડક્શન (DTDP)ના એકીકરણથી કરવામાં આવી હતી.

 • મુખ્યાલય :  નવી દિલ્હી
 • મંત્રાલય :  રક્ષા મંત્રાલય
 • ઉદ્દેશ્ય : રક્ષા ક્ષેત્રે R & D વિંગ્સ તરીકે કાર્ય કરે
  • રક્ષા ક્ષેત્રે નવી તકનીકો, ઉપકરણોનો વિકાસ અને સંશોધન
  • State-of-the-art હથિયાર પ્રણાલી અને ઉપકરણોનું સ્વદેશી રીતે નિર્માણ

4) ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)

        ICARની રચના 16 જુલાઈ 1929ના રોજ રજીસ્ટર્ડ સોસાયટીના રૂપમાં કરાઈ હતી. જે અગાઉ ‘ઈમ્પિરિયલ કૃષિ અનુસંધાન પરિષદ’ તરીકે ઓળખાતી હતી.

 • મુખ્યાલય : ન્યુ દિલ્હી
 • મંત્રાલય : કૃષિ મંત્રાલય
 • ICAR સમગ્ર દેશમાં બાગાયત, મત્‍સ્યઉદ્યોગ, કૃષિ સંશોધન અને પશુપાલન માટે સંકલન, માર્ગદર્શન અને સંચાલન માટેની સર્વોચ્ચ સંસ્થા છે.
 • યોગદાન : ICARએ હરિત ક્રાંતિમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. ત્યારબાદ કૃષિ વિકાસ અને કૃષિ સંશોધનમાં પણ બહોળો ફાળો છે.

             ICARના યોગદાનના કારણે 1950 થી 2018 સુધી ખાદ્યઉત્‍પાદન 5.6 ઘણું, બાગાયત ઉત્‍પાદન 10.5 ઘણું, મત્‍સ્યઉ‍ત્‍પાદન 16.8 ઘણું, દૂધ ઉ‍ત્‍પાદન 10.4 વધ્યું છે.

5) ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) 

        ICMR એ આયુર્વિજ્ઞાન સંશોધનની રચના, સંકલન અને પ્રોત્‍સાહન માટે ભારતમાં સર્વોચ્ચ સંસ્થા તેમજ વિશ્વની જુની તબીબી સંશોધન સંસ્થાઓમાંની એક છે. ICMRનું નામકરણ 1949માં ઈન્‍ડિયન રિસર્ચ ફંડ એસોસિએશન (IRFA) માંથી કરવામાં આવ્યું હતું.

 • મુખ્યાલય : નવી દિલ્હી
 • મંત્રાલય : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
 • યોગદાન : ICMR એ આયુર્વિજ્ઞાન સંશાધનમાં વૈજ્ઞાનિક પ્રગતિની વધતી જતી માંગ અને સ્વાસ્થ્ય સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો શોધવાની જરૂરિયાતોને ધ્યાને લેવાનો પ્રયત્‍ન કરે છે.

         –  કોરોના મહામારીમાં ICMR એ આરોગ્યલક્ષી સંભાળની કામગીરી બખુબી નિભાવી હતી. તે સિવાય ટી.બી, ડાયાબિટીસ, લેપ્રસી (Leprosy) વગેરે રોગોને નિયંત્રત કરવા સંશોધન પર ભાર મુકવામાં આવ્યો છે.

            – આયુર્વિજ્ઞાનમાં રસી, દવાઓ, સંશોધનોમાં મોટો ફાળો આપ્યો છે.

6) ભાભા એટોર્મિક રિસર્ચ સેન્‍ટર (BARC)

                BARCની સ્થાપના જાન્‍યુઆરી 1954માં હોમી જહાંગીર ભાભા દ્વારા એટોમિક ક્ષેત્રમાં સંશોધન અને ન્‍યુક્લિયર પ્રોગ્રામના વિકાસ હેતુથી કરવામાં આવી હતી.

 • મુખ્યાલય : ટ્રોમ્બે( મુંબઈ, મહારાષ્ટ્ર )
 • મંત્રાલય : એટોમિક ઊર્જા વિભાગ (પ્રધાનમંત્રી કાર્યાલય)
 • BARCના રિએક્ટરો : અપ્સરા, ધ્રુવા, પુર્ણિમા, સાયરસ રિએક્ટર, ઝેરલિના.
 • ઉપલબ્ધીઓ : પાંચ ન્‍યુક્લિયર ઊર્જા રિએક્ટરની સફળતાપુર્વક સ્થાપના. ભારતનું પ્રથમ પ્રેશર હેવી વોટર રિએક્ટર (PHWRs) કલપક્ક્મ ખાતે નિર્મિત કર્યું (80 મેગાવૉટ ક્ષમતાકૃત). હેવી વોટર પ્રોડક્શન, ભાભાટ્રોન-I અને II નિર્માણ વગેરે.

7) નેશનલ ઈન્‍સ્ટિટ્યુટ ઓફ બાયોમેડિકલ જીનોમિક્સ (NIBMG)

        NIBMG એ ભારતમાં બાયોમેડિકલ જીનોમિક્સમાં સંશોધન, તાલીમ, અનુવાદ, સેવા અને ક્ષમતા નિર્માણ માટે પ્રથમ સંસ્થા છે, જેની રચના વર્ષ 2009માં કરવામાં આવી હતી.

 • મુખ્યાલય : કલ્યાણી, પશ્ચિમ બંગાળ, ભારત.
 • મંત્રાલય : બાયો ટેક્નોલોજી વિભાગ (વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલય)
 • ઉદ્દેશ્ય : જીનોમિક્સ અને સંકલિત જીવવિજ્ઞાનનો ઉપયોગ કરીને રોગના પરમાણુ આધારને સમજવાનો તેમજ જીનોમિક લીડ઼્સનું કાર્યકારીકરણ (Functionalization) કરવાનોછે.

        –  બાયોમેડિકલ જીનોમિક્સ માટે આધુનિક ભૌતિક આંતરમાળખું તૈયાર કરવું.

        – જીનોમિક્સ દ્વારા માનવ સ્વાસ્થ્ય અને રોગોની ઊંડાણપુર્વક માહિતી મેળવવી.

વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વની નીતિઓ

1) વૈજ્ઞાનિક નીતિ ઠરાવ – 1958

                આ નીતિનો ઉદ્દેશ્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક સ્વભાવનો પાયો નાખવો અને ભારતભરમાં વૈજ્ઞાનિક સાહસોનો વિકાસ કરવાનો હતો. આ નીતિને કારણે સમગ્ર ભારતમાં ઘણી સંશોધન સંસ્થાઓ અને રાષ્ટ્રીય પ્રયોગશાળાઓની સ્થાપના થઈ.

2) ધ સાયન્‍સ એન્‍ડ ટેક્નોલોજી પોલિસી સ્ટેટમેન્‍ટ – 1983

                આ નીતિનો ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગોને લાભ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થકી તકનીકી સ્વ-નિર્ભરતા હાંસલ કરવી તેમજ બાયોટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં સંશોધનને મજબૂત કરવાનો હતો.

3) વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ – 2003

        આ નીતિનો હેતુ સંશોધન અને વિકાસમાં રોકાણ વધારવાનો છે. આ નીતિ અંતર્ગત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં વૈજ્ઞાનિક અને એન્‍જિનિયરિંગ સંશોધન બોર્ડ (SERB)ની સ્થાપના કરવામાં આવી હતી.

4) વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા નીતિ – 2013

                નીતિનો ઉદ્દેશ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે નવીનતા લાવી ભારતને વિશ્વના ટોચના પાંચ વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રતા ધરાવતા દેશોમાં સામેલ કરવાનો છે. જેના માટે કેન્‍દ્ર અને રાજ્ય સરકારો સાથે ભાગીદારી વધારી અને સમગ્ર ભારતમાં વધુ સંશોધન અને વિકાસ કેન્‍દ્રો સ્થાપવા માટેની જોગવાઇ કરવામાં આવેલ છે.

Leave a Comment

Share this post