આધાર કાર્ડ – UIDAI

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં સુધારા-વધારાને લગતી ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે.

મુખ્ય મુદ્દા

  • આધાર ધારકો તેમના ઘરના વડા (HOF)ની સંમતિ લઇને તેમના આધાર કાર્ડમાં સરનામા વિશેની માહિતી ઓનલાઇન બદલી શકશે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઇ પણ આધાર ધારક ઘરના વડા તરીકે વર્તી શકશે.
  • રેશનકાર્ડ, માર્કશીટ, મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ વગેરે જેવા સરકાર માન્ય પુરાવાઓમાંથી કોઇ પણ એક પુરાવાના ઉપયોગ થકી હાલના સરનામાને અપડેટ કરી શકાશે.
  • ‘માય આધાર’ પોર્ટલ પર જઇને સરનામું બદલવા માંગતા આધાર ધારકે સૌપ્રથમ HOFનો આધાર નંબર દાખલ કરવો પડશે. સબમીટ થયા બાદ 50 રૂ. ફી ચૂકવવી પડશે. ત્યારબાદ, HOF પાસે સર્વિસ રિક્‍વેસ્ટ નંબર આવે છે જેને તેઓ જો નકારે છે તો અપડેશન પ્રક્રિયા આગળ વધતી નથી. (HOF પાસે સ્વીકાર/નકાર માટે 30 દિવસની સમયમર્યાદા હોય છે)
  • UIDAI દ્વારા કહેવામાં આવ્યું છે કે HOFની પૂર્ણ ગોપનિયતા જાળવવામાં આવશે.
  • લોકો વિવિધ કારણોસર દેશમાં આંતરિક રીતે મોટા શહેરો અને નગરોમાં સ્થળાંતર કરી રહ્યા છે, આવી સુવિધાથી લાખો લોકોને તેમના સરનામાના બદલાવ માટે એક સરળ સુવિધા પ્રાપ્ય બનશે.

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)

  • તે આધાર અધિનિયમ, 2016ની જોગવાઈ મુજબ, જાન્યુઆરી 2009માં સ્થપાયેલી એક વૈધાનિક સંસ્થા છે. તે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે.
  • UIDAIને તમામ ભારતીય રહેવાસીઓને 12 અંકનો અનન્ય ઓળખ નંબર (આધાર નંબર) સોંપવાનું કામ સોંપવામાં આવ્યું છે. તે વ્યક્તિઓના આધાર અને બાયોમેટ્રિક ડેટાની સુરક્ષા માટે પણ જવાબદાર છે.
  • UIDAI પાસે મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર છે, જેમાં UIDAIનું મુખ્યાલય, તેની પ્રાદેશિક કચેરીઓ, ટેકનોલોજી કેન્દ્ર અને તેની સાથે સંકળાયેલા સંપર્ક કેન્દ્રોનો સમાવેશ થાય છે, જે UIDAIને એક સપ્તાહની અંદર જ લગભગ 92% ફરિયાદોનું નિવારણ લાવવામાં સક્ષમ બનાવે છે. હાલમાં જ પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ વિભાગ (DARPG) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફરિયાદ નિવારણ સૂચકાંકમાં UIDAI એ ફરિયાદ નિવારણ શ્રેણીમાં તમામ મંત્રાલયો, વિભાગો અને સ્વાયત્ત સંસ્થાઓમાં ટોચનું સ્થાન હાંસલ કરવામાં આવ્યું હતુ.

Leave a Comment

Share this post