CO-WIN પછી, સરકારે U-WIN લોન્ચ કર્યું

ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને ડિજીટાઇઝ કરવા માટે ભારત સરકાર દ્વારા U-WIN ની રજૂઆત

  • ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓમાં પાયલોટ મોડમાં ડિજિટાઇઝ કરવા માટે તાજેતરમાં ભારત સરકાર દ્વારા U-WIN નામના પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી હતી.

U-WIN પ્લેટફોર્મ

  • U-WIN પ્લેટફોર્મ એ COWINની પ્રતિકૃતિ છે, જે જાન્યુઆરી 2021માં 65 જિલ્લાઓમાં રજૂ કરવામાં આવી હતી તેમજ તે ભારતના Covid-19 રોગપ્રતિરક્ષા કાર્યક્રમ માટે ‘ડિજિટલ બેકબોન’ છે.
  • U-WIN પ્લેટફોર્મનો ઉપયોગ દરેક સગર્ભા સ્ત્રીની નોંધણી તેમજ રસીકરણ કરવા, ડિલિવરીના પરિણામની નોંધણી કરવા, દરેક નવજાત ડિલિવરીની નોંધણી કરવા, જન્મ પછી રસીના ડોઝનું સંચાલન કરવા અને ત્યારપછીની તમામ રસીકરણ ઇવેન્ટ્સની નોંધ કરવા માટે કરવામાં આવશે.
  • ઉપરાંત આ પ્લેટફોર્મ રોગ-પ્રતિરક્ષણ સેવાઓ માટે માહિતીના વિશિષ્ટ ભંડાર તરીકે સેવા આપશે, જેમાં એન્ટિજનવાઇઝ કવરેજ પર રિપોર્ટિંગ, રસીકરણની સ્થિતિના અપડેટ્સ અને નિયમિત રસીકરણ સત્રોના આયોજનનો પણ સમાવેશ થાય છે.
  • રસીકરણ માટે કસ્ટમાઇઝ ટ્રેકિંગ, આગામી ડોઝ માટે રીમાઇન્ડર્સ તેમજ ડ્રોપઆઉટ પર ફોલોઅપ આપવા માટે તમામ સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓને ડિજિટલ રીતે રજીસ્ટર કરવામાં આવશે.
  • આ પ્લેટફોર્મ વડે રસીકરણ કવરેજ અને નિયમિત રસીકરણ સત્રો પરનો વાસ્તવિક સમયનો ડેટા આરોગ્યસંભાળ કાર્યકરો અને કાર્યક્રમ મેનેજરો દ્વારા જનરેટ કરવામાં આવશે, જેનાથી રસીકરણના આયોજન અને વિતરણમાં સુધારો કરવામાં પણ મદદ મળશે.
  • U-WIN પોર્ટલ નાગરિકોને નજીકના રસીકરણ કેન્દ્રો માટે એપોઇન્ટમેન્ટ શોધવા અને શેડ્યુલ કરવામાં પણ સક્ષમ બનાવે છે.

સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ

  • સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (Universal Immunization Programme) સૌપ્રથમ વખત 1978માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ‘વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ’ (Expanded Programme of Immunization) તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1985માં જ્યારે વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ શહેરી વિસ્તારોની બહાર લાગુ કરવામાં આવ્યો ત્યારે તેનું નામ બદલીને ‘સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ’ નામ રાખવામાં આવ્યું હતું અને તેના માટે ભારત સરકાર દ્વારા સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
  • સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ થકી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શિશુઓ, બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી રસીઓનું સંચાલન કરવામાં આવે છે.
  • સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ એ વિશ્વના સૌથી મોટા જાહેર આરોગ્ય કાર્યક્રમોમાંનો એક છે, જે દર વર્ષે આશરે 7 કરોડ નવજાત શિશુઓ અને 3.04 કરોડ સગર્ભા સ્ત્રીઓને આવરી લે છે તેમજ આ કાર્યક્રમ અંતર્ગત 1.2 કરોડથી વધુ રસીકરણ સત્રો પણ હાથ ધરવામાં આવે છે.
  • સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 12 રસી, અટકાવી શકાય તેવા રોગો સામે મફત આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે 9 રોગો જેવા કે ડિપ્થેરિયા, પેર્ટ્યુસિસ, ટિટાનસ, પોલિયો, ઓરી, રૂબેલા, બાળપણના ટ્યુબરક્યુલોસિસનું ગંભીર સ્વરૂપ, હેપેટાઇટિસ – બી, મેનિન્જાઇટિસ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ-બી દ્વારા ન્યુમોનિયા માટે રસી આપવામાં આવે છે. જ્યારે ઉપરાષ્ટ્રીય સ્તરે 3 રોગો જેમાં રોટાવાયરસ ડાયેરિયા, ન્યુમોકોકલ ન્યુમોનિયા, જાપાનીઝ એન્સેફાલીટીસ માટે રસી આપવામાં આવે છે.
  • વર્તમાનમાં ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરનો મૃત્યુદર વર્ષ 2014માં 45 પ્રતિ 1,000 જીવંત જન્મોથી ઘટીને વર્ષ 2019માં 35 પ્રતિ 1,000 જીવંત જન્મો જેટલો થયો છે, આમ આ બાબત સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને સૌથી વધુ ખર્ચ અસરકારક જાહેર આરોગ્ય પહેલ બનાવે છે.

Leave a Comment

Share this post