અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇનો પ્રોપર્ટી શૉ યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાહેડ ક્રેડાઇ આયોજિત ૧૭મા ‘પ્રોપર્ટી શૉ’નો અમદાવાદમાં પ્રારંભ કરાવતાં ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ વ્યવસાયીઓને રાજ્ય સરકારે બનાવેલા બી.યુ. પરમિશન સહિતના નીતિ- નિયમોનો વ્યાપક લાભ લેવાં આહવાન કર્યુ હતું.
  • રાજ્ય સરકાર બધાં જ ક્ષેત્રોમાં સર્વગ્રાહી વિકાસ માટે નિયમબદ્ધ રીતે આગળ વધી રહી છે ત્યારે ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ વ્યવસાયીઓ ડેવલપમેન્ટ પ્લાન, બાંધકામ વગેરેમાં સામાન્ય માનવીના હિતને ધ્યાને રાખીને પોતાનું દાયિત્વ નિભાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
  • મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોપર્ટી શૉના આયોજનને અભિનંદન પાઠવતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌને આવાસ મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. સમગ્ર દેશમાં ૧.૩૨ કરોડ જેટલા આવાસો તથા ગુજરાતમાં ૧૦ લાખથી વધુ આવાસો આ યોજના અંતર્ગત નિર્માણ પામ્યા છે.
  • શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વિકસાવેલી વિકાસની રાજનીતિને પરિણામે ગુજરાત દેશનું વિકાસ રોલ મોડેલ બન્યું છે. એટલું જ નહીં, વિદેશી રોકાણકારોની પહેલી પસંદ પણ ગુજરાત બન્યું છે.
  • ગુજરાતની આ અવિરત વિકાસયાત્રાને વધુ ઊંચાઇએ લઇ જવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના શ્વાસના મંત્રથી આગળ ધપવાની નેમ પણ તેમણે દર્શાવી હતી.
  • મુખ્યમંત્રીશ્રીએ બાંધકામ શ્રમિકોને કામકાજના સ્થળે જ રાહત દરે ભરપેટ ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ મોટી બાંધકામ સાઇટના શ્રમિકો લઇ શકે છે તેની પણ વિગતો આ અવસરે આપી હતી.
  • ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના ૧૭મા ‘પ્રોપર્ટી શૉ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૫૦ કરતાં વધુ પ્રૉજેકટ્સની માહિતી ૬૫ સ્ટોલ્સ દ્વારા હેરીજનોને એક જ જગ્યા પરથી ઉપલબ્ધ થઇ હતી.
  • આ પ્રસંગે ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, લઘુ-સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ સહકારમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રેસિડેન્ટ
  • શ્રી તેજસ જોશી, વાઇસ પ્રેસિડેન્ટશ્રી શેખરભાઇ પટેલ તેમજ રાજ્યભરના ડેવલપર્સ અને બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Share this post