સરકારી જંત્રી

ગુજરાત સરકાર દ્વારા 12 વર્ષ પછી સરકારી જંત્રીના દરમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2011માં જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો.

જંત્રી એટલે શું અને કોણ નક્કી કરે છે ?

  • સરળ શબ્દોમાં કહીએ તો સરકારે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેનો એક ચોક્કસ ભાવ નક્કી કર્યો હોય છે જેને જંત્રી દર તરીકે ગણવામાં આવે છે.
  • જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. ગુજરાતમાં જેને જંત્રી કહેવામાં આવે છે તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • જ્યારે આ નક્કી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.

જંત્રીનું મહત્વ

  • જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. બેન્કમાંથી લોન લેવા, લોન ક્રેડિટનો સમયગાળો વધારવા, કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવા, ઇનકમ ટેક્સ ફાઈલ કરવા, વિઝા મેળવવા, આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઈલિંગ વગેરે માટે તેનો ઉપયોગ થાય છે.

જંત્રીનો દર કેવી રીતે નક્કી કરવામાં આવે છે ?

  • જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્‍ચર વગેરેને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે.
  • આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.

કેવી રીતે જંત્રીનો રેટ લાગુ કરવામાં આવે છે ?

  • ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે.
  • ગુજરાતમાં 2006માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ 2008માં થયો હતો. 2011માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે. જેને હાલમાં પણ સર્વેના આધારે જ નક્કી કરવામાં આવ્યો છે.

જંત્રીનો રેટ ક્યાંથી જાણી શકાય ?

  • ગરવી ગુજરાત કે મહેસૂલ વિભાગની વેબસાઈટ પર જઇને જે-તે શહેર, ગામ અને વિસ્તારની વિગતો નાખ્યા બાદ જંત્રીનો રેટ જાણવા મળે છે. અહીં રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, બિન-પીયત, ખેતી-પીયત, બિન-ખેતીનો અને ખેતીલાયક વિસ્તારના જંત્રી રેટ વિશે માહિતી મેળવી શકાય છે.

રેટ વધતા બિલ્ડરોને અસર

  • કોરોના બાદ રીયલ એસ્ટેટ માર્કેટ માંડ માંડ ઉભું થઈ રહ્યું છે. જંત્રીના દર વધતા લોકો માટે ઘર ખરીદવું મુશ્કેલ બની જશે કેમ કે સ્ટેમ્પ ડ્યુટી સાથે દસ્તાવેજ ખર્ચ ડબલ થઈ શકે છે.

Leave a Comment

Share this post