ગ્રીન ડીલ ઈન્‍ડસ્ટ્રીયલ પ્લાન

તાજેતરમાં યુરોપિયન કમિશન દ્વારા યુરોપિયન ઉદ્યોગોમાં સ્પર્ધાત્મકતા અને ટકાઉપણું વધારવા માટે ગ્રીન ડીલ ઈન્‍ડસ્ટ્રીયલ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

ગ્રીન ડીલ ઈન્‍ડસ્ટ્રીયલ પ્લાન વિશે

 • યુરોપિયન કમિશન દ્વારા લાગૂ કરવામાં આવેલ ગ્રીન ડીલ ઈન્‍ડસ્ટ્રીયલ પ્લાન યુરોપના ઉદ્યોગોમાં લાલ ફિતાશાહીને ઘટાડશે અને ઉદ્યોગોને જરૂરી સબસીડી પૂરી પાડશે તેમજ હરિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે.
 • ગ્રીન ડીલ ઈન્‍ડસ્ટ્રીયલ પ્લાન યુરોપમાં લાગૂ કરવા પાછળનું મૂળ કારણ અમેરિકાનો ફૂગાવા નિયંત્રણ અધિનિયમજવાબદાર છે. અમેરિકા દ્વારા ફૂગાવા નિયંત્રણ અધિનિયમહેઠળ અમેરિકાની સ્થાનિક નિર્માણ કંપનીઓને ક્લિન અને ગ્રીન ઊર્જા સ્ત્રોતોના ઉપયોગ પર કરની અમૂક છૂટ આપવામાં આવી છે. જેથી યુરોપની કંપનીઓને નુકસાન વેઠવું પડતું. આમ, અમેરિકાના નિર્ણયને પહોંચી વળવા માટે યુરોપિયન કમિશન દ્વારા ગ્રીન ડીલ ઈન્‍ડસ્ટ્રીયલ પ્લાન લાગૂ કરવામાં આવ્યો છે.
 • યુરોપિયન કમિશન અનુસાર ગ્રીન ડીલ ઈન્‍ડસ્ટ્રીયલ પ્લાન’ ના મુખ્ય ચાર સ્તંભો;
 1. નિયમનકારી માળખું
 2. ભંડોળની ઝડપી પ્રાપ્તિ
 3. કૌશલ્યની વૃદ્ધિ
 4. વેપાર નેટવર્કમાં સુધારો
 • નિયમનકારી માળખું : આ યોજના “નેટ-ઝીરો ઈન્ડસ્ટ્રી એક્ટ” તૈયાર કરવાનો હેતુ ધરાવે છે, જે ઉદ્યોગ નિયમોને સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ અક્ષય ઊર્જા ઉત્પાદન, કાર્બન સંગ્રહ અને નવીનીકરણ હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાઓ જેવા હરિત પ્રોજેક્ટ્સ માટેની મંજૂરી મેળવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે.
 • ભંડોળની ઝડપી પ્રાપ્તી : હરિત પ્રોજેક્ટોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે યુરોપિયન સંઘમાં નિયમોને હળવા બનાવવામાં આવશે. પ્લાન હેઠળ કોઈ નવા નાણાકીય ફંડની જોગવાઈ કરવામાં આવી નથી, પરંતુ હાલમાં કાર્યરત યુરોપિયન સંઘના ફંડમાંથી 250 બિલિયન યુરો અપાશે. ભવિષ્યમાં, રોકાણની જરૂરિયાતોને માળખાકીય રૂપરેખા આપવા માટે “યુરોપિયન સાર્વભૌમત્વ ભંડોળ” ની સ્થાપના કરવાની જોગવાઈ કરાઈ છે.
 • કૌશલ્યો વૃદ્ધિ : આ પ્લાન વ્યૂહાત્મક ઉદ્યોગોમાં કૌશલ્ય અને પુનઃ-કૌશલ્ય કાર્યક્રમો પ્રદાન કરશે. હરિત પ્રસારણને કારણે 30 થી 40 ટકા નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે. તેથી, “ગ્રીન ડીલ ઈન્‍ડસ્ટ્રીયલ પ્લાન” સારી વેતનવાળી અને ગુણવત્તાવાળી નોકરીઓ માટે જરૂરી કુશળતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
 • વેપાર નેટવર્કમાં સુધારો: આ યોજના મુક્ત વેપારના મહત્વને રેખાંકિત કરે છે. જે હરિત પ્રસરણને ટેકો આપવા માટે ભાગીદારો સાથે મુક્ત વેપાર કરારો અને અન્ય સ્વરૂપોના સહકારોમાં વધારો કરે છે.

યુરોપિયન કમિશન

 • યુરોપિયન કમિશન એ યુરોપિયન સંઘનું સ્વતંત્ર રાજકીય કારોબારી અંગ છે.
 • સ્થાપના વર્ષ: 1958
 • હેડક્વાટર : બ્રસેલ્સ (બેલ્જિયમ)
 • ભૂમિકા : યુરોપિયન કમિશન નવા યુરોપિયન કાયદાઓની દરખાસ્તો તૈયાર કરવા માટે જવાબદાર છે. તે યુરોપિયન સંસદ અને યુરોપિયન સંઘ પરિષદના નિર્ણયોને લાગુ કરે છે. કાયદાની દરખાસ્ત અને અમલીકરણ તેમજ નીતિઓ અને યુરોપિયન સંઘ બજેટનો અમલ કરીને યુરોપિયન સંઘના સામાન્ય હિતને પ્રોત્સાહન આપે છે.

Leave a Comment

Share this post