હરીન્દ્ર જયંતીલાલ દવે

હરીન્દ્ર જયંતીલાલ દવે

 • હરીન્દ્ર દવે ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર હતા.
 • મૂળ નામ : હરીન્દ્ર જયંતિલાલ દવે
 • પિતા : જયંતિલાલ
 • માતા : સરિતાબા
 • જન્મ :  19 સપ્ટેમ્બર,1930(ખંભરા, કચ્છ)
 • અવસાન : 29 માર્ચ,1995 (મુંબઈ)
 • વતન : ઉમરાળા (ભાવનગર)
 • તેઓ 1951થી 1962 ‘જનશક્તિ’ના ઉપતંત્રી. 1962થી 1968 ‘સમર્પણ’ના સંપાદક હતા. વર્ષ 1979થી અવસાન પર્યંત ‘જન્મભૂમિ-પ્રવાસી’ના મુખ્ય તંત્રી હતા. 1946માં તેમનું પહેલું કાવ્ય ‘માનસી’ પ્રકાશિત થયું. હરિન્દ્ર દવે એટલે ‘મીણનો માણસ’ એવું કહેવાય છે.
 • ‘આસવ’ (1961) અને ‘સમય’ (1972) એ બે તેમના ગઝલસંગ્રહો છે. ‘રજકણ સૂરજ થવાને શમણે’, ‘કાનુડાને બાંધ્યો છે’, ‘ફૂલ કહે ભમરાને…’, ’ના, મેળે નહિ આવું…’, ‘પાન લીલું જોયું…’ વગેરે એમનાં સ્વરબદ્ધ થવાથી વધુ જાણીતાં થયેલાં કાવ્યમર્મસભર ગીતો છે.
 • ‘અગનપંખી’(1962)થી એમનું નવલકથાલેખન આરંભાયું હતું તથા તેમની બીજી નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ (1966) હતી. ‘અનાગત’ (1968) રચનાની ર્દષ્ટિએ નોંધપાત્ર નીવડેલી લઘુકદ નવલકથા છે. એમની ખૂબ જાણીતી થયેલી નવલકથા ‘માધવ ક્યાંય નથી’ (1970) નારદની માધવદર્શનની ખોજને આલેખે છે. વિવિધ પાત્રોને સંદર્ભે માનવની સુખની શોધની કથા કહેતી ‘સુખ નામનો પ્રદેશ’ (1966), સાધુ-સંતોના આંતર-જીવનના પ્રશ્નોને આલેખતી ‘સંગ-અસંગ’ (1979) અને સમસ્યાકથન તરફ જતી ‘લોહીનો રંગ લાલ’ (1981) જેવી મધ્યમશક્તિની નવલકથાઓ પ્રખ્યાત છે. સામ્પ્રત રાજકારણને કટાક્ષ-લક્ષ્ય કરતી, લેખકની સામાજિક પ્રતિબદ્ધતાને વિલક્ષણ રીતે આલેખતી બીજી જાણીતી નવલકથા ‘ગાંધીની કાવડ’ (1984) એમની પાસેથી મળે છે. આ ઉપરાંત ‘મુખવટો’ (1985) ‘વસિયત’ (1987), ‘નંદિતા’ (1987) જેવી લોકપ્રિય કોટિની નવલકથાઓ પણ એમણે લખી છે.
 • ‘યુગે યુગે’ (1969) તથા ‘સન્ધ્યાકાળે પ્રભાતફેરી’ (1987) નામનાં બે નાટકો પણ એમણે આપ્યાં છે. ‘વેરાતું સ્વપ્ન, ઘૂંટાતું સત્ય’- (1981)માં વર્તમાનપત્રી લેખો છે. ‘ઈશ્વરની આંખમાં આંસુ’ (1985), ‘શબ્દ ભીતર સુધી’ (1987), ‘ઘીના દીવાનો ઉજાસ’ (1988), ‘ધર્મસભા’ (1989) અને ‘ભીતર ઝળાંહળાં’ (1990) એ સંગ્રહોમાં ધર્મ, ઈશ્વર, મૃત્યુ, જીવન-સંદર્ભ આદિ વિષયક નાનામોટા લેખો-નિબંધો છે. કપ ઑવ્ લવ’ (1961) નામે, સ્વામિનારાયણી કવિઓનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ પણ એમણે આપ્યો છે.

સન્માન

 • રણજિતરામ સુવર્ણચંદ્રક 1982
 • ગજલ સંગ્રહ ‘હયાતી’  માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક 1978
 • કબીર સન્માન(મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર) દ્રારા એમની સાહિત્ય પ્રતિભાને પુરસ્કારવામાં આવી
 • પત્રકાર તરીકેની સેવા માટે, 1990નો મહારાષ્ટ્ર ગૌરવ ઍવૉર્ડ અને 1991માં બી.ડી. ગોએંકા ઍવૉર્ડ ફૉર એક્સલન્સ ઇન જર્નાલિઝમ(1990) પ્રાપ્ત થયા.

પંક્તિઓ

 • ચાલ, વરસાદની મૌસમ છે (ગજલ)
 • પાન લીલું જોયુને તમે યાદ આવ્યા (ગીત)
 • જાણીબૂજીને અમે અળગા ચાલ્યા (ગીત)
 • હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી
 • જ્યાં ચરણ રુકે ત્યાં કાશી (ગીત)
 • કોઈ અમથું અમથું કા યાદ આવે (ગીત)
 • મને માર્ગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?

1 thought on “હરીન્દ્ર જયંતીલાલ દવે”

Leave a Comment

Share this post