ઈન્ડિયા એનર્જી વીક

ઊર્જા પરિવર્તન મહાસત્તા તરીકે ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરવાના ભાગરુપે ભારત સરકાર દ્વારા 6 – 8 ફેબ્રુઆરી 2023 દરમિયાન બેંગલુરુ, કર્ણાટક ખાતે સૌપ્રથમવાર ઈન્ડિયા એનર્જી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય મુદ્દા

 • વર્ષ 2040 સુધીમાં ભારતને વૈશ્વિક માંગની કુલ ઉર્જાના 25 ટકાની જરૂર પડશે, તેના જ ભાગરૂપે આ ઈવેન્ટ ભવિષ્યમાં પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના વિકલ્પો માટે રોડમેપ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
 • આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી દ્વારા નવી પહેલો અને પર્યાવરણ મૈત્રી વસ્તુઓને લોન્ચ કરવામાં આવી હતી. જેમ કે, ‘અનબોટલ્ડ’ ઇનિશિએટિવ, ‘ટ્વીન-કુકટોપ ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ’ અને ‘E20 ઇંધણ’.

અનબોટલ્ડ ઇનિશિએટિવ

 • ઈન્ડિયા એનર્જી વીક ઈવેન્ટમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા ‘અનબોટલ્ડ’ પહેલના ભાગરૂપે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ એવા યુનિફોર્મ લોન્ચ કરવામાં આવ્યા હતા. સિંગલ યુઝ પ્લાસ્ટિકને દૂર કરવાના વિઝનથી પ્રેરાઈને ઈન્ડિયન ઓઈલ દ્વારા બનાવવામાં આવેલ આ યુનિફોર્મનો દરેક સેટ લગભગ 28 વપરાયેલી બોટલોને રિસાઈકલ કરીને બનાવવામાં આવ્યો છે.
 • ઈન્ડિયન ઓઈલ દ્વારા આ પહેલ અંતર્ગત દર વર્ષે લગભગ 100 મિલિયન વેસ્ટ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરવામાં આવશે.

ટ્વીન-કુકટોપ ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ

 • વડાપ્રધાનશ્રી દ્વારા ન્ડિયન ઓઈલની ઇન્ડોર સોલાર કૂકિંગ સિસ્ટમના ટ્વીન કૂકટોપ મોડલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. ટ્વીન કુકટોપ મોડલમાં સૌર ઉર્જા સાથે સામાન્ય ઉર્જા સ્ત્રોતોનો પણ એકસાથે ઉપયોગ કરી શકાય છે.
 • ટ્વીન-કુકટોપ મોડલ હાલમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં તેમજ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં તેમાં સંગ્રહિત ઊર્જા વડે રસોઇ બનાવવા સક્ષમ છે.
 • ટ્વિન કૂકટોપની અંદાજિત કિંમત લગભગ નવ હજાર રૂપિયાથી શરૂ થશે.

E20 ઇંધણ

 • વડાપ્રધાન શ્રી દ્વારા E20 ઇંધણનું પણ અનાવરણ કર્યું હતું.
 • E20 એ પેટ્રોલ સાથે 20% ઇથેનોલનું મિશ્રણ છે. ભારત સરકાર વર્ષ 2025 સુધીમાં ઇથેનોલનું સંપૂર્ણ 20% મિશ્રણ હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વર્ષ- 2018માં સરકાર દ્વારા સૂચિત કરાયેલ “જૈવ ઈંધણ પરની રાષ્ટ્રીય નીતિ” અંતર્ગત વર્ષ 2030 સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલને સંમિશ્રણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યુ હતું.
 • 2022ના વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન)ની ઊજવણી દરમિયાન ભારત સરકારે જાહેરાત કરી હતી કે ભારતે પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.

ઈથેનોલ

 • ઈથેનોલ એ જૈવ- બળતણ (Bio- Fuel) છે. જે કુદરતી રીતે યીસ્ટ દ્વારા શર્કરાના આથવણથી કે ઈથિલિન હાઈડ્રેશન જેવી પેટ્રોકેમિકલ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્‍ન થાય છે.
 • ઈથેનોલનો ઉપયોગ વૈકલ્પિક બળતણ સ્ત્રોત હોવા ઉપરાંત રાસાયણિક દ્રાવક તેમજ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં થાય છે.
 • સ્ટાર્ચ બેઝ્‍ડ તમામ પાકોમાંથી ઈથેનોલ મેળવવામાં આવે છે, પણ દુનિયાભરમાં મકાઇ અને શેરડીમાંથી બનાવવામાં આવતા ઈથેનોલનું પ્રમાણ વધુ છે.
 • ભારતમાં મોટાભાગે ઈથેનોલ શેરડીમાંથી આથવણ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે.
 • આમ, ઈથેનોલ છોડ આધારિત બળતણ હોવાથી ઈથેનોલને ‘નવીનીકરણીય’ ગણવામાં આવે છે.

શા માટે ઈથેનોલ મિશ્રણની જરૂરિયાત ઉદ્‌ભવી?

 • વૈશ્વિક પરિવહનક્ષેત્રે ત્રણ મુખ્ય પડકારો છે; (1)અશ્મિભૂત ઈંધણનું અવક્ષયન (2) ક્રુડ ઓઈલના ભાવમાં અસ્થિરતા અને (3) કડક પર્યાવરણીય નિયમો.
 • વૈકલ્પિક ઈંધણ ઉપરોક્ત મુદ્દાઓને સંબોધિત કરી કુલ કરવાનો પ્રયાસ કરી શકે છે.
 • ઈથેનોલ સારી ઈંધણ ગુણવત્તા (ઓક્ટેન આંક વધુ હોવાથી) ધરાવતો હોવાથી તેમજ પર્યાવરણીય ફાયદાઓના કારણે પરિવહન ઈંધણ માટે સૌથી યોગ્ય વિકલ્પો પૈકીનો એક છે.
 • ઈથેનોલ (હાલ મુજબ 65રૂ./લિ) ઓછું પ્રદુષિત બળતણ છે, તેમજ પેટ્રોલ કરતાં ઓછી કિંમતે તેની સમકક્ષ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.
 • ભારત હાલમાં લગભગ 426 કરોડ લીટરની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. વર્ષ 2030 સુધીમાં E20 લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે અંદાજે 1,000 કરોડ લીટરથી વધુ ઈથેનોલની જરૂર પડશે.

E20 ઇંધણના ફાયદા

 • બળતણ તરીકે ના E20 ઉપયોગથી ટુ- વ્હીલર્સમાં 50% અને ફોર વ્હીલર વાહનોમાં 30% જેટલો કાર્બન મોનોક્સાઈડનું ઉત્સર્જન ઘટશે.
 • ઈથેનોલને પેટ્રોલમાં ભેળવીને, પરિવહનીય વાહનો માટે જરૂરી પેટ્રોલની માત્રા ઘટાડી શકાય છે, જેથી આયાતી, મોંઘા અને પ્રદૂષિત પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટાડી શકાય છે.
 • ભારત તેની તેલની જરૂરિયાતના 85% આયાત કરે છે આમ, E20 ના ઉપયોગથી સરકારનું આયાતી ભારણખર્ચ ઘટશે.
 • વર્ષ- 2020-21 માં ભારતની પેટ્રોલિયમની ચોખ્ખી આયાત $551 બિલિયનના ખર્ચે 185 મિલિયન ટન હતી. મોટાભાગના પેટ્રોલિયમ ઉત્પાદનોનો પરિવહન ક્ષેત્રે ઉપયોગ થાય છે, તેથી E20 પ્રોગ્રામથી દેશને વાર્ષિક $4 બિલિયનનો ખર્ચ બચશે.
 • ભારત પાસે જંગી પ્રમાણમાં ખરાબાની જમીન છે તેને ઈથેનોલના પાક માટે ખેતીલાયક બનાવીને ખેડૂતો આવક વધારી શકાય.

ઈથેનોલ સંમિશ્રણ કાર્યક્રમ (Ethanol Blending Programme)

 • ઈથેનોલ એ કૃષિ આધારિત ઉત્પાદન છે, જેનું ઉત્પાદન મુખ્યત્વે ખાંડ ઉદ્યોગની આડપેદાશમાંથી થાય છે.
 • ઈથેનોલ સંમિશ્રિત પેટ્રોલ (EBP) પ્રોગ્રામ જાન્યુઆરી, 2003માં શરૂ કરવામાં આવ્યો હતો.
 • આ કાર્યક્રમ વૈકલ્પિક અને પર્યાવરણ- મૈત્રીપૂર્ણ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ઊર્જા જરૂરિયાતો માટે આયાત- નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરે છે.
 • ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કાર્બન મોનોક્સાઇડ, હાઈડ્રોકાર્બન તેમજ નાઈટ્રોજન ઑકસાઈડના ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.

Leave a Comment

Share this post