ઉત્તરાખંડમાં આ શું થયું !!!

જોષીમઠ સિંકિંગ ઝોન :

 • તાજેતરમાં જ બદ્રીનાથ અને હેમકુંડ સાહિબની મુસાફરી કરતા પ્રવાસીઓ માટે મુખ્ય પરિવહન બિંદુ એવા જોષીમઠમાં જમીન ધસી પડવાને કારણે રસ્તાઓ અને મોટાભાગના મકાનોમાં તિરાડો પડી હતી જેથી સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
 • ઘટના બાદ જોષીમઠને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે તથા અહીં વસવાટ જાહેર ન કરી શકાય તેવા મકાનોમાં રહેતા ઘણાં પરિવારોને અસ્થાયી રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.

જોષીમઠ :

 • જોષીમઠ એ ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં ઋષિકેશ – બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત એક પહાડી શહેર છે.
 • જોષીમઠનું ભૌગોલિક સ્થાન તેને ઉત્તરાખંડ રાજ્યના મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને પ્રવાસી સ્થળો જેવા કે બદ્રીનાથ, ઔલી, હેમકુંડ સાહિબ તથા વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેતા લોકો માટે અગત્યનું પ્રવાસી નગર બનાવે છે.
 • ભારતીય સશસ્ત્રદળોની મહત્ત્વપૂર્ણ છાવણીઓ પૈકી એક જોષીમઠ ખાતે આવેલી છે જેથી તેનું વ્યુહાત્મક મહત્ત્વ પણ વધુ છે.
 • આ ઉપરાંત આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મુખ્ય મઠો (કર્ણાટકમાં શૃંગેરી, ગુજરાતમાં દ્વારકા, ઓડિશામાં પુરી અને ઉત્તરાખંડમાં જોશીમઠ) પૈકી એક હોવાથી તેનું પૌરાણિક મહત્ત્વ પણ રહ્યું છે.
 • ઉલ્લેખનીય છે કે ઋષિકેશ – બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આશરે 6150 ફૂટ ઊંચાઈ પર સ્થિત આ પહાડી શહેર એ ધૌલીગંગા અને અલકનંદા નદીઓના સંગમ સ્થાન – વિષ્ણુપ્રયાગથી તીવ્ર ઢોળાવો પર વહેતા જળપ્રવાહોના કારણે ઉચ્ચ જોખમ ધરાવતા – ભૂકંપગ્રસ્ત ઝોન 5 માં (High risk Seismic Zone 5) શામેલ થયું છે.

પૃષ્ઠભૂમિ :

 • ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વારંવાર ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓના અનુસંધાને વર્ષ 2021 દરમિયાન જોશીમઠ શહેરના રસ્તા અને મકાનોની દિવાલો પર તિરાડો જોવા મળી હતી.
 • વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી દ્વારા વર્ષ 2022ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જોશીમઠની આસપાસનો વિસ્તાર વારંવાર ભૂસ્ખલન થવાથી રચાતા જાડા ભૂ સ્તરોથી ઢંકાયેલો છે.
 • ઉપરાંત વર્ષ 1976માં સરકાર દ્વારા નિયુક્ત મિશ્રા કમિશને પણ પોતાના અહેવાલમાં જોશીમઠ એક પ્રાચીન ભૂસ્ખલન ગ્રસ્ત સ્થળ પર સ્થિત હોવાની માહિતી આપી હતી.
 • આમ, અસ્થિર ભૂરચના ધરાવતા જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં સમયાંતરે કૃત્રિમ બાંધકામોનો દર ઊંચો બન્યો. પરિણામે શરૂઆતથી જ નાજુક ભૂગોળ ધરાવતા આ વિસ્તારમાં અસ્થિરતા વધી હતી.
 • અંતે અસ્થિર ભૂગોળ, બાંધકામ અને કૃત્રિમ દબાણોનો ઉંચો દર, ઋષિ ગંગા પૂર હોનારત, વરસાદી ધોવાણ વગેરે કારણોસર જોશીમઠ વિસ્તાર વર્તમાન સમયે માનવ વસવાટ માટે અયોગ્ય બન્યો હોવાનું રજુ કરાયું હતું.

કારણ

 • જોશીમઠમાં જમીન ધસી પડવાનું પ્રાથમિક કારણ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનનો તપોવન વિષ્ણુમઠ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે. જો કે અન્ય કુદરતી પરીબળોની પાછળ આબોહવા પરિવર્તન પણ એક અગત્યનું પાસું છે.
 • પાછલા કેટલાક દાયકા તથા વર્તમાન સમયે આયોજન વગરના વિકાસ કાર્યો તથા બાંધકામોના કારણે જોશીમઠની અસ્થિર ભૂ પ્રકૃત્તિમાં વધારો થયો હતો.
 • જોશીમઠ તથા તેના આસપાસના વિસ્તારોમાં પાણી, તેલ, કુદરતી ગેસ તથા અન્ય ખનિજ સંસાધનોના પમ્પિંગ તેમજ ખાણકામની પ્રવૃત્તિઓના કારણે જમીનમાં રચાતા પોલાણથી સપાટી પરની જમીન નીચે ધસતી જાય છે. જેને ‘લેન્ડ સબસિડન્સ’ કહે છે.

નિરાકરણ પ્રયાસો/માર્ગો

 • નિષ્ણાંતો દ્વારા આ પ્રદેશમાં આયોજન વગરના વિકાસ કાર્યો તથા હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને સંપૂર્ણ રીતે બંધ કરવાની ભલામણો કરવામાં આવી હતી.
 • સતત બદલાતા રહેતા ભૌગોલિક પરિબળોને ધ્યાને રાખી નગર આયોજનની પુન:કલ્પના કરવી.
 • શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ પ્લાનિંગ મુદ્દે વધુ તપાસ અને આયોજન પૂર્વકનું અમલીકરણ હાથ ધરવું.
 • સંવેદનશીલ સ્થળોએ જમીનની ક્ષમતા જાળવી રાખવા માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) જેવી લશ્કરી સંસ્થાઓ તથા સરકાર અને સ્થાનિકો દ્વારા સંકલિત પ્રયાસ હાથ ધરવા.
 • પૂરતી સંખ્યામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) તથા રાજ્ય સ્તરની ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવી તથા જરૂર પડે હેલિકોપ્ટર દ્વારા હવાઈ સેવાઓ પૂરી પાડવી.

ભૂસ્ખલન :

 • સરળ શબ્દોમાં કહીએ તો પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના સીધા પ્રભાવ હેઠળ જમીન કે ખડકો ઢોળાવ પરથી અચાનક ધસી પડે તે ઘટનાને ‘ભૂસ્ખલન’ કહે છે.
 • સામાન્ય રીતે વધુ પડતા વરસાદ કે ભૂકંપના આંચકાના કારણે ભૂસ્ખલનની ઘટના બનવાની સંભાવનાઓ વધે છે.

Leave a Comment

Share this post