રાજા રવિવર્મા

રાજા રવિવર્મા

  • રાજા રવિવર્મા યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં વિશાળ કદનાં કૅન્વાસ આલેખનાર ભારતના પ્રથમ વિખ્યાત અર્વાચીન ચિત્રકાર તરીકે પ્રખ્યાત છે. તેમનો જન્મ 29 એપ્રિલ 1848ના રોજ કીલીપનૂર, કેરળમાં ત્રાવણકોરના રાજકુટુંબમાં થયો હતો તથા અવસાન 2 ઑક્ટોબર 1906ના રોજ  કેરળમાં થયું હતું. તેમણે ચિત્રકારીના બુનિયાદી પાઠ મદૂરાઈથી શિખ્યા હતા. બાદમાં પાણી રંગોની ચિત્રકારી રામાસ્વામી નાયડુ પાસેથી અને તૈલચિત્રોની કલા ડચ છાયાચિત્રકાર થીઓડોર જેન્સોન પાસેથી શિખ્યાં હતા. કલાસર્જન કરનારા તેમના સમકાલીનોમાં બંગાળી ચિત્રકારો વામાપદ બૅનર્જી અને શશિકુમાર હેશ વગેરે હતા.
  • 1873 માં ચેન્નાઈમાં યોજાયેલા ફાઇન આર્ટ્સ ફેરમાં રવિવર્માએ બે ચિત્રો પ્રદર્શિત કરેલાં. તેમાંના ‘નાયર લેડી એડૉરિંગ હર લૉન્ગ હેર’ને ગવર્નરનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો હતો. ત્રાવણકોરના દિવાન ટી. માધવ રાવની સલાહથી 1894માં રવિ વર્માએ એક લિથોગ્રાફિક પ્રિંટીંગ પ્રેસ ઘાટકોપર, મુબંઈ ખાતે શરૂ કર્યો. જે 1899માં મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે સ્થળાંતરીત કરાયો હતો.
  • મહાભારતના પાત્રો પૈકી દુશ્યંત – શકુંતલા અને નળ – દમયંતિના ચિત્રો એ એમને ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી. તેમના ઘણા ખ્યાતનામ ચિત્રો વડોદરા ખાતે લક્ષ્મી વિલાસ પેલેસમાં સંગ્રહાયેલાં છે. અન્ય કેટલાંક ચિત્રો મૈસૂર અને ત્રાવણકોરના મહેલમાં સચવાયેલાં છે.
  • 1904માં વાઈસરોય લોર્ડ કર્ઝને બ્રિટીશ રાજા તરફથી વર્માને કેસર-એ-હિંદનો સુવર્ણ પદક આપ્યો. જેમાં સૌ પ્રથમ વાર તેમનો રાજા રવિ વર્મા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 2013માં બુધ ગ્રહ પરના એક ક્રેટરને તેમના સન્માનમાં રવિ વર્મા નામ અપાયું છે. ભારતીય કલા જગતના તેમના યોગદાન અનુસંધાને કેરળ સરકાર દ્વારા દર વર્ષે કલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર કલાકારને રાજા રવિ વર્મા પુરસ્કાર અપાય છે.
  • ભારતના નકશા સાથે આલેખાયેલું ‘ભારત માતા’નું ચિત્ર તેમની યાદગાર કૃતિ છે. વ્યક્તિ વિશેષ ચિત્રો આલેખવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી. તેમનાં ચિત્રોમાં પાશ્ચાત્ય શૈલીનો પ્રભાવ હોવાથી ભાવોનું નિરૂપણ કરતાં ટેક્નિકનું પ્રાધાન્ય વધારે જોવા મળે છે.
  • વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને નિમંત્રણ આપીને રાજ-કુટુંબની વ્યક્તિઓનાં ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. સાથે-સાથે કેટલાંક પૌરાણિક પ્રસંગોનાં ચિત્રો પણ બનાવડાવ્યાં હતાં. તેમનાં જાણીતાં ચિત્રોમાં વિરાટનો દરબાર, સરસ્વતીદેવી, અહલ્યા, પોટ્રેટ ઑફ લૅડી, જટાયુવધ, હંસા દમયંતી, લૅડી હૉલ્ડિંગ અ ફ્રુટ, શકુંતલા, પુરુરવા અને ઉર્વશી જેવાં પાત્રોનાં ચિત્રો તથા ભરત અને નળ-દમયંતી જેવાં પૌરાણિક વાર્તા આધારિત ચિત્રોએ તેમને પ્રસિદ્ધિ અપાવી છે. તેમનાં ચિત્રોનો મોટો સંગ્રહ ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં અને વડોદરાની ફતેસિંહરાવ આર્ટ ગેલેરીમાં સંગ્રહીત થયેલાં છે. એમનું અવસાન ઈ.સ. 1906માં થયું હતું.

Leave a Comment

Share this post