‘લઘુતમ વેતન’ને ‘જીવંત વેતન’માં શિફ્ટ કરવાની દરખાસ્ત

લઘુતમ વેતનથી જીવંત વેતનમાં શિફ્ટ કરવાની દરખાસ્ત

 • તાજેતરમાં જ રજૂ થયેલ એક દરખાસ્ત અનુસાર કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશમાં વધુમાં વધુ લોકો ગરીબીમાંથી બહાર આવી શકે તે માટે ‘લઘુતમ વેતન’(Minimum wages)ને બદલે ‘જીવંત વેતન’ (Living wages) અપનાવવાની વિચારણા કરી રહ્યું છે.

જીવંત વેતન શું છે?

 • કોઇ વ્યક્તિ કે કુટુંબ પોતાના માટે પર્યાપ્ત રહેઠાણ, ખોરાક, આરોગ્ય સંભાળ તથા અન્ય મૂળભૂત જરૂરિયાતો સરળતાથી પ્રાપ્ત કરી શકે તથા તેટલી કિંમતો કે ખર્ચ તેને પરવડી શકે તેવી આવક કે વેતનને ‘જીવંત વેતન’ કે ‘Living Wages’ કહે છે.
 • એક દ્રષ્ટિએ જીવંત વેતન એ એક એવી લઘુતમ આવકનું સૂચક છે જે સંતોષકારક જીવન ધોરણ પ્રાપ્ત કરતી વ્યક્તિને ગરીબીમાં પડતી અટકાવે છે.

જીવંત વેતન અને લઘુતમ વેતનઃ તફાવત

 • જીવંત વેતનને સામાન્ય રીતે કામદારો માટે તેમની મૂળભૂત જરૂરિયાતોને સંતોષકારક રીતે પૂરી કરવા જરૂરી લઘુતમ આવક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યારે લઘુતમ આવક એ જે તે વ્યક્તિના કૌશલ્ય સમૂહ અને શ્રમ ઉત્પાદકતા પર આધારિત હોય છે જેમાં કમાનાર વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોનો ખ્યાલ સમાવિષ્ટ હોતો નથી.
 • સરળ શબ્દોમાં કહીએ તો લઘુતમ વેતન એ કોઇ કાયદાના અનુસંધાને મજૂર પોતે કમાઇ શકે તેવી ઓછામાં ઓછી રકમનું સૈદ્ધાંતિક રૂપ છે.
 • જીવંત વેતનથી વિપરીત લઘુતમ વેતનમાં ફુગાવા કે મોંઘવારી અનુસાર બદલાવ થતા નથી, આ પ્રકારનું લઘુતમ વેતન માત્ર સરકારના પ્રત્યક્ષ કે પરોક્ષ હસ્તક્ષેપ દ્વારા જ વધી શકે છે.
 • જીવંત વેતન એ આરામદાયક અને સંતોષકારક જીવન જીવવા માટે થતા સરેરાશ ખર્ચના આધારે નક્કી કરવામાં આવે છે, જ્યારે લઘુતમ વેતન એ સરકાર કે અન્ય જવાબદાર સત્તા દ્વારા નિર્ધારિત નિયત રકમ છે.
 • જે તે વિસ્તારો કે સ્થળો અને ત્યાંના જીવન ધોરણ ખર્ચના આધારે લઘુતમ વેતન અને જીવંત વેતન (Living wages) વચ્ચે 10 થી 25% જેટલો તફાવત જોવા મળી શકે છે.

ભારતના નિર્ણય વિશે

 • દેશમાંથી ગરીબી દૂર કરવા માટે લઘુતમ વેતનમાંથી જીવંત વેતન તરફ સ્થળાંતર કરવાની વાત વિચારણા હેઠળ છે, ત્યારે આ પ્રકારના પરિવર્તનથી ભારત અને સરકાર માટે નોંધપાત્ર નાણાકીય અસરો અને પડકારો ઉભા થશે.
 • છતાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રજૂ કરાયેલા સતત વિકાસના લક્ષ્યો (Sustainable development goals) ની પ્રતિબદ્ધતાઓ સરળતાથી પ્રાપ્ત કરી શકાશે.
 • ભારત આ પરિવર્તનના તબક્કાઓ દરમિયાન આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) પાસેથી સહાય મેળવવાનું આયોજન પણ કરી રહ્યું છે.
 • ઉલ્લેખનીય છે કે ભારત સહિત આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સભ્ય દેશોએ તાજેતરમાં જ (ILO)ના સૈદ્ધાંતિક ખ્યાલો અને સૈદ્ધાંતિક અંદાજો પર સમીક્ષા હાથ ધરીને જીવન-નિર્વાહની સુધારેલી સમજણમાં યોગદાન આપવાની જાહેરાત કરી હતી.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)

 • વૈશ્વિક સ્તરે શ્રમજીવી વર્ગની સ્થિતિ, કામની શરતો તથા જીવનધોરણમાં સુધારો લાવવાની દિશામાં પ્રયત્નશીલ આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે જ ILO.
 • પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વર્સેઇલ્સની સંધિ હેઠળ લીગ ઓફ નેશન્સ (UN ની પૂર્વજ સંસ્થા) સાથે સંલગ્ન છતાં સ્વાયત્ત એવી ILO ની સ્થાપના એપ્રિલ 1919માં કરવામાં આવી હતી.
 • તે વર્ષ 1946માં ખાસ કરાર અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાણ પ્રાપ્ત કરનાર પ્રથમ વિશિષ્ટ સંસ્થા છે.
 • મુખ્ય કાર્યાલયઃ જીનીવા, સ્વિત્ઝર્લેન્ડ
 • ડિરેક્ટર જનરલઃ ગિલ્બર્ટ ઓફ હોંગબો(તેઓ ILO ના 11માં ડિરેક્ટર જનરલ છે.)

Leave a Comment

TOPICS : ,

Share this post