ગુજરાત હાઇકોર્ટ દ્વારા અદાલતોની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં જેમાં પાયલોટ પ્રોજેકટ તરીકે દેશમાં સૌ પ્રથમ વાર રાજયમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્ય મુદ્દા

 • કોર્ટની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેનું દરેક નીચલી અદાલત દ્વારા પાલન કરવામાં આવશે. લાઇવ પ્રસારણ હેતુથી રાજયની જુદી જુદી અદાલતો માટે જરૂરી હાર્ડવેર અને સોફટવેરને પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
 • માર્ગદર્શિકા મુજબ, નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડિંગ માત્ર કોર્ટ ઓથોરિટી જ કરી શકશે. પ્રિન્‍ટ, ઈલેક્ટ્રોનિક મિડીયા દ્વારા કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડિંગ કરવુ નહીં, સોશિયલ પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ આ વિડીયો મુકશે તો તેની સામે કાયદા મુજબ પગલા લેવાશે.
 • લગ્નજીવન સંબંધિત કેસ, બાળકોના દત્તક કે કસ્ટડીના કેસ, આઈપીસીની સેક્શન-376 હેઠળના સેક્સ્યુઅલ ગુનાઓ, મહિલાઓ વિરુદ્ધ જાતિ સંબંધિત ગુના, પોક્સોના કાયદા હેઠળના કેસ, જુવેનાઈલ જસ્ટિસ હેઠળના કેસ, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળના કેસ, ઈન-કેમેરા કાર્યવાહી, ક્રોસ એક્ઝામિનેશન સહિતના પુરાવાના રેકોર્ડિંગ, ચીફ જસ્ટિસની ખંડપીઠે કોઈ કેસમાં ખાસ આદેશ કર્યા હોય તેવા કેસની કાર્યવાહીને જીવંતપ્રસારણથી બાકાત રાખવામાં આવી છે.

હાઈકોર્ટની માર્ગદર્શિકા

 1. કોર્ટનું લાઇવ પ્રસારણ થાય કે નહીં તો પણ તેના ડેટા સ્ટોર રાખવા.
 2. દરેક કોર્ટના લાઇવ પ્રસારણના ઓડિયો-વિડીયો ડેટા રાખવા.
 3. કોર્ટની વેબસાઈડ પર કાર્યવાહીને મુકવી.
 4. વકીલો, પક્ષકારો, સાક્ષીઓ, આરોપીઓ કે અન્ય વ્યક્તિ કે જેને કોર્ટ મંજૂરી આપી છે, તેઓ રજૂઆત સમયે માઈક્રોફોનનો ઉપયોગ કરી શકશે.
 5. લાઈવ સ્ટ્રિમિંગ એટલે લાઈવ ટેલિવિઝન લિંક, વેબકાસ્ટ, ઓડિયો-વિડીયો ટ્રાન્સમિશન વ્યવસ્થા.
 6. કોઈપણ વ્યક્તિ કોર્ટની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ જોઈ શકશે.
 7. દરેક કોર્ટનું કોઝલિસ્ટ વેબસાઇટ પર મુકવું.
 8. કેસની કાર્યવાહી પહેલા કોર્ટ માસ્ટરે દરેકને જાણ કરવાની રહેશે.
 9. હુકમ લખાવતી વખતે કોર્ટ ઈચ્છે તો લાઇવ પ્રસારણને રોકી શકે છે.
 10. પ્રિસાઇડીંગ જજના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

હાઈકોર્ટને લગતી બંધારણીય જોગવાઇઓ

·       બંધારણનાં ભાગ 6માં અનુચ્છેદ 214 થી 231માં હાઇકોર્ટ/વડી અદાલતો (ઉચ્ચ ન્યાયાલય)ની રચના, સ્વતંત્રતા, ન્યાયિક ક્ષેત્ર, શક્તિઓ વગેરે અંગે જોગવાઇ કરવામાં આવી છે.

·       અનુચ્છેદ 217માં ન્યાયાધીશોની નિમણૂક અને હોદ્દા માટેની શરતો (યોગ્યતા)ની જોગવાઇ છે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટ (સર્વોચ્ચ ન્યાયાલય)ના મુખ્ય ન્યાયાધીશ તથા સબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી કરવામાં આવે છે. પરંતુ અન્ય ન્યાયાધીશોની નિયુક્તિ માટે રાષ્ટ્રપતિ દ્વારા ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સબંધિત રાજ્યના રાજ્યપાલ અને સાથે-સાથે તે રાજ્યના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની પણ સલાહ લેવામાં આવે છે.

·       હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય બધા ન્યાયાધીશ 62 વર્ષની ઉંમર સુધી પોતાના પદ પર રહી શકે છે. હાઇકોર્ટના મુખ્ય અને અન્ય ન્યાયાધીશોને તેમના પદ પરથી એ જ પ્રકારે હટાવી શકાય છે જે રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવી શકાય છે. (સિદ્ધ કદાચાર અને અસર્થતાના અધાર પર)

·       હાઇકોર્ટના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાં રાજ્યની સંચિત નિધીમાંથી જ્યારે પેન્શન ભારતની સંચિત નિધીમાંથી આપવામાં આવે છે. હાઇકોર્ટ માત્ર પોતાના પ્રદેશ પૂરતું જ ન્યાયક્ષેત્ર ધરાવે છે જ્યારે સુપ્રીમ કોર્ટનું ન્યાયક્ષેત્ર સંપૂર્ણ દેશ છે.

·       ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ હતા. વર્તમાનમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર છે.

Leave a Comment

Share this post