મૃદુલા અંબાલાલ સારાભાઈ

મૃદુલા અંબાલાલ સારાભાઈ (જન્મ: 6 મે 1911 – અવસાન : 26 ઓક્ટોબર 1974)

  • અમદાવાદ, ગુજરાત અને ભારતના સમાજજીવનમાં સારાભાઇ પરિવારનું યોગદાન સુવિદિત છે. મૃદુલા સારાભાઈ એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા અને રાજકારણી હતા. તેઓ અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીના આઠ બાળકોમાંના એક અને વિક્રમ સારાભાઈના બહેન હતા. 1928માં તેમણે કોલેજના શિક્ષણ માટે ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું પરંતુ પછીના વર્ષે ગાંધીજીની હાકલથી દાંડી સત્યાગ્રહમાં ભાગ લેવા માટે તેમણે શિક્ષણ છોડી દીધું હતું. ગાંધીજીના વિદેશી વસ્તુ અને સંસ્થાનોનો બહિષ્કાર કરવા માટે તેમણે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની ના પાડી દીધી હતી.
  • તેઓ કોંગ્રેસની વાનર સેના (ઇન્દિરા ગાંધી દ્વારા આયોજીત બાળ કાર્યકરોનું એક જૂથ)માં જોડાયા અને સત્યાગ્રહીઓનો સંદેશા મોકલવાનું અને પાણી આપવાનું કાર્ય કર્યું હતું. દાંડી સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બ્રિટિશરોએ તેમની ધરપકડ કરી કેદ કર્યા હતા. 1934માં, તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ગુજરાતના પ્રતિનિધિ બન્યા હતા. 1946માં જવાહરલાલ નેહરુએ તેમની નિમણૂક કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય તરીકે કરી હતી.
  • ભારતના ભાગલા વખતે તેમણે શાંતિ સ્થાપવામાં ભજવેલી ભૂમિકા ભારત અને પાકિસ્તાનના નેતાઓ દ્વારા બિરદાવવામાં આવી હતી. મૃદુલાબેન સારાભાઈએ જ્યોતિસંઘ અને વિકાસગૃહ જેવી સ્ત્રી ઉત્કર્ષની સંસ્થાઓમાં પણ માતબર યોગદાન આપ્યું હતું.  27 ઓક્ટોબર 1974ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમના જીવન અને કાર્યને પ્રમાણતું “રિબેલ વિથ કોઝ”નામે પુસ્તક અપર્ણા બાસુએ લખ્યું છે.

Leave a Comment

Share this post