રક્તપિત્ત માટે રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજના અને રોડમેપ 2023-2027

રક્તપિત્ત માટે રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજના અને રોડમેપ 2023-2027

 • આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં રક્તપિત્તની નાબુદી માટે 2023 થી 2027ના સમયગાળા માટે રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજનાની જાહેરાત તેમજ નિકુષ્ઠ 2.0 પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
 • દર વર્ષે 30 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રક્તપિત્ત વિરોધી દિવસની ઊજવણી કરવામાં આવે છે.

મુખ્ય મુદ્દા

 • આ યોજનાનો ઉદ્દેશ્ય 2027 સુધીમાં દેશમાંથી રક્તપિત્તને નાબૂદ કરવાનો છે.
 • આ વ્યૂહરચના અને રોડમેપ રક્તપિત્ત સામેની ઝુંબેશને આગળ વધારવામાં, રોગના ફેલાવાને અટકાવવા તેમજ કેસ શોધવાના પ્રયાસોની ગતિ વધારવા માટે મજબૂત સર્વેલન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવામાં મદદ કરશે.
 • આ માર્ગદર્શિકા રક્તપિત્તના દર્દીઓમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) સર્વેલન્સ માટે મજબૂત સર્વેલન્સ સિસ્ટમ વિકસાવવા અને ટકાવી રાખવા માટે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડશે, જ્યારે નિકુષ્ઠ 2.0 એ રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ (NLEP) હેઠળ રક્તપિત્તના કેસ મેનેજમેન્ટ માટે એક સંકલિત પોર્ટલ છે, જે ડેટા રેકોર્ડિંની જાળવણીનું કાર્ય કરે છે.
 • ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરીને 2030 સુધીમાં રક્તપિત્ત નાબૂદ કરવાના સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યાંકથી ભારતે ત્રણ વર્ષ વહેલાં (2027) સમગ્ર ભારતમાંથી રક્તપિત્તને નાબુદ કરવાનું મહત્વાકાંક્ષી સ્વ્પન સેવ્યું છે.

ભારતના સંદર્ભમાં રક્તપિત્તના રોગ સામે ભારત સરકાર દ્વારા લેવાયેલાં પગલાં

 • ભારત સરકાર દ્વારા 1954-55ના વર્ષમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ (NLCP) શરૂ કરવામાં આવ્યો હતો. 1982નું વર્ષ આવતાની સાથે રક્તપિત્તની સારવાર માટે મલ્ટી ડ્રગ થેરાપી (MDT)નો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો ત્યારે ભારત સરકાર દ્વારા 1983ના વર્ષમાં દેશના અમુક ભાગમાં પ્રાયોગિક ધોરણે રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ (NLEP) શરૂ કરવામાં આવ્યો હતો. આગળ જતાં, વિશ્વ બેંકની સહાય મળતાં 1993-94થી સમગ્ર દેશમાં NLEPનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આના જ પરિણામે,
 • રક્તપિત્તનો વ્યાપ દર 2014-15માં પ્રતિ 10,000 વસ્તી દીઠ 0.69 થી ઘટીને 2021-22માં 0.45 તેમજ 1,00,000 વસ્તી દીઠ વાર્ષિક નવા કેસનો દર 2014-15માં 9.73 થી ઘટીને 2021-22માં 5.52 થયો છે.

રક્તપિત્ત

 • રક્તપિત્ત જે લેપ્રસી કે હેન્સેન્સ તરીકે પણ ઓળખાય છે તે એક લાંબા ગાળાનો ચેપ છે. આ રોગનું નામ લેટિન શબ્દ લેપ્રા પરથી પડ્યું છે જેનો અર્થ “પોપડી” થાય છે, જ્યારે “હેન્સેન્સ રોગ” નામ ગેરહાર્ડ આર્મર હેન્સેન પરથી પડ્યું છે. લેપ્રસી કીટાણુંજન્ય ચેપી રોગ છે જે માયોબેક્ટેરિયમ લેપ્રે અને માયોબેક્ટેરિયા મેપ્રોમેટોસિસ બેક્ટેરીયા દ્વારા થાય છે.
 • આ રોગ લેપ્રસીગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ઉધરસ મારફતે અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના નાકના પ્રવાહી સાથે સંપર્કમાં આવવાથી તે થાય છે. ગરીબીમાં જીવતા લોકોમાં ગીચ વસ્તી, ગંદકી અને કુપોષણને કારણે રક્તપિત્ત થવાની શક્યતા વધુ હોય છે. પ્રચલિત માન્યતાથી વિપરીત, આ રોગ બહુ ચેપી નથી.
 • રક્તપિત્તના મુખ્યત્વે બે પ્રકાર છે; બિન ચેપી પ્રકાર અને ચેપી રક્તપિત્ત.
 • કઈ પ્રકારનો રક્તપિત્ત થશે તે દર્દીની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) દ્વારા નક્કી થાય છે; જેમ કે, (1) જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તેને ચેપ લાગવા છતાં પણ રક્તપિત્ત થતો નથી (2) જો રોગપ્રતિકારક શક્તિ ચેપના હુમલા સામે લડવામાં નિષ્ફળ નિવડે તો તેને બિન ચેપી પ્રકારનો રક્તપિત્ત થાય છે અને (3) જો રોગપ્રતિકારક શક્તિનો સદંતર અભાવ હોય તો તેવા દર્દીને ચેપી પ્રકારનો રક્તપિત્ત થઈ શકે છે.

રોગના લક્ષણો

 • ચેપ લાગ્યા પછી પાંચ થી વીસ વર્ષ સુધી રોગના કોઈ લક્ષણો દેખાતા નથી. મુખ્યત્ત્વે ત્વચા, ચેતાતંતુ, આંખો અને શ્વસનમાર્ગને અસર કરતા આ રોગમાં નીચે મુજબના લક્ષણો જોવા મળે છે;
 • ચામડી પર આછા ગુલાબી કે તામ્રવર્ણી ચાઠાં.
 • ત્વચા પર ગાંઠ કે ગુમડાં.
 • ચેતાતંતુઓને અસર થવાથી હાથ પગની ત્વચા સ્પર્શ, દુ:ખાવો કે ગરમ-ઠંડાનો તફાવત અનુભવી શકતી નથી.
 • ત્વચાની દુ:ખાવોની અનુભવ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને વારંવાર ધ્યાન બહારની ઈજા થવાના કારણે ચેપથી અવયવો ગુમાવવાનું જોખમ ઊભું થાય છે.
 • નબળી ર્દષ્ટિ જેવા લક્ષણો પણ જણાઈ શકે છે.
 • રોગના આગળના તબક્કામાં નાક જાડું કે ચપટું થઈ જવું, નાકમાંથી લોહી નિકળવું, ચહેરા પર ગાંઠો નિકળવી જેવા લક્ષણોને કારણે ચહેરો બેડોળ બની જવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
 • સારવાર : WHO નિર્ધારીત ગાઈડલાઈન મુજબ મલ્ટીડ્રગ થેરાપી (MDT) તરીકે જાણીતી સારવાર આપવામાં આવે છે. (આ સારવાર નજીકના આરોગ્ય કેન્દ્રમાં વિના મૂલ્યે ઉપલબ્ધ છે) આ રોગમાં કેપ્સોન, ક્લોફાઝેમીન અને રિફામ્પીસીન જેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post