આંધ્રપ્રદેશમાં ઓલિવ રિડલી કાચબાઓના સામુહિક મૃત્યુ

તાજેતરમાં જ આંધ્રપ્રદેશના ગોદાવરી પ્રદેશમાં કાકીનાડા અંતરવેદી વચ્ચેના ઓલિવ રિડલી કાચબાઓના સંવર્ઘન વિસ્તાર આસપાસ ઓલિવ રિડલી કાચબાઓ સામૂહિક ધોરણે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
 • છેલ્લા કેટલાક વર્ષોથી આ કાચબાની પ્રજાતીમાં ઉત્તરોત્તર ઘટાડો થતો નોંધવામાં આવ્યો હોવાથી વૈશ્વિક સ્તરે આ પ્રજાતીના સંવર્ધન માટે સક્રિય પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે, આવા સમયે આ પ્રકારે સામૂહિક મૃત અવસ્થામાં મળેલા ઓલિવ રિડલી કાચબાઓના કારણે સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
 • હાલમાં ઓલિવ રિડલી કાચબાઓની પ્રજનન ઋતુ ચાલી રહી છે. આથી ફેબ્રુઆરી–માર્ચ વચ્ચેના સમયગાળા દરમિયાન હજારોની સંખ્યામાં માદા કાચબાઓ ઈંડા મૂકવા માટે કિનારે આવે છે.
 • કમનસીબે કિનારા આસપાસની માછીમારી પ્રવૃતિના કારણે તથા પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે આ કાચબાની વસ્તી ઘટી રહી છે.

ઓલિવ રિડલી કાચબા

 • વિશ્વમાં જોવા મળતા તમામ દરિયાઈ કાચબાઓમાં સૌથી નાના ઓલિવ રિડલી કાચબા એ પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને હિંદ મહાસાગરોના ગરમ પાણીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.
 • આ કાચબાઓ તેમના અરીબાડા તરીકે ઓળખાતા અનોખા સામૂહિક માળખા માટે જાણીતા છે, જ્યાં હજારો માદા કાચબાઓ ઈંડા મુકવા માટે એક જ દરિયાકાંઠા પર ભેગા થાય છે.
 • કાચબાઓની ઉપરનો ભાગ ઓલિવ રંગનો અને ગોળાકાર હોય છે જેથી તેના આધારે તેમને ‘ઓલિવ’ રિડલી કાચબા તરીકે ઓળખાય છે.
 • તેઓ માંસાહારી છે જે મુખ્યત્વે જેલીફિશ, ઝીંગા, કરચલા, ગોકળગાય વગેરે ખાય છે.
 • આ કાચબાઓ તેમનું સંપૂર્ણ જીવન સમુદ્રમાં વિતાવે છે તથા ખોરાક અને પ્રજનન માટે હજારો કિ.મીનું સ્થળાંતર કરે છે.
 • ઉત્તરોતર ઘટતી સંખ્યાના કારણે IUCN રેડ લિસ્ટ દ્વારા આ પ્રજાતીને ‘સંવેદનશીલ’(Vulnerable) શ્રેણીમાં મૂકવામાં આવી છે.

ભારતમાં ઓલિવ રિડલી કાચબા

 • દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન મોટી સંખ્યામાં આ કાચબાઓ ભારતના પૂર્વકાંઠે ખાસ કરીને ઓડીશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પ્રજનન માટે આવે છે.
 • તેઓ એપ્રિલ-મે માસ સુધી અહીં વસવાટ કરે છે તથા બાદમાં ઇડા માંથી બચ્ચાઓ બહાર આવતા પુન: ઊંડા સમુદ્ર તરફ સ્થળાંતર કરે છે.
 • ઓડિશામાં આવેલા ગાહિરમાથા સમુદ્રી અભ્યારણ્ય એ વિશ્વના સૌથી મોટા સમુદ્રી કાચબાની પ્રજનન વસાહતો ધરાવતા સ્થળ તરીકે ઓળખાય છે.
 • ભારતમાં આ કાચબાઓના સંરક્ષણ અર્થે તેમને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 અંતર્ગત શિડ્યુલ-1ના પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ગાહિરમાથા દરિયાઈ અભયારણ્ય

 • તે વિશ્વમાં સૌથી મોટી ઓલિવ રિડલી કાચબાની પ્રજનન વસાહત ધરાવે છે.
 • વર્ષ 1997માં ઓડિશા સરકારે તેના પર્યાવરણીય મહત્ત્વને ધ્યાને લઈ દરિયાઈ કાચબાઓના સંરક્ષણના પ્રયાસોના ભાગરૂપે કાચબાનું અભયારણ્ય જાહેર કર્યું હતું.
 • તે ભીતર કણિકા રાષ્ટ્રીય ઉદ્યાનનો એક ભાગ છે.

Leave a Comment

Share this post