Program for International Student Assessment

સરકારી શાળાઓમાં ગ્રેડ-યોગ્ય શિક્ષણ પરિણામો હાંસલ કરવાના ઉદ્દેશ્ય તરફ આગળ વધતાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) સાથે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ કસોટી (PISA)નો કાર્યક્રમ હાથ ધરવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

મુખ્ય મુદ્દા

 • રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની વાંચન-ગણિત-વિજ્ઞાનને લગતી એબિલિટીઝ (ક્ષમતા)ને ઓળખવા આવનારા સમયમાં ગુજરાતની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને PISAમાં સહભાગીતા માટે સક્ષમ બનાવવા PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ (PBTS)નું આયોજન કરવામાં આવશે. PISA ટેસ્ટની મુખ્ય તૈયારીઓના ભાગરૂપે OECD દ્વારા આ પ્રકારની PBTSનું આયોજન કરવામાં આવે છે.
 • આનાથી સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પરિણામ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યને હાંસલ કરવામાં મદદ મળશે.

Program for International Student Assessment

 • તે ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા દર ત્રણ વર્ષે હાથ ધરવામાં આવતો એક સંકલિત આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકન સર્વે છે, જે સૌપ્રથમ વર્ષ 2000માં હાથ ધરવામાં આવ્યો હતો. આ મૂલ્યાંકન સર્વે OECD દ્વારા સભ્ય અને બિન-સભ્ય દેશોમાં હાથ ધરવામાં આવે છે.
 • આ કસોટી ટેસ્ટ એ 15 વર્ષની વયના વિદ્યાર્થીઓની તેમના વાંચન, ગણિત અને વિજ્ઞાનના જ્ઞાન તથા કૌશલ્યોનો વાસ્તવિક જીવનના પડકારોને પહોંચી વળવા ઉપયોગ કરવાની ક્ષમતાને માપે છે.
 • તેનો ઉદ્દેશ્ય વિશ્વના દેશોને તેમની શિક્ષણ નીતિઓ અને પરિણામો સુધારવા માટે તુલનાત્મક ડેટા પ્રદાન કરવાનો છે.

ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ

 • 1948માં, માર્શલ પ્લાન (બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના પુનર્નિર્માણ માટેનો કાર્યક્રમ)નું સંચાલન કરવામાં સહાયરૂપ થવા હેતુથી ઓર્ગેનાઈઝેશન ફોર યુરોપિયન ઈકોનોમિક કો-ઓપરેશન (OEEC)ની સ્થાપના કરવામાં આવી હતી, જેનું 1961માં નામ બદલીને OEEC ને ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) કરવામાં આવ્યું, તથા સંસ્થાનું સભ્યપદ નોન-યુરોપિયન દેશો સુધી લંબાવવામાં આવ્યું. જેમ કે, યુ.એસ.એ અને કેનેડા.
 • OECD એ 38 (છેલ્લે જોડાનાર દેશ – કોલંબિયા (2020) અને કોસ્ટા રિકા (2021)) સભ્ય દેશોનું સંગઠન ધરાવતી આંતરરાષ્ટ્રીય સ્તરની આંતર-સરકારી આર્થિક સંસ્થા છે.
 • ભારત તેનું સભ્ય નથી પરંતુ મુખ્ય આર્થિક ભાગીદર દેશ તરીકેનો હોદ્દો ધરાવે છે.
 • OECD નું મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં Chateau de la Muette ખાતે આવેલું છે. નોંધીએ કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સનું સચિવાલય OECD હેડક્વાર્ટર ખાતે આવેલું સ્થિત છે.
 • OECDની સ્થાપના વર્ષ 1961માં વિશ્વ વેપાર અને આર્થિક પ્રગતિને ઉત્તેજન આપવા માટે કરવામાં આવી હતી, જે સભ્ય દેશોને એકબીજાની શ્રેષ્ઠ પ્રથાઓને ઓળખવા અને તેને શેર કરવા અને તેના સભ્ય દેશોની સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય નીતિઓનું સંકલન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
 • મોટા ભાગના OECD સભ્યો ખૂબ ઊંચા માનવ વિકાસ સૂચકાંક (HDI) સાથે ઉચ્ચ આવક ધરાવતી અર્થવ્યવસ્થાઓ છે અને તેમને વિકસિત દેશો તરીકે ગણવામાં આવે છે.

શું અગાઉ ભારત PISA કાર્યક્રમનો ભાગ હતું?

 • 2009માં ભારતે આ પહેલાં માત્ર એક જ વાર PISA ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યાં હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કુલ 73 દેશના વિદ્યાર્થીઓના કરેલા આ કસોટી ટેસ્ટ હેઠળ ભારતનો ક્રમ 72મો રહ્યો હતો (છેલ્લા ક્રમે કિર્ગિસ્તાન હતું. પછીના સમયમાં UPA સરકારે PISAનો બહિષ્કાર કર્યો હતો.
 • પાછળથી, NDA-II સરકારના શાસન દરમિયાન તત્કાલિન માનવ સંસાધન વિકાસ મંત્રાલય (હાલ શિક્ષણ મંત્રાલય) હેઠળ કાર્યરત કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)એ આ બાબતની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી અને કેન્દ્રિય કેબિનેટે 28મી જાન્યુઆરી 2019ના રોજ PISA કાર્યક્રમમાં ભાગ લેવા માટેના કરારને મંજૂરી આપી હતી.
 • PISA ટેસ્ટ 2022માં ભારત તરફથી ચંદીગઢના સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સહિત કુલ 6,300 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. મુખ્ય સર્વેનું પરિણામ હજુ બહાર પડવાનું બાકી છે.
 • PISA ટેસ્ટ 2018 મુજબ ચીન પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાંકે અનુક્રમે ચીન, સિંગાપોર અને એસ્ટોનિયા રહ્યા હતા.
 • યુનેસ્કોના ડેટા મુજબ, ભારત વિદ્યાર્થી દીઠ શિક્ષણ પર સૌથી ઓછો જાહેર ખર્ચ દર ધરાવે છે. ચીન દ્વારા ખર્ચવામાં આવેલા $1,800ની સરખામણીમાં ભારત પ્રતિ વિદ્યાર્થી દીઠ $264 ખર્ચે છે.

Leave a Comment

Share this post