રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ્દ

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ્દ

 • રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામે આ સૂચના જારી કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કેરળના વાયનાડના લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ગેરલાયકાત તેના દોષિત ઠેરવવાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી લાગુ થશે. આ નિર્ણય બંધારણની કલમ 102 (1) (e) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ લેવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

 • આ મામલો 2019નો છે, જ્યારે લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, ‘બધા ચોરની અટક મોદી કેવી રીતે હોઈ શકે’. રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
 • સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જો કે કોર્ટે સજાના અમલ માટે 30 દિવસનો સ્ટે આપી જામીન આપ્યા હતા. નિયમ અનુસાર કોઈપણ સંસદ કે ધારાસભ્યને બે વર્ષની સજા થયા બાદ તેમને સભ્યપદ ગુમાવવું પડે છે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય છે.

રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થવા પાછળના નિયમો અને લિલી થોમસ કેસ

 • લોકસભા સચિવાયલ તરફથી જારી નોટિફિકેશનમાં બતાવાયું છે કે બંધારણની કલમ 102(1)(e) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
 • 1951માં પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​એક્ટ અમલમાં આવ્યો હતો. આ કાયદાની કલમ 8માં લખાયું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય અપરાધિક બાબતે દોષી જાહેર થાય છે તો તે દોષી જાહેર થયાના દિવસથી આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતા નથી. કલમ 8(1) એ એવા અપરાધોનો ઉલ્લેખ કરે છે કે જેના હેઠળ દોષિત ઠેરવવામાં આવતા ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. આ અંતર્ગત બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા લોકો ચૂંટણી લડી શકતા નથી.
 • પરંતુ એમાં માનહાનિનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. ગત વર્ષે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને તેમનું ધારાસભ્યપદ ગુમાવ્યું હતું. કારણ કે તેમણે હેટસ્પીચ આપી હતી.આ કાયદાની કલમ 8(3)માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેની સદસ્યતા તરત જ જતી રહે છે અને આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર રોક લાગી જાય છે

લિલી થોમસ કેસના આધારે લેવાયો નિર્ણય

 • વર્ષ 2005માં કેરળના વકિલ લિલી થોમસ અને લોકપ્રહરી નામના એનજીઓના જનરલ સેક્રેટરી એસએન શુક્લા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે એવી દલીલ કરી કે આ કલમ અપરાધી સાંસદો- ધારાસભ્યોની સદસ્યતાને બચાવે છે.
 • આ નિયમ મુજબ જો કેસ ઉપલી કોર્ટમાં પડતર હોય, તો તેમને અયોગ્ય ઠેરવી શકાતા નથી. આ અરજીમાં તેમણે બંધારણની કલમ 102(1) અને 191(1)ની પણ સાખ આપી હતી. કલમ 102(1)માં સાંસદને અને 191(1)માં વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્યને અયોગ્ય ઠેરાવવાની જોગવાઈ કરેલી છે.
 • 10 જુલાઈ, 2013ના રોજ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એકે પટનાયક અને જસ્ટિસ એસજે મુખોપાધ્યાયની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે કેન્દ્ર પાસે કલમ 8(4) લાગુ કરવાની સત્તા નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો કોઈ વર્તમાન સાંસદ અથવા ધારાસભ્યને દોષી ઠેરાવવામાં આવે છે તો તે જનપ્રતિનિધિ કાયદાની કલમ 8(1), 8(2) અને 8(3) હેઠળ પદથી ગેરલાયક થઈ જશે.

સુપ્રીમકોર્ટના એક ચુકાદાથી કાયદો કડક બન્યો

 • જુલાઈ 2013માં સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ જનપ્રતિનિધિત્વ કાયદો કડક બનાવી દેવાયો હતો. પહેલા નિયમ હતો કે કોઈ સાંસદ કે ધારાસભ્ય બે વર્ષ કે તેનાથી વધારે જેલની સજા પામે તો તેમને ૩ મહિનાનો સમય અપીલ કરવા માટે અપાતો હતો. પછી એ અપીલ પર કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સભ્યપદ જળવાઈ રહે.
 • આ નિયમ હેઠળ નવજોત સિંહ સિદ્ધુને 2007માં રાહત મળી હતી જ્યારે તેમને ત્રણ વર્ષની સજા બિનઈરાદાપૂર્વક હત્યા મામલે સંભળાવાઈ હતી. પણ સુપ્રીમકોર્ટે આ નિયમને ખોટો ઠેરવતા 10 જુલાઈ, 2013ના રોજ તેના એક ચુકાદાથી તેને રદ કરી દીધો હતો. 1 ઓક્ટોબર 2013 ના રોજ, રશીદ મસૂદ નવા માર્ગદર્શિકા હેઠળ સંસદનું સભ્યપદ ગુમાવનાર પ્રથમ સાંસદ બન્યા, જ્યારે તેમને છેતરપિંડી, બનાવટી અને ભ્રષ્ટાચાર માટે ચાર વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post