શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)

ભારતે સપ્ટેમ્બર 2023 સુધી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનું પ્રમુખપદ સંભાળ્યું છે.

 • નોંધીએ કે વર્ષ 2022ની SCO વડાઓની બેઠક ઉઝબેકિસ્તાનના પ્રમુખપદે સમરકંદ શહેર ખાતે આયોજિત કરવામાં આવી હતી, જ્યાં સમરકંદ ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું હતું.

મુખ્ય મુદ્દા

 • પોતાના પ્રમુખપદના કાર્યકાલ દરમિયાન ભારત વરિષ્ઠ અધિકારીઓની ચાર બેઠકો યોજશે તેમજ કાશી (વારાણસી)માં રાષ્ટ્રીય સંયોજકોની બેઠક અને મુંબઈમાં SCO ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. ભારત SCO જૂથની વિદેશી, સંરક્ષણ અને NSA-સ્તરની બેઠકો પણ યોજશે.
 • SCO આ વર્ષે સૂરજકુંડ મેળા માટે ભાગીદાર સંસ્થા પણ છે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન

 • પોતાના પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા રચાયેલું કાયમી આંતરરાષ્ટ્રીય આંતર-સરકારી સંસ્થાન એવું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એક યુરેશિયન રાજકીય, આર્થિક અને લશ્કરી સંગઠન છે.
 • 1996ના વર્ષમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, રશિયા અને તાજિકિસ્તાન દ્વારા પોતાના સરહદી પ્રદેશોમાં સૈન્ય સહકાર સ્થાપવા માટે ‘શાંઘાઈ ફાઈવ’ નામે જૂથની રચના કરવામાં આવી હતી.
 • 15 જૂન 2001ના રોજ ચીન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનના વડાઓ નવા સંગઠનની જાહેરાત કરવા માટે ચીનના શાંઘાઇ શહેર ખાતે એકત્રિત થયા હતા. SCO ચાર્ટર પર વર્ષ 2002માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને અને 2003થી તે ચાર્ટર અમલમાં આવ્યો છે. આમ, SCO એ શાંઘાઈ ફાઈવની અનુગામી સંસ્થા છે.
 • જૂન 2017માં કઝાકિસ્તાનના અસ્તાના ખાતે યોજાયેલી SCOની સમિટમાં ભારત અને પાકિસ્તાનને SCO સંગઠનના સંપૂર્ણ સભ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
 • હાલમાં (જાન્યુઆરી, 2023ની સ્થિતિએ) SCOમાં નીચે મુજનના 8 સ્થાયી સદસ્યો છે ; ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન. (આગામી વર્ષ 2023માં SCO વડાઓની બેઠક દરમિયાન સત્તાવાર રીતે ઇરાનને SCOના સ્થાયી સદસ્ય તરીકે સમાવેશ કરવામાં આવનાર છે.)
 • નોંધીએ કે મધ્ય એશિયાઈ દેશ તુર્કમેનિસ્તાન તેની ‘સકારાત્મક તટસ્થતા’ની નીતિને કારણે SCOમાં જોડાયું નથી.
 • અફઘાનિસ્તાન, બેલારુસ અને મંગોલિયા એ નિરીક્ષક દેશો છે.
 • આર્મેનિયા, અઝરબૈજાન, કંબોડિયા, ઇજિપ્ત, નેપાળ, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા અને તુર્કી એ સંવાદ ભાગીદાર દેશ તરીકેની ભૂમિકા નિભાવે છે.
 • SCOની અધ્યક્ષતા તેના સભ્ય દેશો દ્વારા કરવામાં આવે છે, જે દર વર્ષે રોટેશન દ્વારા અધ્યક્ષ પદ પર કાર્ય કરે છે.
 • SCOમાં ઉપયોગમાં લેવાતી સત્તાવાર ભાષાઓમાં રશિયન અને ચાઇનીઝનો સમાવેશ થાય છે તેને સંલગ્ન કાયમી સંસ્થાઓ નીચે મુજબ છે;
 1. બેઇજિંગ ખાતે આવેલું SCO સચિવાલય,
 2. તાશ્કંદ ખાતે આવેલ પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું (RATS)ની કાર્યકારી સમિતિ.

SCOનું મહત્વ

 • SCO એ વૈશ્વિક વસ્તીના 40%, વૈશ્વિક GDPના લગભગ 20% અને વિશ્વના ભૂમિ સમૂહના લગભગ 22% ભાગને આવરી લે છે.
 • વળી તેના ભૌગોલિક સ્થાન અને વિસ્તારને કારણે તે એશિયામાં વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે અને એક રીતે સમગ્ર મધ્ય એશિયાને નિયંત્રિત કરવા અને આ ક્ષેત્રમાં અમેરિકન પ્રભાવને મર્યાદિત કરવા સક્ષમ બનાવે છે. આથી જ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનને ઘણીવાર નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ના પ્રતિરૂપ તરીકે પણ જોવામાં આવે છે.

RATS વિશે

 • RATS) એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની કાયમી સંસ્થા છે. તેનો ઉદ્દેશ્ય સભ્ય દેશોને લડાઈ, ઉગ્રવાદ, આતંકવાદ અને અલગતાવાદ સામે લડવામાં મદદ કરવાનો છે. RATs ના વડા ત્રણ વર્ષની મુદત માટે ચૂંટાય છે. ભારત 28 ઓક્ટોબર, 2021 થી SCO RATS કાઉન્સિલના અધ્યક્ષ છે.
 • RATSની રચના વર્ષ 2004માં SCOની તાશ્કંદ (ઉઝબેકિસ્તાન) ખાતે યોજાયેલ બેઠક દરમિયાન કરવામાં આવી હતી. RATS આતંકવાદ, સુરક્ષા, માદક દ્રવ્યોની હેરાફેરી, અપરાધ અને સાયબર યુદ્ધની ચિંતાઓ પર સભ્ય દેશો વચ્ચે સહયોગ અને સંબંધોને આગળ વધારવાનું કાર્ય કરે છે. વર્ષ 2017માં સામયિક ‘ધ ડિપ્લોમેટ’ એ અહેવાલ આપ્યો હતો કે RATS દ્વારા 600 જેટલા આતંકવાદી કાવતરાઓને નિષ્ફળ કર્યા હતા. અને 500 આતંકવાદીઓને પ્રત્યાર્પણ કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Share this post