Skyhawk : ભારતનું સૌપ્રથમ એવું 5G- સક્ષમ ડ્રોન

ટેક સ્ટાર્ટઅપ ફર્મ IG Drones દ્વારા તાજેતરમાં ભારતનું સૌપ્રથમ એવું 5G- સક્ષમ ડ્રોન (5G enabled drone) વિકસાવવામાં આવ્યું છે.

5G- સક્ષમ ડ્રોન વિશે

  • આ ડ્રોનને ‘સ્કાયહોક (k)’ નામ આપવામાં આવ્યું છે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને થર્મલ ઈમેજિંગ જેવી ક્ષમતાઓથી સજ્જ છે.
  • તેનો ઉપયોગ ડિફેન્સ અને મેડિકલ એપ્લિકેશન સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ થઈ શકે છે.
  • તે 10 કિલોના પેલોડ સાથે સતત 5 કલાક ઉડવા સક્ષમ છે. ડ્રોન તેની મહત્તમ ઝડપે 12 થી 15 મિનિટમાં 100 કિમીની મુસાફરી કરી શકે છે. તે IP67 રેટેડ છે અને તેને NavIC + GPS નેવિગેશન ઉપગ્રહોના સંયોજન થકી નિયંત્રિત કરી શકાય છે. વધુમાં જો ઈન્ટરનેટ લિંક ઉપલબ્ધ ન હોય તો ડ્રોન સેટેલાઈટ્સ દ્વારા પણ કાર્ય કરવા સક્ષમ છે.
  • 5G સેવાઓ પૂરી પાડતા ટેલિકોમ સેવા પ્રદાતાઓની મદદથી તેને વધુ ચોકસાઈથી સંચાલિત કરી શકાય છે. આ 5G-સક્ષમ ડ્રોનને ક્ષેત્રમાં રહેવાને બદલે સીધા કમાન્ડ સેન્ટરથી નિયંત્રિત કરી શકાય છે.
  • તે વર્ટિકલ ટેક-ઓફ તથા લેન્ડિંગ માટે સક્ષમ છે. વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (VTOL) ની સુવિધાને લીધે, તેને ટેક-ઓફ અથવા લેન્ડિંગ માટે કોઈ ખાસ રનવે અથવા ટ્રેકની જરૂર નથી. આ ફીચરને કારણે તેને કોઈપણ વિસ્તારમાં ઓપરેટ કરી શકાય છે.

5G-સક્ષમ ડ્રોનની ઉપયોગિતા

  • આ પ્રકારના 5G- સક્ષમ ડ્રોનનો ઉપયોગ ખાસ કરીને તબીબી હેતુઓ માટે થઈ શકે છે. આ ડ્રોનને મેડિકલ અને ડિફેન્સ સેક્ટરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને થર્મલ ઇમેજિંગ ક્ષમતાઓને કારણે, આ ડ્રોનનો ઉપયોગ સરહદી ઘૂસણખોરી પર નજર રાખવા અને સંરક્ષણ દળો દ્વારા નિયમિત પટ્રોલિંગ જેવી પ્રવૃત્તિઓ માટે ઉપયોગી નીવડશે. આવા 20-30 ડ્રોન તૈનાત કરીને, દરરોજ 100-200 કિલોમીટરના વિસ્તાર પર નજર રાખી શકાય છે.

IG Drones

  • IG Drones એ ભારત સ્થિત ટેક કંપની છે જે ડ્રોન સર્વે, મેપિંગ અને નિરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આ કંપનીએ ઘણી રાજ્ય સરકારો અને કુલ 30 – મોટા જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. તેની સ્થાપના ઓડિશાના સંબલપુરમાં વીર સુરેન્દ્ર સાઈ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે.
  • તે ઇમરજન્સી રિસ્પોન્સ અને ડિઝાસ્ટર મેપિંગમાં પ્રથમ પ્રતિભાવકર્તાઓને મદદ કરવાની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે નવી ટેક્નોલોજી આધારિત આપત્તિ પ્રતિભાવ અને શમનનો વિકાસ કરી રહી છે. ડ્રોન અને GIS ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, તેમણે આસામ પૂર, અમ્ફાન ચક્રવાત, ફાની ચક્રવાત અને ઓડિશામાં જાજપુર પૂર, મહારાષ્ટ્ર પૂર અને ઉત્તરાખંડ ક્લાઉડબર્સ્ટ જેવી રાષ્ટ્રીય આપત્તિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે.

ડ્રોન

ડ્રોન જેને અન્ય શબ્દોમાં માનવરહિત હવાઈ વાહન (Unmanned aerial Vehicle) કહેવાય છે. ડ્રોન એ કોઈપણ માનવ પાઈલટ, ક્રૂ અથવા મુસાફર વગરનું વિમાન છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એરક્રાફ્ટ અધિનિયમ 1934 હેઠળ ડ્રોન નિયમો-2021 ઘડવામાં આવ્યા છે તેમજ ‘ડિજિટલ સ્કાય પોર્ટલ’ હેઠળ સરળ ડ્રોન રજિસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

UAV એ માનવ રહિત એરક્રાફ્ટ સિસ્ટમનો એક ઘટક છે, જેમાં ગ્રાઉન્ડ-આધારિત નિયંત્રક અને UAV સાથે સંચારની સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.

આજના આધુનિક જમાનામાં વિમાનનો ઉપયોગ વ્યાપારિક, સામાજિક કે સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવે છે. સરકારો હવે ડ્રોનના ઉપયોગ અને નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ડ્રોન નિયમો, 2021 ( Drone Rules, 2021)

ડ્રોન નોંધણી : દરેક ડ્રોનને તેમના સ્થાન, ઊંચાઈ, ઝડપ વગેરેને અનુલક્ષીને અનન્ય ઓળખ નંબર (Unique Identification Number)આપવામાં આવશે.

ડિજિટલ સ્કાય પોર્ટલ : ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ એ એક વિશિષ્ટ પ્રકારની માનવરહિત ટ્રાફિક મેનેજમેન્ટ (UTM) સિસ્ટમ છે જે દરેક ડ્રોન ફ્લાઇટ માટે ઑપરેટરોને ત્વરિત (ઓનલાઈન) ક્લિયરન્સ આપવા ઉપરાંત ડ્રોન અને ઑપરેટર્સની નોંધણી અને લાઇસન્સિંગની સુવિધા પુરી પાડે છે. ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા ડ્રોનની દરેક ફ્લાઇટ પર નજર રાખવામાં આવશે.

વ્યવસાય કરવાની સરળતા : નવા ડ્રાફ્ટ નિયમો ઉદ્યોગો માટે વ્યવસાય કરવાની સરળતા પ્રદાન કરે છે. અગાઉ 25 ફોર્મ ભરવામાં આવતા હતા જે હવે ઘટાડીને 5 કરવામાં આવ્યા છે.

વિવિધ ડ્રોન ઝોનમાં વિભાજન

ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર દેશને લીલા, પીળા અને લાલ ઝોનમાં વિભાજીત કરતો ઇન્ટરેક્ટિવ એરસ્પેસ નકશો તૈયાર કરવામાં આવશે.

ગ્રીન ઝોન : ભારતની જમીન અથવા પ્રાદેશિક પાણી પરના એરસ્પેસમાં 400 ફૂટ અથવા 120 મીટર સુધી અને  કાર્યરત એરપોર્ટની પરિમિતિથી 200 ફૂટ અથવા 60 મીટરના વર્ટિકલ અંતર સુધી

યલો ઝોન : આ ઝોનમાં ડ્રોનની ઉડાન ભરવા માટે એર ટ્રાફિક કંટ્રોલ ઓથોરિટીની પૂર્વ મંજૂરી જરૂરી છે. આમાં ગ્રીન ઝોન દ્વારા નિર્દિષ્ટ વર્ટિકલ અંતરની ઉપરના એરસ્પેસનો સમાવેશ થાય છે.

રેડ ઝોન : UAVના ઉપયોગ પર પ્રતિબંધિત છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા પરવાનગી આપવામાં ન આવે.

Leave a Comment

Share this post