NSE ને સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટેની મંજૂરી

મૂડી બજારના નિયમનકાર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા તાજેતરમાં ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જોમાંનું એક એવા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાને એક અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE)ની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

  • નોંધીએ કે અગાઉ સૌથી જૂના એવા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને પણ સોશિયલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) શું છે

  • SSE એ સ્ટોક એક્સચેન્જ સેક્ટરમાં નવો કોન્સેપ્ટ છે. નોંધનીય છે કે, પ્રથમ વખત કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા નાણાકીય વર્ષ 2019-20ના બજેટ ભાષણમાં સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE)નો ઉલ્લેખ કરાયો હતો. સેબી દ્વારા રચાયેલ કાર્યકારી જૂથ અને તકનીકી જૂથની ભલામણોના આધારે આ માટેનું માળખું જુલાઈ, 2022માં બહાર પાડવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી અને બિન-લાભકારી ક્ષેત્રોને વધુ ભંડોળ એકત્ર કરવાની તક આપવાનો છે. આમ, સોશિયલ સ્ટોક એક્સચેન્જ એક રીતે, તે સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓને બજારમાંથી ભંડોળ એકત્ર કરવામાં મદદ કરશે.
  • સરળ શબ્દોમાં કહીએ તો SSE એ સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ અને સંગઠોને બજારમાંથી ભંડોળ એકત્ર કરવામાં મદદ કરશે. જેનો અર્થ છે કે હવે પ્રાઈવેટ કંપનીઓની જેમ સોશિયલ એન્ટરપ્રાઇઝિસ (બિનલાભકારી સંસ્થા (NPO) અને તેવી અન્ય સંસ્થાઓ) પણ પોતાને શેરબજારમાં લિસ્ટેડ કરીને ફંડ ભેગું કરી શકશે. વિશ્વના ઈંગ્લેન્ડ, કેનેડા અને બ્રાઝિલ જેવા દેશો પહેલાંથી જ SSE પર કામ કરી રહ્યા છે.
  • સામાજિક સાહસોએ નિયમનકાર દ્વારા સૂચિબદ્ધ 16 વ્યાપક પ્રવૃત્તિઓમાંથી એકમાં કામ કરવું પડશે. તેમાં ભૂખમરો, ગરીબી, કુપોષણ અને અસમાનતા નાબૂદી, આરોગ્ય સંભાળનો ફેલાવો, શિક્ષણને ટેકો, રોજગારલક્ષી, આજીવિકાલક્ષી અને મહિલાઓના સશક્તિકરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
  • સામાજિક સાહસો તરીકે ઓળખાવા માટે, જે-તે સંસ્થાઓએ દર્શાવવું પડશે કે તેમની 67% પ્રવૃત્તિઓ સેબી દ્વારા સૂચિબદ્ધ 16 વ્યાપક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. જેમાં ભૂખમરો, ગરીબી, કુપોષણ અને અસમાનતા નાબૂદી, આરોગ્ય સંભાળનો ફેલાવો, શિક્ષણને ટેકો, રોજગારલક્ષી, આજીવિકાલક્ષી અને મહિલાઓના સશક્તિકરણ જેવી પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે.

SSE કેવી રીતે કાર્ય કરશે?

  • દેશના તમામ નાગરિકોને સોશિયલ સ્ટોક એક્સચેન્જનો લાભ મળશે. આ માટે ઇલેક્ટ્રોનિક ફંડ રેઇઝિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જેથી સામાજિક સુધારણા માટે કામ કરતાં સંગઠનો અને ઓર્ગેનાઇઝેશન્સને કાયદેસર રીતે લિસ્ટ કરી શકાય અને ફંડ એકઠું કરી શકાય. હવે સામાન્ય માણસ/રોકાણકારને NGOના શેર ખરીદવા અને વેચવાની તક મળશે. એક રીતે, તે શેરબજારની જેમ જ કાર્ય કરશે.

પાત્રતા માપદંડ

  • સોશિયલ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થવા માટે, બિન-લાભકારી સંસ્થા સંબંધિત રાજ્યના કાયદા હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલ હોવી જોઈએ અથવા સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860, અથવા ઈન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882 હેઠળ નોંધાયેલ હોવું જોઈએ અથવા કંપની એક્ટ 2013ની કલમ 8 હેઠળ નોંધાયેલ હોવું જોઈએ.
  • સંસ્થાએ અગાઉના નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 50 લાખના ખર્ચ અને ઓછામાં ઓછા રૂ. 20 લાખના ભંડોળનું ઓડિટ કરેલ હોવું જોઈએ.
  • સેબીના માળખા હેઠળ , આવી સંસ્થાઓ નોંધણીના પ્રમાણપત્ર મુજબ ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે સેવામાં હોવી જોઈએ.
  • વિદેશી રોકાણકારો માટે સોશિયલ સ્ટોક એક્સચેન્જનો લાભ લઇ શકશે નહીં.
  • કંપની કોઈપણ પ્રકારની તપાસ હેઠળ ન હોવી જોઈએ.

Leave a Comment

TOPICS : , ,

Share this post