સોલાર મિશન આદિત્ય એલ-1

સંભવત: જૂન-જુલાઈ, 2023 દરમિયાન લોન્ચ થનાર દેશના સૌપ્રથમ સૂર્યયાન મિશન આદિત્ય L-1 અવકાશયન માટે તાજેતરમાં ઇસરોને વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) પેલોડ સોંપવામાં આવ્યું છે.

મુખ્ય મુદ્દા

 • આ પેલોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા તૈયાર થયેલુ છે.
 • VELCએ આ સૂર્યયાનના સાત પેલોડમાંથી સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક પેલોડ છે.
 • VELCને બનાવવામાં 15 વર્ષથી વધુ સમય લાગ્યો છે.
 • આ પેલોડમાં લગાવવામાં આવેલો સાયન્ટિફિક કેમેરા ખુબ સારા રિઝોલ્યુશવાળા ફોટા મોકલશે.
 • ભારતના આ સૂર્યયાન મિશનમાં કુલ 7 પેલોડ છે. જેમાંથી છ પેલોડ ઈસરો અને એક અન્ય સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

સૂર્યનો અભ્યાસ શા માટે જરૂરી છે?

 • પૃથ્વી સહિત દરેક ગ્રહ અને સૌરમંડળની બહાર, એક્સોપ્લેનેટની સંખ્યા વધી રહી છે, અને આ વૃદ્ધિનું નિયંત્રણ મુખ્ય તારા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
 • સૌર હવામાન અને વાતાવરણ, જે સૂર્યમાં અને તેની આસપાસ બનતી પ્રક્રિયાઓ દ્વારા નક્કી થાય છે, તે સમગ્ર સૂર્યમંડળને અસર કરે છે.
 • સૂર્યનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે પૃથ્વી પરના તોફાનો વિશે જાણવા અને ટ્રેક કરવા અને તેની અસરોની આગાહી કરવા માટે સતત સૌર અવલોકનો જરૂરી છે.

વૈશ્વિક સ્તરે અત્યાર સુધી કેટલા સૂર્યયાન મિશનો મોકલવામાં આવ્યા છે?

 • અત્યાર સુધીમાં અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી જેવા દેશો દ્વારા કુલ 22 જેટલા સુર્યાયાન મિશન મોકલવામાં આવ્યા છે.
 • સૌથી વધારે નાસાએ સૂર્યયાન મિશન મોકલ્યા છે, જેવા કે પાર્કર સોલર પ્રોબ, લિવિંગ વિથ અ સ્ટાર, હેલિયોસ. નાસા દ્વારા સૌપ્રથમ સૂર્યના અભ્યાસ અર્થે પાયોનીયર-5 મિશન મોકલવામાં આવ્યું હતું.

આદિત્ય L1 મિશન વિશે 

 • આદિત્ય L1એ સૌર વાતાવરણનો અભ્યાસ કરવા માટેનું ભારતનું સૌપ્રથમ સૂર્યનો અભ્યાસ કરનાર કોરોનોગ્રાફી અવકાશયાન છે, જે હાલમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) તથા અન્ય વિવિધ ભારતીય સંશોધન સંસ્થાઓ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી રહ્યું છે.
 • તેને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિ.મી. દૂર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લાગ્રાન્જ પોઈન્ટ્સ 1 (L1) બિંદુની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કરવામાં આવશે જ્યાં તે સૌર વાતાવરણ, સૌર ચુંબકીય તોફાનો અને પૃથ્વીની આસપાસના પર્યાવરણ પર તેની અસરનો અભ્યાસ કરશે.
 • આ અવકાશયાન કોરોનલ હીટિંગ, સૌર પવન પ્રવેગક (કોરોનલ માસ ઇજેક્શન), કોરોનલ મેગ્નેટમેટ્રી, નજીકના અલ્ટ્રાવાયોલેટ સૌર કિરણોત્સર્ગની ઉત્પત્તિ અને તેની દેખરેખનો અભ્યાસ તથા ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના, સૌર ઊર્જાયુક્ત કણો અને સૂર્યના ચુંબકીય ક્ષેત્રનું સતત નિરીક્ષણ કરશે.
 • તેને PSLV-XL પ્રક્ષેપણ વાહન દ્વારા લોન્ચિંગ કરવામાં આવશે.
 • અગાઉ આ મિશનનું નામ આદિત્ય 1 રાખવામાં આવ્યું હતું.

પેલોડ્સ

 1. Visible Emission Line Coronagraph (VELC) : સૌર કોરોનાના ડાયગ્નોસ્ટિક પરિમાણો અને ડાયનેમિક્સ અને કોરોનલ માસ ઇજેક્શનના મૂળનો અભ્યાસ તેમજ સૌર વાતાવરણ કેમ આટલું ગરમ ​​છે અને સૂર્યમાં થતા ફેરફારો અવકાશના હવામાન તથા પૃથ્વીની આબોહવાને કેવી રીતે અસર કરી શકે છે તેનો અભ્યાસ કરવો.
 2. Solar Ultraviolet Imaging Telescope (SUIT) : 200-400 nm તરંગલંબાઇની શ્રેણી વચ્ચે સૂર્યનું અવલોકન કરી સૌર વાતાવરણના વિવિધ સ્તરોની સંપૂર્ણ ડિસ્ક છબીઓ પ્રદાન કરશે.
 3. Aditya Solar wind Particle Experiment (ASPEX) : સૌર પવનની વિવિધતા અને ગુણધર્મો તેમજ તેના વિતરણ તથા સ્પેક્ટ્રલ લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો.
 4. Plasma Analyser Package for Aditya (PAPA) : સૌર પવનની રચના અને તેની ઊર્જા વિતરણને સમજવું
 5. Solar Low Energy X-ray Spectrometer (SoLEXS) : કોરોનલ હીટિંગ વ્યવસ્થાતંત્રનો અભ્યાસ કરવો
 6. High Energy L1 Orbiting X-ray Spectrometer (HEL1OS) : સૌર કોરોનામાં થતી ઘટનાઓનું અવલોકન કરવું અને વિસ્ફોટની ઘટનાઓ દરમિયાન સૌર ઊર્જાના કણોને વેગ માપવો.
 7. Magnetometer : આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો અભ્યાસ કરવો.

લાગ્રાન્જ પોઈન્ટ 1

 • પરસ્પર કક્ષાભ્રમણ કરતા તારાયુગ્મ કે પછી તારા અને તેના ગ્રહ જેવા બે દળદાર પદાર્થોના સંયુક્ત ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં આવેલ પાંચ વિશિષ્ટ બિંદુઓ એટલે ‘લાગ્રાન્જ પોઈન્ટ્સ’. તેની શોધ જૉસેફ લાગ્રાન્જ (Joseph Lagrange) નામના ગણિતવિજ્ઞાનીએ 1772માં કરી અને તેથી આ બિંદુઓ લાગ્રાન્જ પોઈન્ટ્સ તરીકે જાણીતાં થયાં છે.
 • લાગ્રાન્જ પોઈન્ટ્સ એ અવકાશમાં આવેલા એવા સ્થાનો છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળનું આકર્ષણ સમાન રીતે લાગે છે. અહીં મૂકવામાં આવેલો અવકાશીય પદાર્થ સ્થિર રહી રહી શકે છે. પૃથ્વી-સૂર્ય પ્રણાલીના ભ્રમણકક્ષામાં આવા 5 બિંદુઓ શોધી કાઢવામાં આવ્યા છે. L1 બિંદુ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર આવેલ છે.
 • L-1 : પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટ/બિંદુ પૃથ્વી અને સૂર્યની વચ્ચે સ્થિત છે, જે આ બિંદુએ ઉપગ્રહોને સૂર્યનું સતત દશ્ય આપે છે, સૌર હેલિઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી (SOHLO), એક નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી ઉપગ્રહ કે જેને સૂર્યનું નિરીક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, તે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર પ્રથમ લેગ્રેન્જ બિંદુની ફરતે ભ્રમણ કરે છે.
 • L-2 : બીજો લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વીથી લગભગ સમાન અંતરે છે, પરંતુ તે પૃથ્વીની પાછળ સ્થિત છે. પૃથ્વી હંમેશા બીજા લેગ્રેન્જ પોઈન્ટ અને સૂર્યની વચ્ચે હોય છે. સૂર્ય અને પૃથ્વી એક જ લાઈનમાં હોવાથી આ સ્થાન પરના ઉપગ્રહોને સૂર્ય અને પૃથ્વીમાંથી ગરમી અને પ્રકાશને રોકવા માટે માત્ર એક હીટ કવચની જરૂર છે. સ્પેસ ટેલિસ્કોપ મૂકવા માટે તે એક આદર્શ સ્થાન છે.
 • L-3 : ત્રીજો લેગ્રેન્જ પોઈન્ટ સૂર્યની બીજી બાજુએ પૃથ્વીની સામે છે, જેથી સૂર્ય હંમેશા તેની અને પૃથ્વીની વચ્ચે રહે છે. આ સ્થિતિમાં ઉપગ્રહ પૃથ્વી સાથે કોમ્યુનિકેશન કરી શકશે નહીં.
 • L4 અને L5 : અત્યંત સ્થિર ચોથા અને પાંચમાં લેગ્રેજ બિંદુઓ પૃથ્વીના સ્વની આસપાસના છે. પૃથ્વીથી 60 ડિગ્રી આગળ અને પાછળ છે.

Leave a Comment

Share this post