નીલગીરી તાહર સંરક્ષણ પ્રોજેક્ટ

તાજેતરમાં તમિલનાડુ સરકાર દ્વારા ‘નીલગીરી તાહર સંરક્ષણ પ્રોજેક્ટ’ની શરૂઆત કરાઈ

 • નીલગીરી તાહર તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે, તેથી જ રાજ્ય સરકારે તેના સંરક્ષણ માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. નીલગીરી તાહરના સંરક્ષણ માટેની આવી પહેલ દેશભરમાં પ્રથમવાર છે.

પ્રોજેક્ટનું મહત્ત્વ

 • સર્વેક્ષણો અને રેડિયો ટેલિમેટ્રી અભ્યાસ દ્વારા નીલગીરી તાહરની વધુ સારી સમજ વિકસાવવી.
 • નીલગીરી તાહરને તેમના ઐતિહાસિક નિવાસસ્થાનમાં પુન:સ્થાપિત કરવા, ખાસ કરીને શોલા ઘાસના મેદાનોમાં.
 • નીલગીરી તાહરને લગતા નિકટવર્તી ખતરાઓને દૂર કરવા.
 • નીલગીરી તાહરના સંરક્ષણ માટે જનજાગૃતિમાં વધારો કરવો.
 • અમલીકરણ : આ પ્રોજેક્ટનું અમલીકરણ 2022 થી 2027 સુધી કરવામાં આવશે.
 • ખર્ચ : પ્રોજેક્ટનો કુલ ખર્ચ 25.14 કરોડ જેટલો છે.
 • નીલગીરી તાહર દિવસ: R.C ડેવિડરના માનમાં 7 ઓક્ટોબરને ‘નીલગીરી તાહર દિવસ’ તરીકે ઉજવવામાં આવશે; તેઓએ વર્ષ 1975માં નીલગીરી તાહર પરના અભ્યાસમાં અગ્રણી ફાળો આપ્યો હતો.

નીલગીરી તાહર વિશે

 • નીલગીરી તાહરના અનેક સંદર્ભો 2,000 વર્ષ જૂના તમિલ સંગમ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. મેસોલિથિક (10,000-4,000 ઈ.સ.પૂર્વ) ચિત્રો, લોકકથા, સંસ્કૃતિ અને જીવનમાં નીલગીરી તાહરના મહત્ત્વને પ્રકાશિત કરવામાં આવ્યા છે.
 • નીલગીરી તાહરના પરિસ્થિતિવિષયક (Ecological) અને સાંસ્કૃતિક મહત્ત્વના કારણે તેને તમિલનાડુના રાજ્ય પ્રાણી તરીકે જાહેર કરાયું છે.
 • ભારતમાં મોજૂદ 12 પ્રજાતિઓમાં નીલગીરી તાહર એ દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં ‘વરૈયાડુ’ તરીકે ઓળખવામાં આવે છે.
 • સંરક્ષણ દરજ્જો : નીલગીરી તાહરને IUCNની રેડ ડેટા યાદીમાં ‘ભયનિકટ’ (Near Threatened Species) તરીકે અને વન્‍યજીવન સુરક્ષા અધિનિયમ, 1972ની સૂચિ-I હેઠળ સૂચિબદ્ધ છે.
 • વર્લ્ડ વાઈલ્ડ ફંડ (WWF) ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ નીલગીરી તાહરની સંખ્યા 3,122 હોવાનો અંદાજ છે.

ભારતમાં વસવાટ

 • પહેલા, નીલગીરી તાહર પશ્ચિમ ઘાટની દક્ષિણ બાજુએ 1200 થી 2600 મીટરની ઊંચાઈએ આવેલા ખુલ્લા પહાડી ઘાસના મેદાનોમાં વસતા હતા. પરંતુ હાલમાં, નીલગીરી તાહરનું વિસ્તરણ પશ્ચિમ ઘાટના ઉત્તરમાં નીલગિરિથી દક્ષિણમાં કન્યાકુમારી ટેકરીઓ વચ્ચેના 400 કિ.મીના સાંકડા પટમાં થયેલ છે.
 • મહદ અંશે પાલની ટેકરીઓ, શ્રીવિલ્લીપુત્તુર અને મેઘમલાઈ તથા અગસ્તિયાર પર્વતમાળાઓમાં પણ તેમનો વસવાટ જોવા મળે છે.
 • કેરળના અનામલાઈ ટેકરીઓમાં આવેલ ઈરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન એ નીલગીરી તાહરની સૌથી વધુ સંખ્યા ધરાવતું રહેઠાણ છે, જેમાં 700થી વધુ નીલગીરી તાહર વસવાટ કરે છે.

 પડકારો

 • સ્થાનિક સંખ્યામાં ઘટાડો
 • વસવાટમાં વિદેશી પ્રજાતિઓનું આક્રમણ
 • જંગલમાં લાગતી આગ (દાવાનળ).
 • માંસ અને ચામડી માટે પ્રસંગોપાત શિકાર
 • વન સંસાધનોનું અતિશય શોષણ
 • પારિસ્થિતિવિષયક (Ecological) ડેટાનો અભાવ
 • વનનાબૂદી તેમજ નીલગીરી તાહરના નિવાસસ્થાનમાં જળવિદ્યુત મથકો અને મોનોકલ્ચર વાવણીને કારણે તેમના કુદરતી વસવાટને નુકસાન

Leave a Comment

TOPICS : ,

Share this post