ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) આતંકવાદી સંગઠન તરીકે જાહેર

ગૃહ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડીને આતંકવાદી ફંડિંગ અને ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ 1967 (UAPA ACT) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને TRFના કમાન્ડર શેખ સજ્જાદ ગુલ અને લશ્કર કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી તરીકે જાહેર કર્યો છે.

 • નોંધીએ કે અગાઉ સપ્ટેમ્બર 2022માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) નામે સંગઠન પર પણ 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ 1967 (UAPA ACT)

 • ભારતીય સંસદ દ્વારા 1967ના વર્ષમાં UAPA ACT પસાર કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ભારતમાં દેશવિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સંગઠનોને ઓળખવાનો અને તેની ગતિવિધિઓને અસરકારક રીતે રોકવાનો હતો.
 •  તેમાં સર્વોચ્ચ સજા તરીકે મૃત્યુદંડ અને આજીવન કેદ છે.
 • UAPA હેઠળ, ભારતીય અને વિદેશી બંને નાગરિકો પર ચાર્જ લગાવી શકાય છે, ભલે અપરાધ વિદેશી ભૂમિ પર, ભારતની બહાર કરવામાં આવ્યો હોય.
 • UAPA હેઠળ, તપાસ એજન્સી ધરપકડ પછી મહત્તમ 180 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી શકે છે અને કોર્ટને જાણ કર્યા પછી સમયગાળો વધુ લંબાવી શકાય છે.
 •  વર્ષ 2004, 2008, 2012 અને 2019 માં આ કાયદામાં વિવિધ સુધારા કરવામાં આવ્યા છે.
 • વર્ષ 2019માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) સુધારા બિલ, 2019 દ્વારા કોઇ વ્યક્તિને પણ આતંકવાદી જાહેર કરવાની જોગવાઇ ઉમેરવામાં આવી.

  જ્યારે કોઇ સંગઠનને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે ત્યારે શું થાય છે?

 • સંગઠનની સંપત્તિને જપ્ત કરવામાં આવે છે તેમજ UAPAની કલમ 7 અને 8 હેઠળ ગેરકાનૂની સંગઠનના ભંડોળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
 • વધુમાં, જે વ્યક્તિ આવા ગેરકાયદેસર સંગઠનની મીટિંગમાં હાજરી આપે છે અથવા આવા સંગઠનની ગતિવિધિઓમાં સામેલ છે, તેને બે વર્ષ સુધીની કેદ અને દંડ ફટકારવામાં આવશે.

સંગઠનને ગેરકાયદેસર જાહેર કરવાની પ્રક્રિયા

 • ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153A/153Bમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ, UAPA હેઠળ કોઈપણ સંગઠનને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપતું હોય, રાષ્ટ્રની સુરક્ષા સામે ખતરો પેદા કરતું હોય, લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રોત્સાહિત કે મદદ કરતું હોય અથવા એ સંગઠનના સભ્યો આવી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોય.
 • ગૃહ મંત્રાલય દ્વારા એકવાર કોઇ સંગઠનને ગેરકાયદેસર સંગઠન જાહેર કરાયા બાદ 30 દિવસની અંદર સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ ટ્રિબ્યુનલને આ બાબતની પૃષ્ટિ કરતી સૂચના મોકલવી જરૂરી છે.
 • દાખલા તરીકે, આપેલા કેસમાં, MHAએ NIA, ED અને રાજ્ય પોલીસ દળો દ્વારા PFI અને તેના કેડર સામે દેશભરમાં દાખલ કરાયેલા કેસોની વિગતો સાથે અહેવાલ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ ટ્રિબ્યુનલને મોકલવો પડશે.
 • ત્યારબાદ ટ્રિબ્યુનલ જે તે ગેરકાયદેસર જાહેર કરાયેલી સંસ્થાને તેના પર શા માટે પ્રતિબંધ ન મૂકવો જોઈએ તેના કારણો જણાવવાનો અને તેને લેખિતમાં જવાબ આપવાનો આદેશ આપે છે. બંને પક્ષોની દલીલો પછી, ટ્રિબ્યુનલ સંસ્થાને ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવા માટે પૂરતા પુરાવા છે કે કેમ તે નક્કી કરવા માટે 6 મહિનાની અંદર) તપાસ કરી પોતાનો નિર્ણય આપશે. એકવાર ટ્રિબ્યુનલ દ્વારા મંજૂર થયા પછી, પ્રતિબંધ પાંચ વર્ષ માટે અમલમાં રહેશે.
 • ઉદાહરણ તરીકે, 2019માં, તત્કાલીન દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશે શું સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) પર પ્રતિબંધ મૂકવા માટે પૂરતા પુરાવા છે કે કેમ તે નક્કી કરવા માટે ઔરંગાબાદ, પુણે વગેરે જેવા સ્થળોએ જાહેર સુનાવણી યોજી હતી.

Leave a Comment

Share this post