સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચમાં ટોચની નિમણૂકો પર ઐતિહાસિક ચુકાદો આપ્યો

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચમાં ટોચની નિમણૂકો પર ઐતિહાસિક ચુકાદો આપ્યો

 • સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું  કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક હવે પ્રધાનમંત્રી, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતાની સમિતિ કરશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ પસંદગી પ્રક્રિયા CBI ડાયરેક્ટરની રીતે થવી જોઈએ.
 • સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC) ની નિમણૂક માટે કૉલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ કે.એમ.જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટા વિપક્ષી પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી કરશે. જોકે, નિમણૂકનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે રહેશે.
 • ખંડપીઠ: બેંચમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારનો સમાવેશ થાય છે. ખંડપીઠે ગયા વર્ષે 24 નવેમ્બરે આ મુદ્દે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
 • સુપ્રીમકોર્ટે કહ્યું કે ચૂંટણીપંચ સ્વતંત્ર હોવું જોઇએ અને લોકતંત્રમાં ચૂંટણીમાં નિષ્પક્ષતા બનાવી રાખવી જોઈએ નહીંતર તેના વિનાશકારી પરિણામ આવશે. ચૂંટણી નિશ્ચિત રુપથી નિષ્પક્ષ થવી જોઈએ. કોર્ટે સર્વસંમત નિર્ણયમાં ચૂંટણી પ્રક્રિયાઓમાં નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા પર ભાર આપતા કહ્યું કે લોકતંત્ર લોકોની ઇચ્છા સાથે જોડાયેલ છે. કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતથી કામ કરવા માટે બાધ્ય છે. તેણે સંવૈધાનિક સ્ટ્રક્ચર અંતર્ગત કાર્ય કરવું જોઈએ

શું છે સમગ્ર મામલો?

 • સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કોલેજિયમ જેવી વ્યવસ્થા હોવી જોઈએ તેવી માગણી કરવામાં આવી હતી.
 • કોલેજિયમ સિસ્ટમ જજોની નિમણૂક માટે છે. કોલેજિયમમાં સુપ્રીમ કોર્ટના જજ હોય ​​છે, જેઓ જજોની નિમણૂક માટે કેન્દ્ર સરકારને નામ મોકલે છે. કેન્દ્રની મહોર બાદ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે.
 • પિટિશનર અનૂપ બરનવાલે ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં કોલેજિયમ જેવી સિસ્ટમની માગણી કરતી અરજી દાખલ કરી હતી.
 • 23 ઓક્ટોબર,2018ના રોજ આ મામલો 5 જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. ગયા વર્ષે 19 નવેમ્બરે કેન્દ્ર સરકારે પંજાબ કેડરના IAS ઓફિસર અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. અરુણ ગોયલની નિમણૂકને લઈને વિવાદ થયો હતો કારણ કે તેઓ 31 ડિસેમ્બર 2022ના રોજ નિવૃત્ત થવાના હતા. તેમને 18 નવેમ્બરે VRS આપવામાં આવ્યું હતું અને બીજા જ દિવસે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 • આ તમામ પ્રશ્નો પર, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ વેંકટરામાણીએ કહ્યું હતું કે બધું 1991ના કાયદા હેઠળ થયું છે અને હાલમાં એવો કોઈ ટ્રિગર પોઈન્ટ નથી કે જ્યાં કોર્ટને હસ્તક્ષેપ કરવાની જરૂર હોય.
 • સર્વોચ્ચ અદાલતે પૂછ્યું હતું કે, કેન્દ્રીય કાયદા પ્રધાને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક માટે વડાપ્રધાનને ભલામણ કરાયેલ ચાર નામોની પેનલ કેવી રીતે પસંદ કરી જ્યારે તેમાંથી કોઈએ ઓફિસમાં નિર્ધારિત 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. ચૂંટણી પંચ અધિનિયમ, 1991 હેઠળ ચૂંટણી પંચનો કાર્યકાળ 6 વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર સુધી, બેમાંથી જે વહેલો હોય તે લાગુ પડે છે.
 • સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂકમાં દખલ કરી હતી. કોર્ટે અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક સંબંધિત મૂળ રેકોર્ડ માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા. બેન્ચે કહ્યું હતું કે, તે માત્ર સિસ્ટમને સમજવા માગે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post