સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ – 2023 સમિટનું આયોજન

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા તેની 53મી વાર્ષિક બેઠક ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ – 2023’નું તાજેતરમાં યુરોપના સૌથી ઉંચા શહેર સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
 • વર્લ્ડ ઇકોનોમિક ફોરમ – 2023ની થીમ ‘ખંડિત વિશ્વમાં સહકાર’(Cooperation in a Fragmented World) રાખવામાં આવી હતી.
 • વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ બેઠકનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડ સરકાર તેમજ કેન્ટન ઓફ ગ્રેબ્યુન્ડેનના સહયોગથી કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-2023 (દાવોસ બેઠક)

 • વર્લ્ડ ઇકોનોમિક ફોરમ- 2023 સમિટમાં 52 દેશ/સરકારના વડાઓ સહિત 130 દેશોના 2,700 નેતાઓ સામેલ થયા હતા.
 • વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ પાંચ દિવસીય બેઠક, જેમાં બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, રાજકીય વ્યક્તિઓ, રોકાણકારો અને શિક્ષણવિદોનો સમાવેશ થાય છે, જે છેલ્લા ત્રણ વર્ષ બાદ વર્ષ 2023માં રૂબરૂમાં આયોજિત થઇ હતી.
 • આ બેઠકમાં ટોચના રાજકીય નેતાઓ જેવા કે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા મેટસોલા, દક્ષિણ કોરિયાના પ્રમુખ યુન સુક્યોલ, દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ એમ. રામાફોસા, સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ, સ્વિસ પ્રમુખ એલેન બેર્સેટ તેમજ ફિનલેન્ડના વડાપ્રધાન સન્ના મેરિન એ પણ ભાગ લીધો હતો.
 • જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ- 2023માં હાજરી આપનાર G-7 જૂથના એકમાત્ર સભ્ય હતા, ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને ચાઇનીઝ વાઇસ પ્રીમિયર લિયુએ પણ હાજરી આપી હતી, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી.

ઓક્સફેમ ઇન્ડિયાઃ ભારતના સૌથી અમીર 1% લોકો ભારતની કુલ સંપત્તિના 40.5% કરતા વધુના માલિક

 • ચેરિટેબલ સંસ્થા, ઓક્સફામ ઇન્ટરનેશનલ દ્વારા આ બેઠકમાં ‘સર્વાઇવલ ઓફ ધ રિચેસ્ટ’ નામનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો.
 • આ અહેવાલ મુજબ વિશ્વના સૌથી ધનિક 1% લોકોએ વર્ષ 2020 થી અત્યાર સુધીમાં 42 ટ્રિલિયન ડોલરની કુલ નવી સંપત્તિમાંથી લગભગ 2/3 જેટલી સંપત્તિ હસ્તગત કરી છે, જે વિશ્વના 99% લોકોની કુલ સંપત્તિ કરતા બમણી છે.

‘સર્વાઇવલ ઓફ ધ રિચેસ્ટઃ ધ ઇન્ડિયા સપ્લિમેન્ટ’ અહેવાલના કેટલાક મુખ્ય તારણો

 • (a) જાન્યુઆરી 2019માં Covid-19 રોગચાળાની શરૂઆત થઇ અને નવેમ્બર 2022માં આ રોગચાળાની સમાપ્તિ થઇ ત્યારથી ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં 121% અથવા વાસ્તવિક દૃષ્ટિએ દરરોજ 3,608 કરોડ રૂ. (લગભગ 2.5 કરોડ રૂ. પ્રતિ મિનિટ)નો વધારો છે.
 • (b) ભારતમાં વર્ષ 2020માં 102 અબજોપતિ હતા, જેની સાપેક્ષે વર્ષ 2022માં 166 અબજોપતિ હતા.
 • (c) પાયાની 50% વસ્તી દ્વારા ભારતમાં તમામ ગુડ્સ અને સર્વિસ ટેક્સમાં લગભગ 64% યોગદાન આપવામાં આવ્યું હતું, જ્યારે સૌથી ધનિક 10% લોકોએ માત્ર 4% ફાળો આપ્યો હતો.
 • (d) વર્તમાનમાં ભારતીય ગરીબો જીવનની મૂળભૂત જરૂરિયાતોને પણ ખરીદી શકતા નથી તેમજ ભૂખમરાથી પીડાતા ભારતીયોની સંખ્યા 19 કરોડથી વધીને 35 કરોડ જેટલી થઇ ગઇ છે.

ગરૂડા એરોસ્પેસ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ- 2023 સમિટમાં ભારતના પ્રથમ કાર્બન ન્યુટ્રલ ડ્રોનનું અનાવરણ

 • ભારતની સૌથી મોટી અને સૌથી મૂલ્યવાન ડ્રોન સ્ટાર્ટઅપ કંપની ગરૂડા એરોસ્પેસ દ્વારા આ બેઠકના ભારતીય સસ્ટેનેબિલિટી લોન્જમાં ભારતના પ્રથમ કાર્બન ન્યુટ્રલ ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
 • કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી 4.0 અને સંરક્ષણ સહિત અનેક મોટા ઉદ્યોગોમાં ગરુડા એરોસ્પેસ દ્વારા નિર્મિત ડ્રોનના ઉપયોગ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA) દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી.

ગરુડા એરોસ્પેસ દ્વારા ‘કિસાન ડ્રોન યાત્રા’નું આયોજનઃ

 • (a) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગરૂડા એરોસ્પેસના પ્રોજેક્ટ કિસાન ડ્રોન યાત્રાની તાજેતરમાં શરૂઆત કરાવવામાં આવી હતી અને આ ઘટના બીજી કૃષિ હરિત ક્રાંતિની શરૂઆત છે તેવો પણ સંકેત આપવામાં આવ્યો હતો.
 • (b) આ કિસાન ડ્રોન યાત્રા હરિયાણાના ગુડર્ગાંવના માનેસરથી શરૂ કરવામાં આવી હતી.

હૈદરાબાદની ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કેન્દ્રની યજમાની માટે પસંદગી

 • વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ બેઠક દરમિયાન હૈદરાબાદને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે તેના કેન્દ્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, જે આરોગ્ય સંભાળ અને જીવન વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરશે.
 • તેલંગાણાના હૈદરાબાદ ખાતે આવેલ આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનું કેન્દ્ર એક સ્વાયત્ત, બિનનફાકારક સંસ્થા હશે તેમજ ભારતમાં આ પ્રકારનું એકમાત્ર કેન્દ્ર હશે.

Leave a Comment

TOPICS : ,

Share this post