શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન

શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન

 • નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના ઘર શાંતિ નિકેતનને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. શાંતિનિકેતન પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલું છે. શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 45મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો હતો.

શાંતિનિકેતન

 • ગુરુદેવ રવીન્દ્રનાથના નામનો પર્યાય બની ગયેલી શિક્ષણસંસ્થા. આ સંસ્થા કોલકાતાથી પશ્ચિમે લગભગ દોઢસો કિલોમીટર દૂર વેરાન ગણાતા વીરભૂમ જિલ્લામાં આવેલી છે.
 • શાંતિનિકેતન નામના આ આશ્રમની સ્થાપના રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈ. સ. 1863માં કરી હતી, જ્યારે રવીન્દ્ર ત્રણેક વર્ષના હતા.
 • શ્રીકંઠસિંહ પાસેથી છાતીમ વૃક્ષોની આસપાસની 20 વીઘા જમીન તત્કાળ ખરીદી લીધી. 1864માં તેમણે ત્યાં એક આવાસ બાંધ્યો અને તેનું નામ આપ્યું શાંતિનિકેતન.
 • લાલ રેલિંગ કરી સુરક્ષિત રાખેલાં આ છાતીમ નીચે એક તખતી પર મહર્ષિએ કોતરાવેલો ધ્યાનમંત્ર છે : ‘તિનિ આમાર પ્રાણેર આરામ/મનેર આનંદ/આત્માર શાંતિ’ (તેઓ મારા પ્રાણનો આરામ છે, મનનો આનંદ છે, આત્માની શાંતિ છે).
 • મહર્ષિએ બંધાવેલ આવાસ આજે આદિકુઠિ તરીકે ઓળખાય છે, જેમાં વિશ્વભારતીનો ઓડિયા વિભાગ બેસે છે. આદિકુઠિની પાસે જ મહર્ષિએ એક ઉપાસનામંદિર બનાવ્યું, જેની દીવાલો કાચની છે અને આ ઉપાસનામંદિર સર્વને માટે ખુલ્લું રહે એવું ટ્રસ્ટડીડ કર્યું.
 • રવીન્દ્રનાથ ટાગોરે 1901ના ડિસેમ્બરની 22મી તારીખે 5 વિદ્યાર્થીઓની સંખ્યાથી શાળા શરૂ કરી, જેમાં એક તો તેમનો જ્યેષ્ઠ પુત્ર હતો. આ નવી શાળાનું નામ આપ્યું ‘બ્રહ્મચર્યાશ્રમ’. પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પરંપરાના અધ્યાપન માટે આવેલા પાંચ અધ્યાપકોમાં ત્રણ તો ખ્રિસ્તી હતા.
 • 1915માં ગાંધીજી હંમેશ માટે દક્ષિણ આફ્રિકા છોડી ભારત આવ્યા ત્યારે તેમના ફિનિક્સ આશ્રમના અંતેવાસીઓ શાંતિનિકેતનમાં રહેલા. અહીં જ મહાત્મા અને ગુરુદેવનું પ્રથમ મિલન 1915માં થયેલું. રવીન્દ્રનાથે ‘જ્યાં આખું વિશ્વ એક માળો બને છે’ (यत्र विश्वं भवत्यैक – नीडम्) – એવા ધ્યાનમંત્ર સાથે ‘વિશ્વભારતી’ વિશ્વવિદ્યાલય સ્થાપવાનો વિચાર કર્યો.
 • ક્ષિતિમોહન સેન અને નંદલાલ બસુ એટલે ગુરુદેવની આ સંસ્થાના બે મહાન સ્તંભ. 1921માં વિધિસરની વિશ્વભારતી (યુનિ.) શરૂ થઈ. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં અમદાવાદમાં ગાંધીજીએ કરી.
 • ગ્રામસુધારણા માટે, શાંતિનિકેતન સાથે પછી ત્રણેક કિલોમીટર દૂર સુરુલમાં જમીન ખરીદી ત્યાં રવીન્દ્રનાથે શ્રીનિકેતનની સ્થાપના કરી હતી.
 • 1951માં ભારતની પાર્લમેન્ટે તેની તમામ ખાસિયતો જાળવીને વિશ્વભારતીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો. જેના પ્રથમ આચાર્ય (ચાન્સેલર) થયા જવાહરલાલ નહેરુ અને ઉપાચાર્ય (વાઇસ ચાન્સેલર) થયા રવીન્દ્રનાથના પુત્ર રથીન્દ્રનાથ.

ECOMOSએ કરી હતી ભલામણ

 • મે 2023માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ECOMOS)એ શાંતિનિકેતનને UNESCOની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની ભલામણ કરી હતી. ફ્રાંસમાં સ્થિત ECOMOS આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા છે. આ સંસ્થામાં પ્રોફેશનલ, નિષ્ણાંતો, સ્થાનીય અધિકારી, કંપનીઓ અને હેરિટેજ સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે અને આ દુનિયાના વાસ્તુશિલ્પ અને હેરિટેજ સ્થળોના સંરક્ષણ અને પ્રચાર માટે કામ કરે છે.
 • શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 45મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો હતો.

Leave a Comment

Share this post